સ્કુલની શિક્ષીકા અને તેના ટ્રાવેર્લ્સના ધંધાના ભાગીદારનું કારસ્તાન: ઉછીના લીધેલા રૂ. 22.41 લાખનો હિસાબ કરવાના બહાને કારખાનેદારને બેટથી ફટકાર્યો
રાંદેર રોડની દુકાનના ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ આપ્યા પરંતુ પોલીસ કેસ કરવાનું કહેતા ઘરે બોલાવી માર માર્યો
સુરત
કતારગામ વિસ્તારમાં રહેતી ખાનગી સ્કુલની શિક્ષીકા અને તેના ટ્રાવેર્લ્સના ધંધાના ભાગીદારે ઉછીના લીધેલા રૂ. 22.41 લાખનો હિસાબ કરવાના બહાને કારખાનેદારને બોલાવી બેટ વડે ફટકારતા મામલો કતારગામ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
રાંદેર-ઉગત રોડ ખાતે રીસાયક્લીંગનું કારખાનું ચલાવતા હરેન્દ્ર ચંદ્રશંકર ભટ્ટ (ઉ.વ. 51 રહે. એ 76, ખોડિયા કૃપા સોસાયટી, કંતારેશ્વર મહાદેવ મંદિર નજીક, કતારગામ) એ પુત્રના ટ્યુશન ટીચર જલ્પા હિમાંશુ પંચાલ (રહે. ફ્લેટ નં. 1, પદ્દમાવતી પાર્ક એપાર્ટમેન્ટ, લીંમ્બાચીયા ફળીયું, કતારગામ) અને તેના ટ્રાવેર્લ્સના ધંધાના પાર્ટનર નૈમેષ હસમુખ ખંભાતી (રહે. એ 11, પટેલ પાર્ક સોસાયટી, છાપરાભાઠા-અમરોલી રોડ) ને મે 2017માં ઉછીના રૂ. 3 લાખ આપ્યા હતા. નૈમેષ અને જલ્પાએ છ મહિનામાં રૂપિયા પરત આપવાનો વાયદો કર્યો હતો પરંતુ નિયત સમયમાં રૂપિયા પરત આપ્યા ન હતા. ત્યાર બાદ પણ હરેન્દ્રએ ડિસેમ્બર 2017થી ડિસેમ્બર 2020 સુધીમાં ટુક્ડે-ટુક્ડે જલ્પાને રૂ. 10.49 લાખ અને નૈમેષને રૂ. 11.92 લાખ ઉછીના આપ્યા હતા.
નિયત સમયમાં ઉછીના આપેલા રૂપિયા પરત નહીં આપતા હરેન્દ્રએ ઉઘરાણી કરતા રાંદેર રોડ તાડવાડી સ્થિત સુજાતા સોસાયટીની સામે સત્યમ એપાર્ટમેન્ટની દુકાનના ડોક્યુમેન્ટ્સ અને પ્રોમિસરી નોટ તથા ચેક આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ પણ વાયદા કરતા હરેન્દ્રે પોલીસ કેસ કરવાનું કહેતા ગત જાન્યુઆરી મહિનામાં હિસાબ કરવાના બહાને જલ્પાએ હરેન્દ્રને પોતાના ઘરે બોલાવ્યો હતો. જયાં નૈમેષ સાથે મળી જલ્પાએ બેટ વડે હરેન્દ્રને માર માર્યો હતો. જેને પગલે હરેન્દ્ર ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો જો કે ઉછીના આપેલા રૂપિયા અંગે પરિવારને જાણ કર્યા બાદ ગત રોજ શિક્ષીકા જલ્પા પંચાલ અને તેના મિત્ર નૈમેષ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tDCUBR
0 Response to "સ્કુલની શિક્ષીકા અને તેના ટ્રાવેર્લ્સના ધંધાના ભાગીદારનું કારસ્તાન: ઉછીના લીધેલા રૂ. 22.41 લાખનો હિસાબ કરવાના બહાને કારખાનેદારને બેટથી ફટકાર્યો"
Post a Comment