ભૂમાફિયાઓ દ્વારા લાખોની ખનીજચોરી થતી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત

ભૂમાફિયાઓ દ્વારા લાખોની ખનીજચોરી થતી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત


ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જે અંગે અનેક વખત ગ્રામજનો તથા આગેવાનો દ્વારા રજુઆતો કરવા છતાં કોઈપણ પગલા લેવામાં ન આવતાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ જવાબદાર તંત્રને ભુમાફીયાઓ દ્વારા ધાકધમકી કે મોટીરકમના હપ્તાઓ આપી એનકેન પ્રકારે અવાજ દબાવી દેવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ અંગે કોઈજ ઉકેલ ન આવતાં કંટાળી ધ્રાંગધ્રા તાલુકાના ઘનશ્યામગઢ સહિત આસપાસના ગામોના યુવાનો રહિશો અને મહિલાઓ મોટીસંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે ઉમટી પડયાં હતાં અને ગેરકાયદેસર ખનીજચોરી મામલે ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આ અંગે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા તાલુકાના ઘનશ્યામગઢ સહિત આસપાસના ગામોમાંથી મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે તેમજ બ્લાસ્ટીંગના કારણે ભુકંપ જેવા આંચકાઓના કારણે આસપાસના રહેણાંક મકાનોમાં તીરાડો પણ પડી ગઈ છે. ત્યારે આ મામલે સ્થાનીક રહિશો અને મહિલાઓએ અગાઉ અનેક વખત રજુઆતો કરી હતી પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે મોટીસંખ્યામાં ગામના આગેવાનો મહિલાઓ અને યુવાનો ધ્રાંગધ્રા સેવા સદન ખાતે ટ્રેકટર ભરીને આવી પહોંચ્યા હતાં અને ડેપ્યુટી કલેકટર ભાવેશભાઈ દવેને ખનીજચોરી મામલે આવેદન પત્ર પાઠવ્યું હતું. જેના ભાગરૂપે સેવાસદનથી એક ટીમને પોલીસ સાથે ઘટના સ્થળે મોકલી આપી હતી આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યારે ઘટના સ્થળે મામલો ઉગ્ર બનતાં ગ્રામજનો દ્વારા સ્થળ પર એક હીટાચી મશીનમાં તોડફોડ અને નુકશાન પહોંચાડયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આમ તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી અંગે કોઈ જ પગલા ન ભરાતા લોકો રોષે ભરાયા હતાં અને ઉગ્ર રજુઆતો બાદ વાહનોમાં તોડફોડના બનાવો પણ બન્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા તાલુકાના ઘનશ્યામગઢ સહિતના ગામોમાં ભુમાફીયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર સફેદ માટીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતાં નથી અને અમુક અધિકારીઓની મીલીભગતથી ભુમાફીયાઓને છુટો દોર મળી રહ્યો છે ત્યારે આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જ્યારે આ તકે સ્થાનીક આગેવાન અને ઠાકોર સમાજના અગ્રણી પપ્પુભાઈ ઠાકોર સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ડેપ્યુટી કલેકટરને ઉગ્ર રજુઆતો કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lqOxZC

0 Response to "ભૂમાફિયાઓ દ્વારા લાખોની ખનીજચોરી થતી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel