શહેરના તળાજા રોડનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા ઝેરી દવા પીધી

- આયુર્વેદિક કોલેજના પટ્ટાવાળાએ ૨૨.૯૫ લાખ રૂપિયા ૨૦ થી ૨૫ ટકા ઉંચા વ્યાજે લીધા'તા ઃ એક મહિલા સહિત ૧૦ સામે યુવકના ૫ત્નીએ નોંધાવી ફરિયાદ
શહેરના તળાજા રોડ ખાતે રહેતા અને આયુર્વેદિક કોલેજમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા યુવાને વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતાં ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના તળાજા રોડ, તળાજા જકાતનાકા, જલારામ સોસાયટી, વ્રજવિહાર, રૂમ નં.૨૦૨માં રહેતા અને જે.પી. આયુર્વેદિક કોલેજમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા પ્રહલાદસિંહ ઉદયસિંહ સોલંકી નામના યુવકે નોટબંધીના સમયગાળામાં અંજારા, મોતીદાદા, આશાબેન, દીલિપ, સંજય, ઝાલા દરબાર, નથુદાદા, દિનેશ વણજારા, અશોકસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ સરવૈયા સહિતનાઓ પાસેથી જુદા-જુદા મળી કુલ રૂા.૨૨,૯૫,૦૦૦ ૨૦ થી ૨૫ ટકા વ્યાજે લીધા હતા. જેનું તેઓ દર મહિને રૂા.૬૦,૦૦૦ વ્યાજ ચુકવતા હોવા છતાં વ્યાજખોરોએ વ્યાજની અને મુળ રકમની અવાર-નવાર પઠાણી ઉઘરાણી શરૂ રાખી હતી. જેનાથી કંગાળી જઈ પ્રહલાદસિંહ સોલંકીએ ગઈકાલે બુધવારે બપોરના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમને બેભાન હાલતમાં સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડાયા હતા.
ઘટના સંદર્ભે પ્રહલાદસિંહના પત્ની રીનાબેન સોલંકી (ઉ.વ.૪૧)એ સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોતીદાદા, અંજારા, આશાબેન, દીલિપ, સંજય, ઝાલા દરબાર, નથુદાદા, દિનેશ વણજારા, અશોકસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ સરવૈયા વગેરે મળી એક મહિલા સહિત ૧૦ સામે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ ૪૦ અને આઈપીસી ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jK0CZg



0 Response to "શહેરના તળાજા રોડનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા ઝેરી દવા પીધી"
Post a Comment