હોમિયોપેથિક કોલેજના છાત્રો અને એબીવીપીના કાર્યકરોની અટકાયત
મહેસાણા, તા.10 ફેબ્રુઆરી 2021, બુધવાર
મહેસાણા શહેરમાં આવેલ હોમિયોપેથિક કોલેજ સામે એબીવીપી અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને સ્ટાઈપેન્ડના દરમાં વધારો કરવાની માંગ કરી હતી. જ્યારે સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. આ સ્થળે આવી પહોંચેલી પોલીસે દરમિયાનગિરી કરી છાત્રો અને એબીવીપીના કાર્યકરો સહિત ૨૦૬ વ્યક્તિઓની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. ત્રણ કલાક બાદ તમામને છોડી મુકાયા હતા.
રાજ્યની હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓને ઈન્ટન્સ રૂા. ૯ હજાર પ્રતિમાસ સ્ટાઈપેન્ડ મળનાર હતું. પરંતુ હજુ સુધી તેઓને જુના ઠરાવ મુજબ રૂા. ૫૨૦૩ નું જ સ્ટાઈપેન્ડ મળી રહ્યું છે. જેથી હોમિયોપેથિકના ઈન્ટર્ન્સમાં નારાજગી ફેલાઈ હતી. આ મામલે એબીવીપીએ લડત આરંભી છે.બુધવારે મહેસાણા ખાતે આવેલ હોમિયોપેથિક કોલેજ સામે એબીવીપીના નેજા હેઠળ છાત્ર સંઘના આગેવાનો અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને પોતાને થઈ રહેલા અન્યાયનો વિરોધ દર્શાવી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્ય સરકારની નીતિઓ વિરોધમાં ભારે સુત્રોચ્ચારો કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. આ સમયે પોલીસનો કાફલો અહીં આવી પહોંચ્યો હતો અને પોતાને થઈ રહેલા અન્યાયના વિરોધમાં દેખાવો યોજી રહેલા હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓને શાંત પાડવા ૨૦૬ જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. જેનો એબીવીપીના આગેવાનોએ વિરોધ દર્શાવ્યો હતો. અટકાયત કરવામાં આવેલા છાત્રા આગેવાનો અને વિદ્યાર્થીઓમાં એબીવીપીના ગુજરાત પ્રદેશ સહમંત્રી હર્નિષ સથવારા, નગર મંત્રી સંકેત પ્રજાપતિ, સહમંત્રી દર્શન સથવારા, દર્શન પંડયા વગેરેનો સમાવેશ થાય છે. તમામ છાત્રોને મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં ત્રણ કલાક રોકીને પોલીસે તેઓને છોડી મુક્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z5ScC0
0 Response to "હોમિયોપેથિક કોલેજના છાત્રો અને એબીવીપીના કાર્યકરોની અટકાયત"
Post a Comment