મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે ઉમેદવારોનો રઝળપાટ
મહેસાણા તા.22
૨૮ ફેબ્રુઆરીના રોજ મહેસાણા જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની ચુંટણી યોજાનાર છે. જેમાં જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો પર ૧૦૭ ઉમેદવારો, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૬ બેઠકો માટે ૫૦૫ અને પાલિકાની ૧૫૨બેઠકો પર ૩૧૧ ઉમેદવારો ચુંટણ લડી રહ્યા છે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો હોવાથી કોંગ્રેસ અને ભાજપ સહિત રાજકિય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો લોકસંપર્ક દ્વારા મતદારોને રીઝવવા સર્વત્ર રઝળપાટ કરી રહ્યા છે. પરંતુ કોરોનાકાળ અને મોંઘવારીમાં પિસાઇ રહેલી પ્રજા પોતાનું મન કળવા દેતી ન હોવાથી ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે.
અમદાવાદ સહિત છ નગરપાલિકાની યોજાયેલી ચુંટણીમાં થયેલા ઓછા મતદાનને કારણે મહેસાણા જિલ્લામાં યોજાનાર પાલીકા અને પંચાયતોની ચુંટણી અન્વયે રાજકિય પક્ષોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જેના લીધે ઉમેદવારોએ મતદારોને આકર્ષના જુદાજુદા નુસખા અપનાવી વધુમાં વધુ મતદાન થાય તે માટેનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં કોંગ્રેસ, ભાપજ અને આમઆદમી પાર્ટીના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતપોતાના મતવિસ્તારોમાં ડોર ટુ ડોર લોકસંપર્ક કરવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારીને લીધે મોટી સભાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. પરિણામે લોકો સુધી પહોંચવા ઉમેદવારો અને તેમના સમર્થકોએ વહેલી સવારથી મોડી રાત સુધી પગપાળા લોકસંપર્ક કરવાનું મુનાસીબ માન્યું છે. પરંતુ પ્રચાર કાર્ય દરમિયાન અનેકવિધ સમસ્યાનો સામનો કરી રહેલી પ્રજા રાજકિય પક્ષોના કે અપક્ષ ઉમેદવારોને પોતાનું મન કળવા દેતી ન હોવાથી આ વખતના ચુંટણીના પરિણામો ખુબ જ રસપ્રદ રહે તેવી સંભાવના જણાય છે. મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક બિનહરીફ થતાં ૪૧ બેઠકો માટે ૧૦૭ ઉમેદવારો ચુંટણીના મેદાનમાં છે. તેવી રીતે જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતની ૨૧૬ બેઠકો પૈકી ૯ બેઠકો બિનહરીફ થઇ છે. જ્યારે ૨૦૭ બેઠકો પર પ૦૫ અને ચાર નગરપાલિકાની ૧૫૨ બેઠકોમાં ૨૮ બીનહરીફ થતાં હવે ૧૨૪ બેઠકો ઉપર ૩૧૧ ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.
ઇવીએમમાં બેલેટ પેપર સેટીંગની કામગીરી શરૂ
મહેસાણા જિલ્લામાં યોજાનાર પંચાયત અને નગરપાલિકાની ચુંટણી માટે વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. કુલ ૪૧૦ બેઠકો પર ૯૨૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં તંત્ર દ્વારા કુલ ૧૮૧૪ મતદાન મથકો બનાવાયા છે. આ બુથો પર મતદાન માટે ઇવીએમમાં ઉમેદવારોના નામ અને પ્રતિકોના સેટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને બે વાર મતદાન કરવું પડશે
મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના મતદારોને બે વખત મતદાન કરવું પડશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારને મત આપવાનો રહશે. જિ.પં.ની ૪૧ બેઠકો અને ૧૦ તાલુકા પંચાયતની ૨૦૭ બેઠકો ઉપર ૧૨૯૯૨૫૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિસ્તારના પ્રતિનિધીને ચુંટશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OUwm2g
0 Response to "મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે ઉમેદવારોનો રઝળપાટ"
Post a Comment