વિદ્યાર્થી રોષ : ચક્કાજામથી પોણો કલાક વાહન વ્યવહાર થંભી ગયો

- પોલીસે દોડી જવું પડયું, તળાજા ડેપોના અધિકારીએ સ્થળ પર પહોંચી ખાત્રી આપ્યા બાદ જ વિદ્યાર્થીઓ રસ્તા પરથી હટયાં, લોકડાઉન બાદ એક પણ પોઈન્ટ પર બસ ઉભી રાખવામાં ન આવતી હોવાનો કકળાટ
તળાજા તાલુકાના સાંકડાસર-૧ ગામે એસ.ટી. બસને થંભાવવામાં ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. એસ.ટી. તંત્રના દૈનિકના મનસ્વી વલણે વિવાદનો મધપૂડો છંછેડતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી પોણો કલાક સુધી વાહન વ્યવહારને થંભાવી દીધો હતો. સ્ટુડન્ટ્સ પાવરને પારખી ગયેલું એસ.ટી. તંત્ર આખરે ઝુક્યું હતું અને બસ થંભાવવાની ખાત્રી આપતા વિદ્યાર્થીઓ રસ્તા પરથી હટયાં હતા.
તળાજા-મહુવા નેશનલ હાઈવે પર આવેલા સાંકડાસર-૧ ગામે છેલ્લા ઘણાં સમયથી એસ.ટી.ની એક પણ બસ ઉભી રાખવામાં ન આવતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પ્રશ્નનો કોઈ હલ ન આવતા આજે ગુરૂવારે ગ્રામજનો તેમજ ૭૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ રોડ ચક્કાજામ કરી દીધો હતો. જેના કારણે અડધો કલાકથી પોણો કલાક સુધી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. વિદ્યાર્થીઓ-ગ્રામજનોએ ચક્કાજામ કર્યાની જાણ તળાજા પોલીસને થતાં કાફલો દોડી ગયો હતો. જો કે, સમજાવટ છતાં લોકરોષ સમ્યો ન હતો અને ડેપો મેનેજરને સ્થળ પર બોલાવવા હઠ પકડી રાખી હતી. જેથી અંતે તળાજા એસ.ટી.ના જવાબદાર અધિકારીએ દોડી જઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણાં આપતા અંતે વિવાદનો અંત આવ્યો હતો અને રસ્તો ખુલ્લો કરી દેવાતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
આ બાબતે તળાજા ડેપો મેનેજરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રશ્નને લઈ ગ્રામજનો સાથે બેઠક થયા બાદ તેમની રજૂઆતને ઉપરી કચેરીએ પહોંચાડી લાગતા વળતા ડેપો મેનેજર સાંકડાસર-૧ ગામે બસ થંભાવવા સુચના અપાઈ છે. વધુમાં એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટરની વિદ્યાર્થીઓને કનડગતની ફરિયાદ આવતા ડ્રાઈવર-કંડક્ટરોને વિદ્યાર્થીઓને હેરાન ન કરવા આદેશ અપાયો છે.
ઉલ્લેખનિય છે કે, તળાજા એસ.ટી. ડેપોનો વહીવટ ખાડે ગયો છે. લોકડાઉન બાદ કોઈ પણ બસ સ્ટોપ પર બસને ઉભી રાખવામાં આવતી ન હોવાનો કકળાટ લોકમુખે સાંભળવા મળી રહ્યો છે. બસ ખોલી દોડતી હોવા છતાં મુસાફરોને પુરતી સીટો ભરાઈ ગઈ હોવાના બહાના દેખાડી એસ.ટી.ને પણ આર્થિક નુકશાની પહોંચાડવામાં આવે છે.
મહુવા તરફથી આવતી બસોને બ્રેક લાગતી જ નથી!
સાંકડાસર ગામે ચક્કાજામે એસ.ટી.ના ખાડે ગયેલા વહીવટને ઉજાગર કર્યો છે. જો કે, આ સમસ્યા માત્ર એક ગામ પુરતી જ નથી. સાંજના સાત વાગ્યાની મહુવા તરફથી આવતી તમામ બસોને જાણે તળાજા ડેપો સુધી બ્રેક જ લાગતી ન હોય, તેમ એક પણ સ્ટેન્ડ (પીકઅપ પોઈન્ટ) પર બસ ઉભી રાખવામાં આવતી નથી. તમામ એસ.ટી. બસોનું ગાંધીજીના પુતળે સ્ટોપ હોવા છતાં સીધી જ બસને ડેપોમાં હંકારી મુકાઈ છે. આવી જ રીતે રાતની બસો પણ સીધી ડેપોમાં જ જતી રહે છે. તળાજા એસ.ટી. ડેપોમાં રાત્રિના સમયે કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી હાજર રહેતા ન હોવાની રાવ પણ ઉઠી છે. રાત્રે મુસાફરોની બાબતે પણ કોઈ પગલા ભરાતા નથી. જેના કારણે બહેન-દીકરીઓને એસ.ટી. સ્ટેન્ડમાં અસાલમતીનો અનુભવ કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3az4nMH



0 Response to "વિદ્યાર્થી રોષ : ચક્કાજામથી પોણો કલાક વાહન વ્યવહાર થંભી ગયો"
Post a Comment