ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ આજે આણંદમાં જાહેરસભા કરશે
આણંદ,તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વ્યાપ્યો છે અને ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા હવે પ્રચાર-પ્રસાર અને જાહેર સભાઓનો દોર શરૂ થનાર છે ત્યારે શુક્રવારના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આણંદ ખાતે જાહેર સભાને સંબોધનાર છે. પ્રદેશ પ્રમુખની આણંદ મુલાકાતને લઈ ભાજપ સંગઠનના કાર્યકરો દ્વારા તૈયારીઓ પૂરજોશમાં આરંભી દેવાઈ છે.
આણંદ જિલ્લાની છ નગરપાલિકા, આઠ તાલુકા પંચાયત અને આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ આગામી તા.૨૮ ફેબુ્રઆરી, ૨૦૨૧ના રોજ યોજાનાર છે. ગત તા.૧૬મી ફેબુ્રઆરીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અવધિ પૂર્ણ થતા હવે ચૂંટણી જંગ માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા જ કેટલાક ઉમેદવારોએ સોશ્યલ મીડીયા તથા વ્યક્તિગત સંપર્કથી પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોને આકર્ષવા માટે વાયદા વચનોની લ્હાણી કરવામાં આવશે અને તે અંતર્ગત પક્ષના અગ્રણીઓ તેમજ સ્ટાર પ્રચારકો દ્વારા જાહેર સભાઓ તેમજ રેલીઓ યોજવામાં આવનાર છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં શુક્રવારના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેર સભાનું આયોજન કરાયું છે. આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ એપીસી સર્કલથી એલીકોન રેલ્વે ફાટક, સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલ મેદાન ખાતે સાંજના ૫ઃ૦૦ કલાકે સી.આર.પાટીલની જાહેર સભા યોજાનાર છે ત્યારે આણંદ જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે.
હાલ મેદાનને સમતળ બનાવવાની સાથે સાથે આસપાસમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી માર્ગોને સપાટ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલની આ આણંદની પ્રથમ મુલાકાત છે. અગાઉ નાવલી ખાતે ભાજપના નવનિર્માણ પામનાર કાર્યાલયના ખાતમુહુર્ત માટે પાટીલ ભાઉ આણંદ ખાતે આવનાર હતા પરંતુ વાતાવરણ અનુકુળ ન હોવાથી સુરત ખાતેથી હેલીકોપ્ટર ઉડી ન શકતા તેઓની આણંદ મુલાકાત મોકૂફ રહી હતી ત્યારે હવે પુનઃ એકવાર પ્રદેશ પ્રમુખ આણંદ ખાતે આવનાર હોઈ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. નાવલી કાર્યક્રમનું પુનરાવર્તન ન થાય તે માટે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ વખતે ખાસ આયોજન હાથ ધરાયુ હોવાના પણ અહેવાલ સાંપડયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bfMzH2
0 Response to "ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ આજે આણંદમાં જાહેરસભા કરશે"
Post a Comment