મહેસાણા પાલિકાના વોર્ડ નં.7ના લોકોની કરમની કઠણાઇ
મહેસાણા,તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
મહેસાણા નાગલપુર વિસ્તારને વર્ષ ૨૦૦૬માં પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નાગલપુર ગામમાં વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૮ વિસ્તાર બનાવાયા છે. જે પૈકી વોર્ડ નં.૭ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. આ વોર્ડ શહેરી વિસ્તારથી છેવાડાના ભાગે આવેલો હોઈ અહીં સાફસફાઈનો અભાવ નરી આંખે જોઈ શકાયતો હતો. તો સફાઈ માટે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય સફાઈનો અભાવ જણાઈ રહ્યો છે. તો નાગલપુર વિસ્તારમાંથી જ નર્મદાનું પાણી સમગ્ર શહેરને પહોંચાડવામાં આવે છે. પરંતુ આ વિસ્તારના વોર્ડ નં.૭માં નર્મદાનું પાણી આજેપણ નથી મળી રહ્યું અને ફ્લોરાઈડયુક્ત પાણી પીવા કેટલાક વિસ્તારના રહીશો મજબૂર બન્યા છે.આ વિસ્તારએ ભાજપનો ગઢ ગણાય છે. ૧૬ વર્ષથી પાલિકામાં મોટાભાગે ભાજપની સીટો આવી છે.તેમ છતાં અહીં પાયાની સુવિધા પાણી મળતું નથી.
મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૭માં બાપુનગર વિસ્તારમાં ૧૪ વર્ષ જુની ઓવરહેડ પાણીની ટાંકી આવેલી છે પરંતુ આ વિસ્તારનો પાલિકામાં સમાવેશ થયો છે તેમછતાં આ ઓવરહેડ પાણીની ટાંકીનો ઉપયોગ કરાયો નથી અને ટાંકી લીકેજ પણ હોવાના સ્થાનીક રહીશો આક્ષેપ કરી રહ્યા છે. તો પાણીની ટાંકી બાજુમાં સમ્પ પણ આવેલ છે. આ સમ્પનો પણ પાણી વિતરણ માટે પાલિકા દ્વારા નહીવત ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ વિસ્તારમાં છેલ્લા ૧૦થી વધુ વર્ષથી પીવાનું પાણી ટયુબવેલનું પાણી પાલિકા દ્વારા આપવામાં આવે છે. જોકે અહી નજીકમાંથી નર્મદાની પાણીની પાઈપ લાઈન પસાર થાય છે પરંતુ પાલિકા તંત્રની ઈચ્છાશક્તિના અભાવે આ વિસ્તારનો આજદિન સુધી નર્મદાના નીર મળી નથી શક્યા. રહીશો દ્વારા આ અંગે અનેકવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા તે મુદ્દે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
નાગલપુર વિસ્તાર એ ભાજપનો ગઢ ગણાય છે. અહી ભાજપના ધુઆદાર કોર્પોરેટરો ચુંટીને આવે છે. તેમ છતાં આજ દિન સુધી આજ વિસ્તારમાં નર્મદાનું પાણી મળ્યું નથી. ઉપરાંત સફાઇ , રોડ રસ્તાના પ્રશ્નોતો મોં ફાડીને ઉભા છે.
વોર્ડમાં આંતરેદાડે સફાઈ થતા કચરાના ઢગ થયા છે
આ અંગે વોર્ડ નં.૭ના સ્થાનિક રહીશ ફીરોઝખાન પઠાણે જણાવ્યું હતું કે વોર્ડમાં પાલિકા દ્વારા આંતરેદાડે સફાઈ કરવામાં આવે છે. જેને લઈ વોર્ડમાં જાહેર માર્ગો પર તેમજ આંગણવાડી નજીક જ્યાં નાના ભુલકા આવતા હોય છે ત્યાં કચરાના ઢગલા થતા રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. આ અંગે અનેકવાર પાલિકામાં રજૂઆત કરાઈ છે છતાં પાલિકા દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી.
૧૪ વર્ષથી ઓવરહેડ ટાંકીનો ઉપયોગ થયો નથી
આ મામલે સ્થાનીક રહીશ સોરાબખાન કુરેશીએ જણાવ્યું હતું કે ૧૪ વર્ષથી ઓવરહેડ ટાંકી વિના વપરાશ ઉભી છે. સરકારી નાણા માત્ર ટાંકી બનાવી વ્યય કરવામાં આવ્યો છે. આ વિસ્તાર નજીકથી નર્મદાની પાઈપલાઈન જાય છે છતાં વિસ્તાર વર્ષોથી નર્મદાના પાણીથી વંચિત રહ્યો છે અને ફ્લોરાઈડયુક્ત પાણી પીવા ૨ હજારથી વધુ લોકો મજબૂર છે. આ મામલે સ્થાનીક સામાજીક કાર્યકર દ્વારા પાલિકામાં રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ તેનો પણ આજદિન સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
બે વર્ષથી જીઆઈડીસીમાં જવાનો રસ્તો તુટી ગયો છે
આ અંગે સ્થાનીક લોકોના જણાવ્યા મુજબ વોર્ડ નં.૭માં આવેલ પાણીની ઓવરહેડ ટાંકી પાસેથી જીઆઈડીસીમાં જવાનો રોડ કેટલેક ઠેકાણે બે વર્ષતી તુટી જવા પામ્યો છે. છતાં પાલિકા દ્વારા કામ કરવામાં ન આવતા રહીશોમાં નારાજગી ઉભી થઈ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aDMufR



0 Response to "મહેસાણા પાલિકાના વોર્ડ નં.7ના લોકોની કરમની કઠણાઇ"
Post a Comment