આણંદ કૃષિ યુનિ.ના પદવીદાન સમારોહમાં કુલ 686 વિદ્યાર્થીઓને પદવી અપાઈ
આણંદ,તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
આણંદ કૃષિ યુનિ.ના જીમખાના મેદાન ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ૭૭ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો તથા રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં કૃષિ યુનિ.ના સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાાનિકોને બેસ્ટ સાયન્ટીસ, બેસ્ટ ટીચર અને બેસ્ટ એક્સટેન્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આણંદ કૃષિ યુનિ.ના ૧૭માં વાર્ષિક પદવીદાન સમારંભનું આજરોજ યુનિ.ના જીમખાના મેદાન ખાતે આયોજન કરાયું હતું. આ સમારોહમાં ૭૭ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણપદક-રોકડ પુરસ્કાર, કૃષિ યુનિ.ની વિવિધ વિદ્યાશાખાના ૬૮૬ વિદ્યાર્થીઓને સ્નાતક-અનુસ્નાતકની પદવીઓ એનાયત કરાઈ હતી. આ પ્રસંગે પ્રારંભમાં યુનિવર્સિટીના કુલપતિએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીએ મેળવેલ સિધ્ધિઓની માહિતી આપી હતી. આ પ્રસંગે બી.એ.પટેલ કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ઘેટિયા રાધિકા લલિતભાઈએ ૧૨ તેમજ કિનલબેન મુકેશભાઈ પટેલે ૭ અને વેટરનરી કોલેજના જયેશ મીઠાલાલ મણિયારે ૯ સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસ્નાતકોને પદવી પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
આ સમારોહમાં ર્ડા.આર.કે.ઠુમમરને બેસ્ટ ટીચર જ્યારે ર્ડા.બી.ડી.પટેલને બેસ્ટ રીસર્ચ એવોર્ડમાં બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ સમારોહમાં ૨૦૬ વિદ્યાર્થીઓને અનુસ્નાતક તેમજ ૪૮૦ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ મળી કુલ ૬૮૬ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. અંતમાં રજિસ્ટાર એમ.એમ.ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rivZfK



0 Response to "આણંદ કૃષિ યુનિ.ના પદવીદાન સમારોહમાં કુલ 686 વિદ્યાર્થીઓને પદવી અપાઈ"
Post a Comment