જૂનાગઢના વોર્ડ નં.6માં કોંગ્રેસ વોર્ડ નં.15માં ભાજપ વિજયી

જૂનાગઢના વોર્ડ નં.6માં કોંગ્રેસ વોર્ડ નં.15માં ભાજપ વિજયી

- વોર્ડ નં.6માં 42 મતથી કોંગ્રેસ તથા વોર્ડ નં.15માં 1608 મતથી ભાજપ વિજેતા, ભાજપની બેઠક ઘટીને કુલ 54 થઈ અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા બે થઈ



જૂનાગઢ, તા.24 ફેબ્રુઆરી 2021, મંગળવાર

જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ તથા વોર્ડ નં.૧૫ની પેટા ચૂંટણીની આજે મતગણતરી થઈ હતી. જેમાં વોર્ડ નં.૬ની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી અને આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ૪૨ મતથી જીત થઈ હતી. જ્યારે વોર્ડ નં.૧૫માં ભાજપના ઉમેદવારની ૧૬૦૮ મતથી જીત થતાં ભાજપે આ બેઠક જાળવી રાખી હતી. આ પેટાચૂંટણી બાદ મનપામાં ભાજપની સભ્ય સંખ્યા ૫૫માંથી ૫૪ થઈ છે. જ્યારે કોંગ્રેસની સંખ્યા એકમાંથી બે થઈ છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૬ તથા વોર્ડ નં.૧૫ની એક-એક બેઠક પર ભાજપના નગરસેવકનું નિધન થતાં આ ખાલી પડેલી બેઠક પર તા.૨૧ના પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નં.૬ની એક બેઠક પર કુલ ૧૫૧૮૧ મતદારમાંથી ૪૧૮૪ પુરુષ તથા ૩૫૫૬ મહિલા મળી કુલ ૭૭૪૦ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે વોર્ડ નં.૧૫માં કુલ ૧૭૦૬૮ મતદારોમાંથી ૪૭૫૦ પુરુષ તથા ૪૨૩૦ મહિલા મળી કુલ ૮૯૮૦ મતદારોએ મતદાન કર્યું હતું. વોર્ડ નં.૬માં સરેરાશ ૫૦.૯૮ ટકા તથા વોર્ડ નં.૧૫માં ૫૨.૬૧ ટકા મતદાન થયું હતું. 

આજે સવારે સરદારબાગમાં આવેલી સંયુક્ત ખેતનિયામક કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. પહેલા વોર્ડ નં.૬ની મતગણતરી શરૂ થઈ હતી. જેમાં ચાર રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ પણસારાને ૨૬૮૭ તથા ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રામાણીને ૨૬૪૫ મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ પણસારાની ૪૨ મતથી જીત થઈ હતી. 

આમ ૨૦૧૯માં યોજાયેલી સામાન્ય ચૂંટણી વખતે આ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. પરંતુ પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક પર જીત મેળવી ભાજપ પાસેથી બેઠક ઝૂંટવી લઈ કબજો કર્યો હતો અને કોંગ્રેસ મનપામાં પોતાના એક નગરસેવકનો વધારો કરવામાં સફળ રહી હતી. 

જ્યારે વોર્ડ નં.૧૫ની બેઠક પર ગણતરીના અંતે ભાજપના ઉમેદવારનાગજીભાઈ કટારાને ૪૪૪૯ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મેયર લાખાભાઈ વસ્તાભાઈ પરમારને ૨૮૪૧ મત મળ્યા હતા. આમ આ બેઠક પર નાગજીભાઈ કટારાની ૧૬૦૮ મતથી જીત થઈ હતી અને પૂર્વ મેયરની હાર થઈ હતી. આ બેઠક જાળવી રાખવામાં ભાજપ સફળ રહ્યું હતું.  

જૂનાગઢ મનપાની ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી થઈ ત્યારે કુલ ૬૦ બેઠકમાંથી ભાજપને ૫૫, એક કોંગ્રેસને તથા ચાર બેઠક એનસીપીને મળી હતી. આ બંને બેઠકની પેટાચૂંટણીમાં એક પર કોંગ્રેસ અને એક પર ભાજપની જીત થતા ભાજપની સભ્ય સંખ્યા ૫૪ થઈ છે. જ્યારે કોંગ્રેસની સભ્ય સંખ્યા એકમાંથી બે થઈ છે. 

માતા બાદ પુત્ર પણ બન્યા કોંગ્રેસના નગરસેવક

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી વખતે ૬૦માંથી કોંગ્રેસના માત્ર એક ઉમેદવાર મંજુલાબેન પરસાણા વોર્ડ નં.૪માંથી ચૂંટાયા હતા. તેઓએ એક જ સભ્ય હોવા છતાં મનપાની નીતિઓનો તથા અન્ય ખોટા ખર્ચ સહિતની બાબતોનો વિરોધ કર્યો હતો. જ્યારે આ પેટા ચૂંટણીમાં તેના પુત્રની જીત થતા માતા બાદ હવે પુત્ર લલીતભાઈ પણસારા કોંગ્રેસના નગરસેવક બન્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Hq5h1

0 Response to "જૂનાગઢના વોર્ડ નં.6માં કોંગ્રેસ વોર્ડ નં.15માં ભાજપ વિજયી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel