નવાગામ (કનીવાવ) ગામના શખસને નાર્કોટીક્સના ગુનામાં 10 વર્ષની કેદ
ભાવનગર, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર
સિહોરની વીજ કચેરીના દરવાજા પાસેથી ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપના સ્ટાફે નવાગામ (કનીવાવ)ના શખસને ૪.૭૬ કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી જે-તે સમયે ગુનો દાખલ કરાવ્યો હતો. જે કેસ આજરોજ ભાવનગર ન્યાયાલયમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ શખસને તકસીરવાન ઠેરાવી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા ફરમાવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપના સ્ટાફને મળેલ પૂર્વ બાતમી આધારે ગત તા.૧૩-૮-૨૦૧૮ના રોજ ઓપરેશન હાથ ધરી સિહોર વીજ કચેરી ઓફીસના દરવાજા પાસેથી વજા દાનસંગભાઇ વાળા (ઉ.વ.૬૮, રે.રામજી મંદિરની બાજુમાં, નવાગામ-કનીવાવ, તા.સિહોર)ને ઝડપી પાડી તેના કબજામાં રહેલ વેચાણ કરવાના ઇરાદે ખરીદી આર્થિક ફાયદો મેળવવાના હેતુથી રહેલ ગેરકાયદે પાસ પરમીટ વગરનો ગાંજો ૪.૭૬ કિ.ગ્રા. મળી આવતા કબજે લઇ ઉક્ત શખસ વિરૂધ્ધ જે-તે સમયે સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પી.એસ.આઇ. ડી.ડી. પરમારે ફરિયાદ આપતા સિહોર પોલીસે એનડીપીએસ એક્ટ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો દાખલ કર્યો હતો.
ઉક્ત કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્જ સેસન્સ જજશ્રી આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર-પુરાવા અને સાક્ષીઓને ધ્યાને લઇ એનડીપીએસ એક્ટના ગુનામાં વજા દાનસંગભાઇ વાળાને તકસીરવાન ઠેરાવી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા તેમજ ૩૩ હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3avrpoW
0 Response to "નવાગામ (કનીવાવ) ગામના શખસને નાર્કોટીક્સના ગુનામાં 10 વર્ષની કેદ"
Post a Comment