
PSI શ્વેતા જાડેજાના બનેવીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદ, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
દુષ્કર્મના આરોપી પાસેથી રૂપિયા 35 લાખની લાંચ લેવાના કેસમાં આરોપી પી.એસ.આઇ. શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાના ત્રણ દિવસના રિમાન્ડ સેશન્સ જજ ડી.વી. શાહ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. એ.સી.બી. તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ગત સાત મહિનાથી ફરાર હતો. ટ્રાયલ કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યા બાદ તે નાછૂટકે કોર્ટ સમક્ષ સરેન્ડર થયો છે, તેથી પોલીસ કસ્ટડીમાં તેની હાજરી જરૂરી છે.
સહઆરોપી દેવેન્દ્ર નાથાભાઇ આડેદરા ગઇકાલે ટ્રાયલ કોર્ટ સમક્ષ વકીલ સાથે હાજર થયો હતો. આજે તેને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરો તરફથી ખાસ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી પાસેથી હજુ રૂપિયા 40 લાખ રિકવર કરવાના બાકી છે. જુલાઇ મહિનામાં આ કેસની ફરિયાદ નોંધાયા બાદથી આરોપી ફરાર છે.
થોડાં દિવસો પહેલાં ગુજરાત હાઇકોર્ટે તેને આગોતરા જામીન નામંજૂર કર્યા છે તેમજ ટ્રાયલ કોર્ટે પણ તેને ભાગેડુ જાહેર કર્યો છે, તેથી તે નાછૂટકે સરેન્ડર થયો છે. તે અત્યાર સુધી કયા હતો અને તેને કોણે-કોણે મદદ કરી તેની જાણકારી મેળવવી જરૂરી છે. આરોપી આંગડિયાથી લાંચની રોકડ સ્વીકારતો હતો, આ રોકડ અત્યારે ક્યાં છે તેમજ અગાઉ કયા-કયા કેસમાં આવી રીતે રોકડ સ્વીકારવામાં આવી છે તે અંગે પૂછપરછ કરવી જરૂરી છે.
આરોપી રાજકોટ જિલ્લાના ઉપલેટના રહેવાસી છે અને ત્યાંના આસપાસના વિસ્તારોમાંથી જ આંગડિયા દ્વારા લાંચ સ્વીકારતો હતો, તેથી તેના વતનમાં તેને સાથે રાખી તપાસ કરવી જરૂરી છે. તેથી તેની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૂરી છે. એ.સી.બી. તરફથી સાત દિવસના રિમાન્ડની માગણી સામે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yuqiz3
0 Response to "PSI શ્વેતા જાડેજાના બનેવીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર"
Post a Comment