ગુજરાત સરકારે પણ LTC રોકડથી આપવાની જાહેરાત કરી

ગુજરાત સરકારે પણ LTC રોકડથી આપવાની જાહેરાત કરી


કેન્દ્રની જેમ 12 ટકા GST વાળી વસ્તુઓ ખરીદવાની રાજ્યએ જોગવાઈ કરી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 22 ડિસેમ્બર, 2020, મંગળવાર

કોરોનાના કહેરને કારણે પ્રવાસ ન કરી શકતા હોવાથી ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારની માફક જ તેના કર્મચારીઓનેે લીવ ટ્રાવેલ કન્વેયન્સ રોકડેથી આપવાની આજે જાહેરાત કરી છે. લૉકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશન નોર્મલ સમયગાળા જેવું ન હોવાથી અને હોટેલ રેસ્ટોરાં બરાબર ચાલુ ન થઈ હોવાથી અને દેશના તમામ વિસ્તારોમાં સંપૂર્ણપણે લૉકડાઉન ન ઊઠી ગયા હોવાથી સરકારે રોકડેથી એલટીસી આપવાનો નિર્ણય લીધો છે.

2016-2019ના ગાળા માટેના એલટીસી માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. તેનો લાભ લેવા માગનારાઓને 31મી ડિસેમ્બર સુધી લાભ લેવાની છૂટ આપવામાં આવી હતી. તેમને હવે 31મી માર્ચ 2021 સુધી આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 2020-2023ના સમયગાળા માટે આ યોજના લાગુ કરવામાં આવી નથી. 

નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે જે કર્મચારીઓએ દિવાળીમાં કે નવરાત્રિના સમયમાં એલટીસીનો ઉપયોગ કરી લીધો હશે તેમને આ સુવિધાનો લાભ આપવામાં આવશે નહિ. ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા માટે આ યોજના જાહેર કરવામાં આવી છે.

કર્મચારીઓના એલટીસી ન રહી જાય તે માટે પણ આ પગલુ ંલેવામાં આવ્યું છે. વીમા પ્રીમિયમના ખર્ચને પણ આ યોજના હેઠળ કરેલા ખર્ચ ગણી લેવામાં આવશે. પરિપત્ર બહાર પાડયા પછીના દિવસોમાં જમા કરાવેલી વીમાના પ્રીમિયમની રકમને આ યોજના હેઠળ કરેલા ખર્ચ તરીકે માન્ય રાખવામાં આવશે. 

 જોકે ગુજરાત સરકારે આ યોજના બહુ જ મોડી મોડી જાહેર કરી છે. એલટીસીનો ઉપયોગ કરવાની મુદત પૂરી થવાને માંડ આઠ દિવસ બાકી છે ત્યારે આ યોજના જાહેર કરી હોવાથી મોટાભાગના અધિકારીઓ કર્મચારીઓએ આ યોજનાના લાભ લઈ લીધા છે. કેન્દ્ર સરકારની માફક આ યોજનાનો ઉપયોગ કરવાનો કર્મચારીઓને પૂરતો સમય આપવામાં આવ્યો જ નથી. 

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે છઠ્ઠા પગાર પંચ મુજબ રૂા. 7600 પ્લસનો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને રૂા. 20,000નું વ્યક્તિદીઠ ભાડું એલટીસી હેઠળ ચૂકવવામાં આવશે. આ જ રીતે રૂા. 7600થી ઓછો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને રૂા. 6000નું વ્યક્તિદીઠ ભાડું ચૂકવવામાં આવશે.

લીવ ટ્રાવેલ કન્વેયન્સને બદલે રોકડમાં નાણાં લેવાનું પસંદ કરનાર કર્મચારીઓ ભાડાંની રકમ મેળવવા માટે પાત્ર બનવા જીએસટીનું રજિસ્ટ્રેશન ધરાવતા વેપારી પાસેથી 12ટકાથી ઓછો જીએસટી ન હોય તેવી વસ્તુઓ ખરીદીને તેના બિલ રજૂ કરવાના રહેશે. આ ખરીદી માટેની ચૂકવણી ડિજિટલ માધ્યમથી કરવામાં આવી હશે તો જ તેમને એલટીસી આપવામાં આવશે. કર્મચારીએ જીેસટી નંબર અને ચૂકવેલી રકમનું બિલ પણ રજૂ કરવાનું રહેશે. તેને ભાડા પેટે મળનારી રકમની ત્રણ ગણી રકમ ખર્ચવાની રહેશે.

રજાનું રોકડમાં રૂપાંતર કરવા માટે ખર્ચેલી હશે તો જ તેમને આ યોજના હેઠળના લાભ મળશે.  રજાનું રોકડમાં રૂપાંતર કરનારા કર્મચારીઓને ચૂકવવામાં આવનારી રકમમાંથી ટીડીએસ કરવામાંઆવશે. રજાનું રોકડમાં રૂપાંતર કરવાની રકમ આવકવેરા માટે ગણતરીમાં લેવામાં આવશે નહિ. એલટીસીના ભાડાંને સરભર કરતી વખતે ટીડીએસ કરવાનો રહેશે નહિ. કર્મચારીઓ રજા લીધા વિના અને પ્રવાસ કર્યા વિના પણ એલટીસી મેળવી શકશે.

અગાઉ એલટીસીનો ઉપયોગ કરી ચૂકેલા કર્મચારીઓને આ યોજના હેઠળ કોઈ જ લાબ આપવામાં આવશે નહિ. જોકે જે કર્મચારીઓએ આંશિક એલટીસીનો ઉપયોગ કર્યો હશે તેમને આંશિક રીતે પ્રોરેટા(બાકી એલટીસીના પ્રમાણને આધારે) આ યોજનાનો લાભ આપવામાં આવશે. અલબત્ત જે કર્મચારીઓ 2019-20 દરમિયાન નિવૃત્ત થઈ ગયા તેમના અંગે આ યોજનામાં કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ કેટેગરીમાં આવતા કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા હોય તો પણ તેમને આ યોજનાનો લાભ આપવો જોઈએ તેવી લાગણી અને માગણી છે. ગુજરાત સરકારના આજના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય અને બેમાંથી એક ે ખાસ રોકડ પેકેનજો લાભ રાજાનું રોકડમાં રૂપાંતર કરવા સહિત મેલવી લીધું હોય તો તેવા સંજોગોમાં બીજી વ્યક્તિને રજાનું રોકડમાં રૂપાંતર મળી શકશે.

ડિજિટલ પેમેન્ટ કરીને જ વસ્તુઓ ખરીદવી ફરજિયાત

એલટીસીની અવેજીમાં પ્રવાસ કર્યા વિના રોકડમાં એલટીસી મેળવવા ઇચ્છનાર કર્મચારીઓએ તેમને મળવાપાત્ર ભાડાંની રકમ કરતાં ત્રણ ગણી રકમ જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા વેપારી પાસેથી કરવાની રહેશે. તેમની પાસેથી ખરીદેલી વસ્તુઓના એકથી વધુ બિલ રજૂ કરવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવેલી છે.

જીએસટીની વિગતો ધરાવતા બિલને આધારે આ યોજના હેઠળ કરવામાં આવેલા ખર્ચની રકમ મળવાપાત્ર ગણવામાં આવશે. કર્મચારીઓએ બિલની સર્ટિફાઈડ નકલ રજૂ કરવાની રહેશે. ડિજિટલ પેમેન્ટ કરવામાં આવ્યું હશે તો જ ગુડ્સ અને સર્વિસની ખરીદીના બિલ માન્ય રાખવામાં આવશે.આ બિલ કર્મચારી સિવાયની અન્ય કોઈ વ્યક્તિને નામે હશે તો તે માન્ય ગણવામાં આવશે નહિ.

ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી કરવામાં આવેલી ખરીદીને પણ આ યોજના હેઠળ કરેલી ખરીદી તરીકે માન્ય રાખવામાં આવશે. ચેકથી, ડિમાન્ડ ડ્રાફ્ટથી, એનીએફટી કે આરટીજીએસથી કરવામાં આવેલા પેમેન્ટને પણ માન્ય રાખવામાં આવશે.  આ યોજનામાં લાભ લેવા માટે સક્ષમ અધિકારી સમક્ષ સાદી અરજી જ કરવાની રહેશે. 31મી માર્ચ 2021 પહેલા યોજનાના લાભ લેવા માટેના દાવાઓ સરભર કરી લેવામાં આવે તે જરૂરી છે. 

ઠરાવ બાદ હપ્તેથી ખરીદેલી વસ્તુના બિલ પણ માન્ય

સરકારે આ પરિપત્ર બહાર પાડયો તે પછીની તારીખે માસિક હપ્તાથી કે લોનથી કોઈ વસ્તુની ખરીદી કરવામાં આવી હશે અને તેનું બિલ રજૂ કરવામાં આવશે તો તે પણ આ યોજના હેઠળ લાભ મેળવવા માયે યોગ્ય ગણાશે.

ગુજરાત સરકારે આ ઠરાવ કર્યો તે પહા જ કોઈ સ્વાયત્ત સંસ્થાએ સરકારના નિયમ મુજબ રજા પ્રવાસ રાહત યોજના લાગુ કરી હોય તો તે સ્વાયત્ત સંસ્થા પણ આ યોજનાને અપનાવવાનો વિચાર કરી શકે છે. 22મી ડિસેમ્બરથી 31મી માર્ચ 2021 સુધીમાં એલટીસીના નિયમ હેઠળ રજા પારવાસ રાહત યોજનાના નિયમો મુજબ બાળક આશ્રિત તરીકે ગણાતું હશે તો તેને માટે કરવામાં આવેલા ખર્ચને પણ માન્ય ગણવામાં આવશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KLVIxs

0 Response to "ગુજરાત સરકારે પણ LTC રોકડથી આપવાની જાહેરાત કરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel