
ભાવનગર શહેર-જિલ્લામાં કોરોના રસીકરણ માટે સર્વેનો ધમધમાટ શરૂ
- મતદારયાદી મુજબ સર્વે કરાશે, ચાર દિવસમાં સર્વે પૂર્ણ કરી માહિતી રાજ્ય સરકારને મોકલાશે
ભાવનગર, તા. 10 ડિસેમ્બર 2020, ગુરૂવાર
કોરોનાનો કહેર ભાવનગર શહેર અને જિલ્લામાં યથાવત જોવા મળી રહ્યો છે તેથી લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની વેકસીનની શોધ અંતિમ તબક્કામાં છે તેથી સરકારે દરેક જિલ્લામાં લોકોનો સર્વે કરી યાદી તૈયાર કરવા જણાવેલ છે તેથી સ્થાનીક તંત્રએ મતદારયાદી મુજબ ઘરે ઘરે જઈ સર્વે હાથ ધર્યો છે. આ સર્વે ચાર દિવસ ચાલશે અને ગંભીર બિમારી હોય તેવા લોકોના ફોર્મ ભરવામાં આવશે. ત્રણ તબક્કામાં રસીકરણનુ આયોજન કરવામાં આવશે.
ભાવનગર શહેર-જિલ્લામાં તા. ૧૦ થી ૧૩ ડિસેમ્બર દરમિયાન કોરોના રસીકરણ માટે રાજ્ય સરકારે સ્થાનીક તંત્રને સર્વે કરવા જણાવ્યુ છે તેથી આજે ગુરૂવારથી મહાપાલિકા તેમજ જિલ્લા પંચાયત કચેરીએ ઘરે ઘરે જઈ સર્વે કામગીરી હાથ ધરી છે. મતદારયાદી મુજબ સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે. મહાપાલિકાએ પ૦ કર્મચારીને સર્વે માટે કામગીરી સોંપી છે, જેમાં ૪૦૦ શિક્ષકો અને ૧૦૦ મહાપાલિકાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતનો સ્ટાફે પણ સર્વે માટે કર્મચારીઓની મોટી ટીમ ઉતારી હોવાનુ જાણવા મળેલ છે. ચાર દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો છે તેથી કર્મચારીઓ દોડધામ વધી ગઈ છે. અસ્થમા ડાયાબીટીસ, બીપી વગેરે જેવી ગંભીર બિમારી હોય તેવા પ૦ વર્ષથી વધુના અથવા પ૦ વર્ષથી નીચેના લોકોની યાદી તૈયાર કરવામાં આવશે. આ દર્દીઓને રસીકરણમાં પ્રથમ તબક્કામાં લેવામાં આવશે તેમ સાંભળવા મળી રહ્યુ છે. સર્વે કામગીરી પૂર્ણ કરી તેની માહિતી રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
ત્રણ તબક્કામાં રસીકરણનુ સરકારનુ આયોજન છે, જેમાં પ્રથમ તબક્કામાં તબીબ સહિતના આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી અપાશે, ગંભીર રોગ હોય તેનો પણ પ્રથમ તબક્કામાં સમાવેશ કરાશે તેમ જણાય રહ્યુ છે, જયારે બીજા તબક્કામાં પોલીસ, મહાપાલિકાના કર્મચારી સહિતના સરકારી કર્મચારીઓને રસી અપાશે, જયારે ત્રીજા તબક્કામાં સર્વે કરાયો હોય તેવા લોકોને રસી આપવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. હજુ સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ રસીકરણની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી તેથી હજુ રસીકરણ માટે રાહ જોવી પડશે તેમ જણાય રહ્યુ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Tj3oD
0 Response to "ભાવનગર શહેર-જિલ્લામાં કોરોના રસીકરણ માટે સર્વેનો ધમધમાટ શરૂ"
Post a Comment