
ભાજપ શાસિત કોર્પોરેશનમાં મહિલા કર્મચારીઓ અસુરક્ષિત
ગાંધીનગર,તા.14 ડિસેમ્બર 2020, સોમવાર
ગાંધીનગર મહાનગરપાલિકામાં અમુક અધિકારીઓ દ્વારા મહિલા કર્મચારીઓને કારણ વગર બેસાડી રાખીને તેમની જાતિય સતામણી કરવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠયો હતો ત્યારે આ મામલે વિપક્ષના નેતાએ મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપી ભાજપ શાસિત કોર્પોરેશનમાં મહિલા કર્મચારીઓ અસુરક્ષિત હોવાની રજુઆત કરી છે અને કમિશનર અને મહિલા મેયર હોવા છતાં હજુ સુધી આવા અધિકારીઓ સામે કેમ પગલાં ભરવામાં આવ્યા નથી તેવો પ્રશ્ન પણ કર્યો છે.
કોર્પોરેશનની કચેરીમાં અમુક રોમિયો અધિકારીઓના ત્રાસથી મહિલા કર્મચારીઓની હાલત કફોડી બની છે ત્યારે આ મામલે કોર્પોરેશનમાં ચાલેલી ચર્ચાઓ બાદ વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ મ્યુનિ. કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું છે કે સ્ત્રી સશક્તિકરણ અને સુરક્ષા, સન્માનની વાતો કરતી ભાજપ સરકારમાં મહિલાઓ વારંવાર જાતિય સતામણીનો ભોગ બની રહી છે. ગાંધીનગર કોર્પોરેશનમાં જ કેટલાક અધિકારીઓ દ્વારા મહિલા કર્મચારીઓને કામ વગર તેમની ચેમ્બરમાં બેસાડી રાખીને જાતિય સતામણી કરવામાં આવે છે જે કોર્પોરેશન માટે ખુબજ શરમજનક બાબત છે. મહિલા કર્મચારીઓ પોતાની બદનામીની બચવા અને બદલીની ધમકીઓથી મજબુર થઈ આવા અધિકારીઓ સામે અવાજ ઉઠાવી શકતી નથી. ત્યારે હમણાં જ એક મહિલા કર્મચારીએ અન્ય કર્મચારીઓને સાથે રાખીને સતામણી અંગેની ફરીયાદ કમિશનર, નાયબ મ્યુનિ.કમિશનર અને મેયરને કરી હોવાનું બહાર આવ્યું છે.
પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે કોર્પોરેશનમાં કમિશનર ખુદ મહિલા છે અને મેયર પણ મહિલા છે ત્યારે મહિલા કર્મચારીઓની આ પ્રકારે સતામણી થાય તે યોગ્ય નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી પરંતુ તે દબાવી દેવામાં આવી છે. આ મહિલા કર્મચારીની ફરીયાદ બાદ પણ હજુ સુધી કેમ પગલાં ભરવામાં આવતા નથી. કોર્પોરેશનમાં મહિલા કર્મચારીઓ કોઈપણ ડર વગર કામ કરી શકે તેવું વાતાવરણ ઉભું કરવાની જવાબદારી કમિશનર અને મેયરની છે ત્યારે આ મામલે યોગ્ય પગલાં ભરવા પણ માંગણી કરવામાં આવી છે.
મહિલા કર્મીઓની સુરક્ષાના મુદ્દે ડે.મેયરે પણ પત્ર લખ્યો
ગાંધીનગર મહાનગરપાલિકામાં કેટલાક અધિકારીઓ દ્વારા મહિલા કર્મચારીઓની જાતિય સતામણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મેયર નાજાભાઈ ઘાંઘરે પણ આ મામલે મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે કે સરકાર નારી સશક્તિકરણને મહત્વ આપી રહી છે ત્યારે કોર્પોરેશનમાં પણ કામ કરતા મહિલા કર્મચારીઓ સુરક્ષા અનુભવે તે અત્યંત જરૂરી છે. તાજેતરમાં બનેલી ઘટના મામલે અંગત રસ કેળવીને તપાસ કરી કસુરવાર વિરૂધ્ધ નિયમ અનુસાર કડક પગલાં ભરીને સાત દિવસમાં રીપોર્ટ કરવા માંગણી કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r4uW47
0 Response to "ભાજપ શાસિત કોર્પોરેશનમાં મહિલા કર્મચારીઓ અસુરક્ષિત"
Post a Comment