
ફાયર સેફ્ટીના અભાવે સેકટર-11ના અભિષેક બિલ્ડીંગને સીલ કરી દેવાયું
ગાંધીનગર, તા.14 ડિસેમ્બર 2020, સોમવાર
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાઈરાઈઝ્ કોમર્શિયલ અને રહેણાંક બિલ્ડીગોને ફાયર સિસ્ટમ મેઈનટેન કરવાની સાથે ફાયર બ્રિગેડનું એનઓસી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી અને તેનું પાલન નહીં કરનાર ઈમારતોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી ત્યારે ફાયર સિસ્ટમના અભાવે સે-૧૧ના અભિષેક બિલ્ડીંગને કોર્પોરેશન તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. જયાં સુધી સંચાલકો ફાયર સિસ્ટમ સુદ્રઢ નહીં કરે અને એનઓસી નહીં મેળવે ત્યાં સુધી બિલ્ડીંગના ઉપયોગ સામે પ્રતિબંધ ફરમાવાયો છે. તબક્કાવાર શહેરની અન્ય બિલ્ડીંગોને પણ આ જ પ્રકારે સીલ મારવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રાજયમાં કોરોનાના સંક્રમણ વચ્ચે કોવિડ હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓ બાદ ફાયર સિસ્ટમ અદ્યતન રાખવા અને સમયસર ફાયર તંત્રનું એનઓસી મેળવી લેવા માટે હાઈરાઈઝડ બિલ્ડીંગોને તાકીદ કરવામાં આવી છે. જેના પગલે ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં આવેલા વિવિધ એકમોમાં તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૭૦૯માંથી ર૮૧ પાસે ફાયર એનઓસી નહીં હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં ૭૭ જેટલી ઉંચી રહેણાંક બિલ્ડીંગો પાસે પણ એનઓસી નથી ત્યારે આવી સ્થિતિમાં ફાયર બ્રિગેડ દ્વારા સે-૧૧માં આવેલી અને ફાયર સેફટી વગરની બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવી હતી અને દસ દિવસમાં ફાયર સિસ્ટમ અદ્યતન કરી એનઓસી મેળવી લેવા તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં આ બિલ્ડીંગના સંચાલકોએ નોટિસને અવગણી હતી. જેના પગલે આજે સવારે કોર્પોરેશનના ફાયર ઓફીસર મહેશ મોડ અને તેમની ટીમ સે-૧૧માં અભિષેક બિલ્ડીંગ ઉપર પહોંચી હતી અને ફાયર સેફટીના અભાવે આ બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી હતી. સંચાલકો જયાં સુધી ફાયર સિસ્ટમ અદ્યતન નહીં કરે અને એનઓસી નહીં મેળવે ત્યાં સુધી સીલ નહીં ખોલવામાં આવે. આ ઉપરાંત સેકટરમાં તબક્કાવાર અન્ય ઈમારતો સામે પણ આજ પ્રકારે સીલીંગની કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.
જેના પગલે ઈમારતોના સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન અને ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમ સુદ્રઢ કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે ત્યારે હવે ના છુટકે સીલીંગનું હથિયાર ઉગામવાની તંત્રને ફરજ પડી રહી છે. નોંધવું રહેશે કે ગાંધીનગર શહેરમાં વિવિધ ૩૮ જેટલી સરકારી ઈમારતો આવેલી છે જે પૈકી ફકત સાત ઈમારતો પાસે જ ફાયર બ્રિગેડનું એનઓસી હોવાનું બહાર આવ્યું છે. જેથી આ ઈમારતો સામે કાર્યવાહી કરાશે કે કેમ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WfeLCD
0 Response to "ફાયર સેફ્ટીના અભાવે સેકટર-11ના અભિષેક બિલ્ડીંગને સીલ કરી દેવાયું"
Post a Comment