
ટેન્કરમાંથી પાંચ લાખની કિંમતનું 10 હજાર લિટર દૂધ સગેવગે
- વે-બ્રીજમાં વજન કરાવાતા ટેન્કરનું ઓછું વજન થતા સમગ્ર ભોપાળું આવ્યું સામે, ટેન્કર ચાલક સહિત ચાર સામે ગુનો દાખલ
ભાણવડથી જામજોધપુર થઈ જૂનાગઢ ડેરી ખાતે આવેલા ટેન્કરમાંથી પાંચ લાખની કિંમતનું ૧૦ હજાર લીટર દૂધ સગેવગે થઈ ગયું હતું. વે બ્રીજમાં વજન કરતા આ ભોપાળું સામે આવ્યું હતું. આ મામલે ટેન્કર ચાલક સહિત ચાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની વધુ વિગત મુજબ ભાણવડ તથા જામજોધપુર ખાતે આવેલા સીલીંગ સેન્ટર ખાતેથી જી.જે.૧ સીટી ૯૫૭૨ નંબરનું દૂધ ભરેલું ટેન્કર લઈ ઝારખંડના હજારી બાગનો અરવિંદ મહેશસીંગ જૂનાગઢ આવવા નીકળ્યો હતો. આ ટેન્કર જૂનાગઢ મધર ડેરી સંચાલીત ડેરીમાં પહોંચતા ત્યાં તેનું વેબ્રીજમાં વજન કરવામાં આવ્યું હતું. તેમાં દૂધ ઓછુ હોવાનું ખુલ્યું હતું. આ દૂધ ભરેલા ટેન્કરમાંથી ભાણવડથી જૂનાગઢ વચ્ચે પાંચ લાખની કિંમતનું આશરે ૧૦ હજાર લીટર દૂધ કાઢી લઈ સગેવગે થઈ ગયાનું સામે આવ્યું હતું.
આ મામલે જૂનાગઢ ડેરીના કર્મચારી રમેશ જીવણભાઈ પટેલે ઝારખંડના અરવિંદ મહેશસીંગ, સરાડીયાના કેતન ઉર્ફે કાનો પ્રવિણ મકવાણા ગુંદરણના મહેન્દ્ર ગોવિંદ સોલંકી તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે કાવતરૂ કરી રસ્તામાં ટેન્કમાંથી પાંચ લાખની કિંમતનું ૧૦ હજાર લીટર દૂધ કાઢી લઈ સગેવગે કરી નાંખ્યાની ફરિયાદ કરતા સી- ડિવીઝન પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટેન્કરમાંથી દૂધ કાઢી સગેવગે કરવાનું કારસ્તાન લાંબા સમયથી ચાલતુ હોવાની આશંકા છે. ડ્રાઈવરની પોલીસે પૂછપરછ કરતા ટ્રાન્સ પોર્ટ કંપનીની ઓફિસ આણંદ અને તેના માલિક મહેસાણાના હોવાનું જણાવ્યું હતું. આથી આ દુધ કૌભાંડનું પગેરૂ તે દિશામાં હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37T1kyM
0 Response to "ટેન્કરમાંથી પાંચ લાખની કિંમતનું 10 હજાર લિટર દૂધ સગેવગે"
Post a Comment