ખાનગી હોસ્પિટલો સામેથી દર્દીઓને બોલાવી બેડ ભરવાની કુપ્રવૃત્તિ કરે છે

ખાનગી હોસ્પિટલો સામેથી દર્દીઓને બોલાવી બેડ ભરવાની કુપ્રવૃત્તિ કરે છે


અમદાવાદ, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર

અમદાવાદમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં સારી હોસ્પિટલમાં દાખલ થવાનું પણ અઘરૂં થઇ ગયું છે. આવા સમયે પણ કેટલીક ખાનગી હોસ્પિટલો જેમને દાખલ થવાની જરૂર ના હોય તેવા દર્દીઓને સામેથી ફોન કરીને બોલાવીને ખાલી બેડ ભરવાની અનૈતિક પ્રવત્તિ કરી રહેલ છે. આવી પ્રવૃત્તિ તાત્કાલિક રીતે બંધ કરી દેવા મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓએ કડક તાકીદ કરી છે અને આ અંગે અમદાવાદ મેડિકલ એસો.ને જાણ કરાઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે આજે રાજ્યના અધિક મુખ્ય સચીવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને કમિશનર મુકેશ કુમાર અને અન્ય ડેપ્યુટી કમિશનરોની મીટીંગ મળી હતી, જેમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બાદમાં ખાનગી હોસ્પિટલોમાં કૃત્રિમ રીતે પથારીની તંગી ઊભી કરવામાં આવી રહી હોવાનું જણાવી,

તેમણે ઉમેર્યું હતું કે, જેમનું ઓક્સીજન લેવલ ઓછું થયું ના હોય તેવા દર્દીઓને સામેથી બોલાવવામાં આવી રહ્યા છે. આવી હોસ્પિટલોના નામો મ્યુનિ.ની જાણમાં છે, આ પ્રવૃત્તિ અનૈતિક અને ગેરકાયદેસરની છે, જે સાંખી લેવામાં આવશે નહીં અને કડક હાથે કામ લેવામાં આવશે. આ અંગે અમદાવાદ મેડિકલ એસો.ના હોદ્દેદારોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

ડો. રાજીવકુમાર ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે હાલની સ્થિતિને પહોંચી વળવા માટે વધુ 8થી 10 હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલો તરીકે રીક્વીઝીટ હસ્તગત કરવાની કાર્યવાહી ચાલી રહેલ છે. જે થવાથી કોરોનાના દર્દીઓને વધુ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. જો કે હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં થઇને 1500 જેટલી બેડ ખાલી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

જે હોસ્પિટલ આમ કરતી હોય તેના નામ સાથે જાહેરાત કરો : મેડિકલ એસોસિએશન

મ્યુનિ. તંત્રએ ખાનગી હોસ્પિટલો જરૂર ના હોય તેવા દર્દીઓને સામેથી બોલાવીને બેડ ભરે છે, તે મતલબના કરેલા આક્ષેપોને અમદાવાદ મેડિકલ એસો.ના પૂર્વ પ્રમુખ ડો. મોનાબહેન દેસાઇએ ખંડન કરતાં જણાવ્યું છે કે જે હોસ્પિટલ આવું કરતી હોય તેનું નામ જાહેર કરો અમે તેની સામે પગલાં લઇશું.

આવા જનરલ સ્ટેટમેન્ટથી જે ડોકટરો અને હોસ્પિટલો દિવસ-રાત જોયા વગર સરકાર સાથે ખભેખભા મીલાવીને કામ કરેછે, તે ડિમોરલાઇઝ થશે. આવા સમયે જનરલ આક્ષેપ કર્યા વગર જે ખરાબ કામ કરતાં હોય તેને સજા કરવી જોઇએ.

સામેથી પેશન્ટ બોલાવવાનું જે કહેવામાં આવ્યું છે, તેમાં એ પ્રકારની ગેરસમજ હોઇ શકે કેટલીક હોસ્પિટલોમાં વેઇટીંગ ચાલે છે. એટલે બેડ ખાલી થાય ત્યારે જે દર્દીએ તેની મરજીથી નામ લખાવ્યું હોય તેને જાણ કરવામાં આવે છે. આ બાબતે મ્યુનિ. તંત્રની ગેરસમજ હોઇ શકે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pLHnAW

0 Response to "ખાનગી હોસ્પિટલો સામેથી દર્દીઓને બોલાવી બેડ ભરવાની કુપ્રવૃત્તિ કરે છે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel