
ગંભીર સમસ્યા ધરાવતા કોરોના દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરાશે
દાખલ કરવા અંગેના વિવિધ માપદંડ નક્કી કરાયા
અમદાવાદ, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા આજે નિર્ણય લેવાયો છે કે ગંભીર સમસ્યા ધરાવતા કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
શહેરની કોવિડ હોસ્પિટલમાં બેડની અછતની સમસ્યા અંગે આજે એસોસિએશન દ્વારા એક ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલમાં એડમિશનના વિવિધ માપદંડ નક્કી કર્યા છે, આ માપદંડ મુજબની પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને જ દાખલ કરવાની તાકીદ કરવામાં આવી છે.
એસોસિએશનની ઇમરજન્સી બેઠકમાં આજે ચર્ચા કરવામાં આવી હતી કે કોરોનાના 85થી 90 ટકા દર્દીઓ પર ઓછું અથવા મધ્યમ જોખમ છે અને તેઓ આપોઆપ જ સાજા થઇ શકે તેમ હોવાથી તેમને હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી.
બાકીના 10થી 15 ટકા દર્દીઓને હોસ્પિટલાઇઝએશનની જરૂર છે. આ ઉપરાંત બાળકો અને યુવાન વયના લોકો પર પણ વાયરનું ખૂબ ઓછું જોખમ છે. જેથી કોવિડ હોસ્પિટલોમાં સર્જાયેલી બેડની અછત ઓછી કરવા દર્દીઓને દાખલ કરવા અંગેના વિવિધ માપદંડો નક્કી કરવામાં આવે છે.
આજે નક્કી કરવામાં આવેલા પ્રથમ માપદંડ મુજબ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ, કો-મોર્બિડ મેડિકલ કંડિશન ધરાવતા દર્દીઓ, ક્રોનિક લિવર ડિસીઝ, એચ.આઇ.વી.ના દર્દીઓ, કિડનીના ગંભીર રોગ ધરાવતા દર્દીઓ તેમજ ઇમ્યુનોસપ્રેશન અને સ્ટિરોઇડ લેતાં દર્દીઓને દાખલ કરવામાં આવશે.
બીજા માપદંડ મુજબ ત્રણ દિવસથી વધુ સમય 101 ડિગ્રી ફેરનહિટથી વધુ તાવ ધરાવતા દર્દીઓ, ત્રીજા માપદંડ મુજબ 94 ટકાથી ઓછું ઓક્સિજન સેચ્યુરેશન ધરાવતા દર્દીઓ, ચોથા માપદંડ મુજબ શ્વાસની ગંભીર તકલીફ ધરાવતા દર્દીઓ, પાંચમા માપદંડ મુજબ છાતીમાં દુખાવો અને નોન-લંગ કોમ્પલિકેશનમાં સમાવિષ્ટ થતી તકલીફો ધરાવતા દર્દીને દાખલ કરવામાં આવશે.
આ ઉપરાંત એસોસિએશને ઉલ્લેખ કર્યો છે કે તમામ સ્વાસ્થય સમસ્યાઓ આ માપદંડમાં સમાવવી શક્ય નથી, તેથી જે-તે કોવિડ દર્દીને દાખલ કરવા અંગેનો અંતિમ નિર્ણય સારવાર કરનારા તબીબ દ્વારા કરવામાં આવશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/372EfZ1
0 Response to "ગંભીર સમસ્યા ધરાવતા કોરોના દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરાશે"
Post a Comment