
આણંદના કુંજરાવ ગામની ભાલેજ ચોકડી પાસે ઝાડ સાથે કાર અથડાતાં બેનાં મોત
આણંદ, તા.19 નવેમ્બર 2020, ગુરુવાર
આણંદ તાલુકાના કુંજરાવ ગામની ભાલેજ ચોકડી નજીક ગતરોજ વહેલી સવારના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક કાર ઝાડ સાથે અથડાતા ચાલક સહિત બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ખંભોળજ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો મેળવી અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના ત્રણોલ ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી અને તેનો મિત્ર અભિષેક ઉર્ફે ભોલો ગતરોજ વહેલી સવારના સુમારે કાર લઈને ભાલેજ ચોકડી ખાતે ચ્હા પીવા ગયા હતા. ચ્હા પીધા બાદ તેઓ કાર લઈને ભાલેજથી ત્રણોલ ગામે પરત આવવા નીકળ્યા હતા. દરમ્યાન ભાલેજ-કુંજરાવ રોડ ઉપર કુંજરાવ ગામની ચોકડી નજીક કારચાલક ભરતભાઈ ઉર્ફે રાહુલે પુરપાટ ઝડપે કાર હંકારતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે કાર અથડાવતા કારનો કુરખો બોલી ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં ભરતભાઈ ઉર્ફે રાહુલ (ઉં.વ.૨૧) તથા અભિષેક ઉર્ફે ભોલો (ઉં.વ.૧૭)ને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા બંને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતની જાણ ખંભોળજ પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોચો વળી ગયેલ કારમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. ત્રણોલ ગામના બે આશાસ્પદ યુવકોની નવા દિવસોમાં જ અણધારી વિદાયને લઈ નાનકડા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
0 Response to "આણંદના કુંજરાવ ગામની ભાલેજ ચોકડી પાસે ઝાડ સાથે કાર અથડાતાં બેનાં મોત"
Post a Comment