
કેશક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ વાળા કરન્ટ એકાઉન્ટ સિવાયના ખાતા બંધ કરવાની મુદત લંબાવાઈ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર
એક કરન્ટ એકાઉન્ટમાંથી કેશ ક્રેડિટ કે પછી ઓવરડ્રાફ્ટ લીધો હોય તે સિવાયના કરન્ટ એકાઉન્ટ પાંચ નવેમ્બર સુધીમાં બંધ કરી દેવાની મુદત હવે લંબાવીને 15મી ડિસેમ્બર કરી આપવામાં આવી છે. છઠ્ઠી ઓગસ્ટે રિઝર્વ બેન્કે આ અંગે પરિપત્ર કરીને ત્રણ મહિનાની મહેતલ આપી હતી.
આ મુદ્દે હોબાળો મચી જતાં અને ગુજરાત ચેમ્બર સહિતના વેપાર ઉદ્યોગના એકમોએ આ મુદ્દે રજૂઆત કરી તેને પરિણામે આ મુદત લંબાવવાનો બીજી નવેમ્બરે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પણ આ અંગે એક પત્ર કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામનને લખ્યો હતો.
આ મુદ્દે રિઝર્વ બેન્ક સમક્ષ પણ દેશભરમાંથી રજૂઆત કરવામાં આવી છે. ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચનના જવાબના સ્વરૂપમાં આ મુદ્દે સ્પષ્ટતા કરવાનું આયોજન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.
છ ઓગસ્ટે રિઝર્વ બેન્કે એક પરિપત્ર કરીને બેન્કોને એવી સૂચના આપી હતી કે એક વ્યક્તિએ એક કરન્ટ એકાઉન્ટમાં કેશ ક્રેડિટ કે પછી ઓવર ડ્રાફ્ટની સુવિધા લીધી હોય તે જ વ્યક્તિને અન્ય કોઈ બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલી આપવવાનું રહેશે નહિ. તેના તમામ આથક વહેવારો તે જ કરન્ટ એકાઉન્ટના માધ્યમથી કરવાના રહેશે. તેમના બેન્કિંગના વહેવારોમાં શિસ્ત આવે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
બેન્કમાંથી મોટી રકમની લોન લેનારાઓ દ્વારા ફંડને એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરવવાની ચાલી રહેલી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે રિઝર્વ બેન્કે આ પગલું લીધું હતું. એક જ કરન્ટ એકાઉન્ટ હોય તો તેમનું ફંડ ક્યાંથી ક્યાં ફરી રહ્યું છે તેનો અંદાજ આવી શકે તેને માટે આ જોગવાઈ કરવામાં આવી છે. રિઝર્વ બેન્કના આ પગલાં સામે દેશભરમાંથી વિરોધ થઈ રહ્યો છે.
કોઈ એક વ્યક્તિને આપવામાં આવેલું ધિરાણ બેન્કના કુલ ધિરાણના 10 ટકાથી ઓછું હોય તેવા કિસ્સામાં કેશ ક્રેડિટ કે પછી ઓવરડ્રાફ્ટના ખાતામાંથી કોઈ રકમ ડેબિટ કરવામાં આવે તો તે રકમ માત્ર ને માત્ર ધિરાણ લેનારાના કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાં નાણાં જમા કરાવવા માટે જ થવું જોઈએ.
તમામ કરન્ટ એકાઉન્ટ અને કેશ ક્રેડિટ અથવા તો ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ પર નિયમિતપણે નિયમન કરવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી આ પ્રકારના ખાતાઓનું બારીકાઈ પૂર્વક મોનિટરિંગ ન થતું હોવાથી તેમાં ઘણી ગરબડો થતી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eodkKf
0 Response to "કેશક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ વાળા કરન્ટ એકાઉન્ટ સિવાયના ખાતા બંધ કરવાની મુદત લંબાવાઈ"
Post a Comment