
ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમની મુદત 30મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર
ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વકીલ સહિતના પ્રોફેશનલ્સ અને નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો માટે જાહેર કરવામાં આવેલી ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવશે. નાના અને મધ્યમ એકમો તથા ડાક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિતના પ્રોફેશનલ્સ દ્વારા લેવામાં આવેલી લોન સામે સરકાર તરફથી સત્તાવાર ગેરેન્ટી આપવામાં આવેલી છે.
તેમને પણ આ લોનનો લાભ લેવાની સરકારે છૂટ આપેલી છે. ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ હેઠળ નાના અને મધ્યમકદના ઉદ્યોગોને સરકારે રૂા. 3 લાખ કરોડની વધારાની ક્રેડિટ આપવાનું આયોજન કર્યું હતું. અત્યાર સુધીમાં રૂા. 3 લાખ કરોડના ટાર્ગેટને પહોંચી ન વળ્યા હોવાથી આ સ્કીમની મુદત 30મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અંદાજે 61 લાખ બોરોઅર્સને રૂા. 2.04 લાખ કરોડનું જ ધિરાણ કરી શકાયું હોવાથી આ મુદત લંબાવવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 61 લાખ એમએસએમઈ અને પ્રોફેશનલ્સને આ યોજના હેઠળ ધિરાણ આપી શકાયું છે. તેમાંથી અંદાજે 1.50 લાખ કરોડ જેટલી રકમ તેના લાભાર્થીઓને તેમના ખાતામાં જમા આપી દેવામાં આવી છે.
પહેલી જૂને આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. હજી અંદાજે 30 ટકાથી વધુ નાણાં આપવાના બાકી હોવાથી સરકારે તેની મુદત 30મી નવેમ્બર સુધી લંબાવી છે. આ યોજના હેઠળ આપવાના થતાં રૂા. 3 લાખ કરોડનું ધિરાણ જે દિવસે પૂરૂં થઈ જશે તે દિવસે આ યોજના બંધ કરી દેવામાં આવશે.
અન્યથા 30મી નવેમ્બર સુધી આ યોજનાનો અમલ ચાલુ રાખવામાં આવશે. આ યોજનાની મુદત લંબાવવામાં આવતા વધુ 30થી 40 લાખ એમએસએમઈ કે પછી પ્રોફેશનલ્સ તેનો લાભ ઊઠાવી શકશે. દિવાળીની સીઝનમાં ડીમાન્ડમાં વધારો થશે તેવી ગણતરી સાથે પણ આ ધિરાણ આપવાની યોજનાની મુદતમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારે ગત મે મહિનામાં રૂા. 21 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. તેમાં કેન્દ્ર સરકારે લોન લેનારાઓને વધારાની 20 ટકા લોન કોઈપણ જાતની વધારાની ગેરેન્ટી વિના આપવાની જાહેરાત કરી હતી. દેશભરમાં આ યોજના હેઠળ કુલ રૂા. 3 લાખ કરોડનું મહત્તમ ધિરાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યોજનાનો વધુ લોકોને લાભ મળી રહે તે માટે તેના નિયમો પણ સરકારે ગત ઓગસ્ટ માસમાં હળવા કર્યા હતા. પરિણામે વાષક રૂા. 250 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ આ યોજના હેઠળ લાભ મળી શકે છે.
આ યોજના જાહેર કરવામાં આવી ત્યારે રૂા. 100 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ તેનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ રીતે 29મી ફેબ્રૂઆરીએ જે વેપાર-ઉદ્યોગની બાકી ઉઘરાણી રૂા. 50 કરોડની હોય તેમને પણ આ યોજના હેઠળ વધારાનું 20 ટકા ધિરાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે બાકી ઉઘરાણી રૂા. 25 કરોડની હોય તેમને જ આ યોજનાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 2020-21 અને ત્યારબાદના બે નાણાંકીય વર્ષ દરમિયાન વધારાનું ધિરાણ આપી શકાય તે માટે સરકારે રૂા.41,600 કરોડ અનામત રાખ્યા છે.
આ યોજના હેઠળ બેન્કો દ્વારા 9.25 ટકાના દરે અને એનબીએફસી-નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની દ્વારા 14 ટકાના દરે વ્યાજ લેવામાં આવે છે. આ યોજના હેઠળ લેવામાં આવેલી લોન 4 વર્ષમાં ચૂકવી દેવાનો નિયમ રાખવામાં આવ્યો છે. તેમાં લોન લેનારને પહેલા વર્ષે મુદ્દલની ચૂકવણી કરવાની રહેશે નહિ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38gbUjU
0 Response to "ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમની મુદત 30મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી"
Post a Comment