
મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયૂટને જોડાણ નથી છતાં યુનિ.એ ફોર્મ ભરાવ્યા
અમદાવાદ, તા. 23 નવેમ્બર, 2020, સોમવાર
સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની અમદાવાદ ખાતેની મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટમાં ચાલતા માસ્ટર ઓફ સોશિયલ વર્ક-એમએસડબલ્યુ કોર્સમાં ભણતા અને આ વર્ષે પ્રવેશ ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓ ફસાયા છે.
યુનિ.એ માહિતી આયોગ સમક્ષ કબૂલ્યુ છે કે ચાલુ વર્ષ 2020-21નું જોડાણ સંસ્થાને અપાયુ નથી. જ્યારે બીજી બાજુ યુનિ.એ ચાલુ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી અને ઈન્સ્ટિટયુટની બેઠકો માટે ફોર્મ પણ ભરાવી દીધા. જો જોડાણ જ નથી તો વિદ્યાર્થીઓની ડિગ્રીની શું ? શું યુનિ.એ જુઠાણુ ચલાવી માહિતી આયોગને જ ગેર માર્ગે દોર્યુ છે ? મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટ યુજીસીના નિયમોનું પાલન કરતી નથી અને કાયમી સ્ટાફની નિમ્યા વગર જ માસ્ટર ડિગ્રી કોર્સ ચલાવે છે.
આ બાબતે થયેલી આરટીઆઈની સુનાવણીમાં માહિતી આયોગ સમક્ષ ગુજરાત યુનિ.ના ડેપ્યુટી રજિસ્ટ્રારે કબુલ્યુ છે કે મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટ નિયમોનું પાલન કરતી નથી.જેથી 2020-21ના વર્ષ માટે જોડાણ અપાયુ નથી. જો યુનિ.એ આ વર્ષ માટે જોડાણ આપ્યુ જ નથી તો આ વર્ષે માટે નવા પ્રવેશની પ્રક્રિયા કેમ શરૂ કરાઈ ?
મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટની વેબસાઈટ પર એમએસડબલ્યુ કોર્સમાં પ્રવેશ માટે ગુજરાત યુનિ. ઓનલાઈન એડમિશન લિંક પણ આપી દેવાઈ છે અને ગુજરાત યુનિ.દ્વારા લેબર ઈન્સ્ટિટયુટની 20 બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ પણ ભરાવી દેવાયા છે.એટલુ જ નહી થોડા દિવસમાં પ્રવેશ ફાળવી પણ દેવાશે.
જો યુનિ.દ્વારા આ વર્ષ માટે જોડાણ અપાયુ જ નથી તો પ્રવેશ કઈ રીતે થઈ શકે ? આ વર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના ભવિષ્ય નું શું ? શું ગુજરાત યુનિ.એ આ વર્ષ માટે પાછલા બારણે જોડાણ આપી દીધુ છે કે કેમ ? કે પછી ગુજરાત યુનિ.એ માહિતી આયોગ સમક્ષ જુઠણું ચલાવી આયોગને જ ગેરમાર્ગે દોર્યુ છે.
માહિતી આયોગે યુનિ.ના અધિકારીને 5 હજારનો દંડ ફટકારી કુલપતિને ડિસેમ્બર અંત સુધીમાં રિપોર્ટ આપવા પણ આદેશ કર્યો છે ત્યારે ગુજરાત યુનિ.હજુ પણ જોડાણ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરશે કે પછી અગાઉ બે વર્ષ સુધી ખોટી રીતે જોડાણ આપી દીધુ તે જ રીતે આગળ પણ જોડાણ આપી મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટ દ્વારા ચલાવાતી ગેરરીતિમાં સહભાગી બનશે.
ગુજરાત યુનિ.એ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકાર સાથે અને સંસ્થા સાથે મળી જોડાણ બાબતે જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે.ઉપરાંત ગુજરાત યુનિ .જેવી રાજ્યની સૌથી જુની અને મોટી યુનિ.તથા મહાત્મા ગાધી લેબર ઈન્સ્ટિ.જેવી જાણીતી સંસ્થા દ્વારા જ જો આવી રીતે વિદ્યાર્થીઓ-વાલીઓને અંધારામાં રાખી શૈક્ષણિક પ્રવૃત્તિઓ થતી હોય તો તે ખરેખર શિક્ષણ જગત માટે ગંભીર બાબત કહેવાય.
વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપવા પાછલી તારીખથી જોડાણ કરાયુ
ઈન્સ્ટિટયુટના ગત વર્ષના એમએસડબલ્યુના વિદ્યાર્થીઓ કે જેઓનું રિઝલ્ટ ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ સાથે જાહેર કરવાનું હતુ પરંતુ ઈન્સ્ટિટયુટને જોડાણ ન હોવાથી ઈન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ પેન્ડિંગ રાખવુ પડે અને આ બાબતે પરીક્ષા વિભાગને જાણ પણ કરાઈ હતી . પરંતુ સરકારની સંસ્થા હોવાથી અને સરકારના ઉચ્ચ અધિકારીના દબાણને પગલે યુનિ.એ રિઝલ્ટ જાહેર કરવા પાછલી તારીખથી બે વર્ષ માટેનું જોડાણ પણ આપી દીધુ હોવાની ફરિયાદ ઉઠી છે.
લોકલ ઈન્સપેકશન-એલઆઈસી ટીમે યુનિ.ને ખોટો રિપોર્ટ આપ્યો ?
ગુજરાત યુનિ.દ્વારા દરેક સંલગ્ન કોલેજો-સંસ્થાઓને દર વર્ષે રીન્યુઅલ એફિલિએશન એટલે દર વર્ષના નવા જોડાણ આપતા પહેલા ત્રણ-ત્રણ સભ્યોની એલઆઈસી તપાસ માટે મોકલવામા આવે છે.આ એલઆઈસી- લોકલ ઈન્સપેકશન કમિટીમાં પ્રોફેસરો અથવા સીન્ડીકેટ સભ્યો હોય છે ત્યારે મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટને જોડાણ આપવા માટે શુંં એલઆઈસી ટીમ મોકલાઈ હતી કે નહી ?જો મોકલાઈ હતી તો ગેરરીતિ છતાં ખોટો રીપોર્ટ સબમીટ કરાયો ? યુજીસીના નિયમોનું પાલન થતુ જ નથી અને કામયી સ્ટાફ જ નથી તો પછી એલઆઈસીની ટીમે પોઝીટીવ રિપોર્ટ કેમ આપી દીધો
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lUdH2e
0 Response to "મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયૂટને જોડાણ નથી છતાં યુનિ.એ ફોર્મ ભરાવ્યા"
Post a Comment