ઓપરેશન બેનકાબ : કોંગ્રેસમાંથી રાજીનામું આપો ને રૂપિયા લઇ જાવ

ઓપરેશન બેનકાબ : કોંગ્રેસમાંથી રાજીનામું આપો ને રૂપિયા લઇ જાવ


અમિત ચાવડાની માંગ,એન્ટીકપ્શન-મની લોન્ડરિંગ હેઠળ કેસ કરો, આજે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ પુરાવા રજૂ કરાશે

અમદાવાદ, તા. 1 નવેમ્બર, 2020, રવિવાર

પેટાચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસે ભાજપે કરોડો રૂપિયા આપીને ધારાસભ્યોની ખરીદી કરી છે તે વાતની પુષ્ટિ કરતો વિડીયો જારી કરતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

એટલું જ નહીં. કોંગ્રેસે ભાજપના નેતાઓ વિરૂધૃધ મની લોન્ડરીંગ અને એન્ટી કરપ્શનનો કેસ નોંધી તપાસ કરવા માંગ કરી છે. સ્ટિગ ઓપરેશન કરેલા વિડીયોમાં પક્ષપલટુ ધારાસભ્ય સોમા પટેેલ એ વાત સ્વિકારી છેકે, પૈસા વિના કોઇ ધારાસભ્ય રાજીનામુ ધરે ખરૂં.તેમણે એવો ય એકરાર કર્યો કે,કોઇને રૂા.10 કરોડથી વધુ મળ્યાં નથી.

ગુજરાતમાં 3જી નવેમ્બરે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે. ભાજપના પાપે આ પેટાચૂંટણી મતદારો પર થોપવામાં આવી છે અને ચૂંટણી પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કરતાં અમિત ચાવડાએ પત્રકાર પરિષદ પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલે ભાજપ ધારાસભ્યોને નાણાં આપીને ખરીદી રહ્યુ છે તેવો વિડીયો જારી કર્યો હતો.

તેમણે એવો આરોપ મૂક્યો કે,મત વિસ્તારોમા વિકાસનાકામો થતા નથી, કોંગ્રેસમાં જૂથવાદ છે અને અમને માન સન્માન મળતુ નથી તેવા બહાના કાઢી કોંગ્રેસના ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરી રહ્યાં છે પણ વાસ્તવમાં તેમના નાણાં લઇને ધારાસભ્યો વેચાયા છે.

આ અગાઉ કરજણ પર ચૂંટણી લડતા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કહી ચૂક્યા છેકે, લોકસભાની ચૂંટણી વખતે મને રૂા.50 કરોડની ઓફર થઇ હતી. ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાએ કબૂલાત કરી છેકે,કાં તો ટિકીટ મળે ,કાં નાણાં , બંને ન મળે..

ભાજપ ભ્રષ્ટાચારના નાણાંથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી રહી છે તેવો આરોપ મૂકતાં ચાવડાએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી તો લોકોમાં ચર્ચા જ હતી પણ હવે લોકોને પાક્કી ખાતરી થઇ છે કે, ધારાસભ્યો વેચાયા છે અને તેમણે મતદારો સાથે દ્રોહ કર્યો છે. લોકહિત માટે અંગતહિત માટે ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે.

ચાવડાએ એવી માંગ કરી છેકે, ભાજપના નેતાઓ વિરૂધૃધ મની  લોન્ડરીંગ અને એન્ટી કરપ્શન હેઠળ કેસ કરવામાં આવે. કોંગ્રેસે કાયદા નિષ્ણાતોની સલાહ લેવા નક્કી કર્યુ છે ત્યારબાદ વધુ કાયદાકીય કાર્યવાહી કરાશે. આ ઉપરાંત સોમવારે કોંગ્રેસ ચૂંટણી પંચને પણ સ્ટીંગ ઓપરેશનના વિડીયો સહિતના પુરાવા રજૂ કરી રજૂઆત કરશે.

પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ પણ કટાક્ષ કરતાં કહ્યું કે, ભાજપના સંનિષ્ઠ કાર્યકરોએ તો જાહેરસભામાં માત્ર તાળીઓ પાડવી, ખુરશીઓ ગોઠવવી અને પોસ્ટર ચોટાડવાનું જ કામ કરવાનુ છે .બાકી તો.પક્ષપલટુઓને જ બખ્ખાં છે. કોંગ્રેસના આક્ષેપના પગલે પેટાચૂંટણીના પ્રચારના અતિમ તબક્કામાં ગરમાવો આવ્યો છે.

વાયરલ વીડિયોમાંના વાતચીતના અંશો 

ભાજપમાંથી કોણ ડીલ કરે છે...

અમદાવાદ,રવિવાર

કોંગ્રેસે જારી કરેલાં સ્ટિંગ ઓપરેશનમાં પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલ અને અજાણી વ્યક્તિ વચ્ચે થયેલા વાર્તાલાપના અંશો કઇક આ પ્રમાણે છે.. (વીડિયો કે વીડિયોના તથ્યોનું ગુજરાત સમાચાર સમર્થન કરતું નથી)

અજાણી વ્યક્તિ : ભાજપવાળા શું આપશે...

સોમા પટેલ : ( હસતા હસતાં ) એ બધુ તો થઇ ગયું...

અજાણી વ્યક્તિ : કઇંક તો આપ્યુ હશે ને...

સોમા પટેલ : હાં, એમ ને એમ,કોઇ રાજીનામુ ધરે ખરૂં...

અજાણી વ્યક્તિ : સોમાભાઇએ રાજીનામુ આપી નાણાં લીધાં છે,ભાજપમાંથી નાણાં લીધા છે, એવુ બ્રિફ કરાવ્યુ હશે 

સોમા પટેલ : કોંગ્રેસ જો ટિકીટ નહી આપે તો હું ગમે ત્યાંથી લડીશ.એનસીપી વાળા મારી પાછળ પડયા છે.હું ચાર વાર સાંસદ બન્યો છું.બધા મને જાણે છે.એક જ બેઠક પર, આ નાનીસૂની વાત નથી. ભાજપ મારી પાછળ પૂરેપૂરો ખર્ચ કરતી હતી. કોંગ્રેસમાં ખર્ચ થતો નથી

અજાણી વ્યક્તિ : રાજીનામુ આપ્યુ તો,બે-પાંચ કરોડ તો આપ્યા હશે..

સોમા પટેલ :  (હસતા હસતાં ) જે બધાને આપ્યુ તે મને આપ્યુ

અજાણી વ્યક્તિ : એવી ચર્ચા છેકે, 15-20 કરોડ આપ્યાં છે

સોમા પટેલ : બધાને આપ્યુ છે.નહીતર કોઇ રાજીનામુ આપે, કેટલાંકનેનાણાં આપ્યા છે, તો કેટલાંકે ટીકીટ આપી છે

અજાણી વ્યક્તિ : આટલાં પૈસા ભાજપવાળા કયાંથી લાવે છે,ઘણો ખર્ચ કરે છે.બધે ખર્ચા જ કરે છે...

સોમા પટેલ : કોઇને કઇં કહેવાનુ નહીં, બસ,પૈસા લાવો ,બીજુ શું...રિલાયન્સ,ટાટા, આ બધુય એમની પાસે જ છે...

અજાણી વ્યકિત : આ બધા કહે છેકે, સોમાભાઇને 20 કરોડ આપ્યાં છે

સોમા પટેલ : ખોટી વાત છે,કોઇને 10 કરોડથી વધુ આપ્યા નથી.

અજાણી વ્યક્તિ : આ તો રૂા.20 કરોડની વાત છે

સોમા પટેલ : એ તો લોકો બોલ્યા રાખે, એમાં શું

અજાણી વ્યક્તિ : ભાજપમાંથી કોણ ડીલ કરે છે...

સોમા પટેલ : સીએમ સાથે,પ્રદેશ અધ્યક્ષ,નવા આવ્યાં છે તે મારા મિત્ર છે

અજાણી વ્યક્તિ : તેમની સાથે ડીલ ચાલે છે

સોમા પટેલ : હાં, બંને સાથે.....

આ બનાવટી વીડિયો છે,આ મારૂં નહીં, કોળી સમાજનું અપમાન છે : સોમા પટેલ

કોંગ્રેસ જારી કરેલા સ્ટિંગ ઓપરેશનના વીડિયો બાદ પૂર્વ ધારાસભ્ય સોમા પટેલે એવી પ્રતિક્રિયા આપી કે, મારા નામે કોંગ્રેસ જુઠ્ઠાણુ ફેલાવી રહી છે. જે વીડિયો જાહેર કરવામાં આવ્યો છે તે તદ્દન બનાવટી છે તેની તપાસ થવી જોઇએ. આ મારૂં જ નહીં, સમગ્ર કોળી સમાજનુ અપમાન છે. મારે આવા કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થઇ નથી. માત્રને માત્ર પેટાચૂંટણીમાં રાજકીય ફાયદો મેળવવા કોંગ્રેસે મારા નામનો દૂરપયોગ કરી વિડીયો જાર્હર કર્યો છે ત્યારે હું કોંગ્રેસને નોટિસ ફટકારીશ અને માનહાનિનો દાવો પણ કરીશ.

વીડિયોમાં સોમા પટેલ સાથે વાત કરનાર અજાણી વ્યક્તિ કોણ ?

પેટાચૂંટણીના અતિમ તબક્કામાં જ કોંગ્રેસે વિડીયો જારી કરતાં ગુજરાતના રાજકારણમાં હલચલ મચી જવા પામી છે. સ્ટિંગ ઓપરેશનના વિડીયોમાં પક્ષપલટુ ધારાસભ્ય સોમા પટેલ સાથે વાત કરનાર અજાણી વ્યક્તિ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોંગ્રેસી કોર્પોરેટર અંકિત બારોટ હોવાનુ બહાર આવ્યુ છે. કોંગ્રેસના નેતાઓએ પણ આ વાતને સમર્થન આપ્યુ છે. કોંગ્રેસે જારી કરેલો વિડીયો સોશિયલ મિડિયામાં ય જોરશોરથી વાયરલ થયો છે જેના લીધે ભાજપના નેતાઓની ચિંતા વધી ગઇ છે.

કોંગ્રેસ આક્ષેપ નહીં, આત્મમંથન કરે

પેટાચૂંટણીમાં લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ  છે : પાટીલ

પાટીલની માંગ : નિમ્નકક્ષાના કૃત્ય કરી જુઠ્ઠાણાં ફેલાવતાં અમિત ચાવડા જનતાની માફી માંગે 

અમદાવાદ,રવિવાર

કોંગ્રેસે જારી કરેલાં વિડીયો બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પલટવાર કરતાં જણાવ્યુંકે, પેટાચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળ ચૂકી છે. આઠેય બેઠકો પર કોંગ્રેસની હાર નક્કી છે.આ જોતાં કોંગ્રેસ આવા ગતકડાં કરી જનતાને ગેરમાર્ગે દોરવા માંગે છે. આ માત્ર લોકોને ભ્રમિત કરવાનો એક માત્ર પ્રયાસ છે.

ગુજરાત કોંગ્રેસે કથિત વિડીયો કલિપ રજૂ કરી મારૂ નામ ખોટી રીતે જોડવામાં આવ્યુ છે.આખીય વિડિયોમાં મારા નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા માફી માંગે તેવી માંગણી કરતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એવો આક્ષેપ કર્યો કે , પેટાચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા કોગ્રેસ નિમ્નકક્ષાનુ કૃત્ય કરી જુઠ્ઠાણુ ફેલાવી રહી છે.

ચૂંટણી વખતે આવા જુઠ્ઠાણા ફેલાવવા કોંગ્રેસની આદત રહી છે. પાટીલે એવો ય આરોપ મૂક્યો કે,વિડીયોમાં છેડછાડ થઇ છે. આ વિડીયોની સત્યતા ચકાસવી જોઇએ. કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઇને આગળની કાર્યવાહી કરીશું. પણ કોંગ્રેસે આવા આક્ષેપ કરવાને બદલે લોકો વચ્ચે જઇને કામ કરવુ જોઇએ.

એટલું જ નહીં, કોંગ્રેસ 25 વર્ષથી સત્તાથી બહાર કેમ છે તે અંગે આત્મમંથન પણ કરવુ જોઇએ. કોંગ્રેસ ગમે તેવા પેંતરા કરે પણ ગુજરાતની જનતા સુપેરે બધુ જ જાણે છે. પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે. ભાજપને જનતાનો સાથ-વિશ્વાસ છે.જનતાના આશિર્વાદ ભાજપની સાથે જ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kNWE1t

0 Response to "ઓપરેશન બેનકાબ : કોંગ્રેસમાંથી રાજીનામું આપો ને રૂપિયા લઇ જાવ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel