દિવાળી આવી : બજારમાં ખરીદી માટે અને રસ્તા પર ટ્રાફિક

દિવાળી આવી : બજારમાં ખરીદી માટે અને રસ્તા પર ટ્રાફિક


અમદાવાદ, તા. 1 નવેમ્બર, 2020, રવિવાર

આમ તો, દિપાવલી પર્વમાળા આડે 13 દિવસ જેટલો સમય બાકી છે અને અમદાવાદના બજારોમાં જાણે દિવાળી આવી હોય તેવી ભીડ જોવા મળી રહી છે. કોરોનાનો ડર ભૂલીને નવા વર્ષને વધાવવા માટે લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારના બજારો જ નહીં પણ પરા વિસ્તારના બજારોમાં પણ ખરીજી માટે લોકોની ચહલપહલ રવિવારના દિવસે જોવા મળી હતી.

દિવાળી પર્વમાળા આડે 12 દિવસ બાકી છે ત્યારે ખરીદી માટે લોકોનો ઉત્સાહ જોઈ મંદીના વાદળો દૂર થવાની આશા વેપારી વર્ગમાં જાગી છે. આગામી તા. 12ના રોજ વાઘબારસથી દિપાવલી પર્વમાળા શરૂ થશે તે પહેલાં ખરીદીની ચમક સતત વધતી જશે. ખાસ કરીને આગામી રવિવારે ચિક્કાર ભીડ થવાની ગણતરી સાથે વેપારીઓએ અને તંત્રએ સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટેની તૈયારી શરૂ કરી છે.

આગામી તા. 12ના રોજ વાઘબારસથી દિપાવલી પર્વમાળા શરૂ થશે. તા. 13ના રોજ ધનતેરસ અને તા. 15ના રોજ બેસતું વર્ષ છે. ગુજરાતી નવા વર્ષ અનુસાર લોકા નવા વસ્ત્ર પરિધાન કરે તે પરંપરા છે. આ પરંપરા જાળવી રાખવા ખરીદીની ભીડ આજે, રવિવારે બજારમાં જોવા મળી હતી.

ગત રવિવારથી જ મળેલાં અણસાર પછી વેપારીઓએ તૈયારી કરી તે મુજબની ભીડ બજારમાં આજે રહી હતી. કોટ વિસ્તારના ભદ્ર, રિલીફ રોડ સહિતના બજારોમાં લોકોની ભીડ સવારથી જ જામવા લાગી હતી. બપોરના સમયે જ કીડીયારૂં ઉભરાયું હોય તેવી ભીડ ભદ્ર માર્કેટમાં જોવા મળતી હતી. આ સ્થિતિમાં પોલીસે સોશિયલ ડીસ્ટન્સ માટે કરેલાં આયોજનો અપૂરતા જણાયાં હતાં.

કોટ વિસ્તારના બજારો ઉપરાંત પરાં વિસ્તારના બજારોમા પણ નોંધપાત્ર ચહલપહલ રહી હતી. લો ગાર્ડન માર્કેટ રાત સુધી ગિર્દી રહી હતી તો શહેરના મોટાભાગના સ્થાનિક બજારોમાં દિવસભર ચહલપહલ રહી હતી.

વેપારી સૂત્રોનું કહેવું છે કે, દિવાળી પહેલાંના બીજા રવિવારે રહેલી ભીડ કોરોનાની સ્થિતિમાં સારી કહેવાય તેવી છે. દિવાળી પહેલાં હજુ 12 દિવસ બાકી છે અને તા. 1 પછી સરકારી અને ખાનગી કંપનીના બોનસ ચૂકવવાના શરૂ થશે. આ સંજોગોમાં રવિવાર સિવાયના આડા દિવસોએ પણ ખરી ખરીદીની ભીડ થતી રહેશે તેવી આશા છે. ખાસ કરીને કપડાં, જૂત્તાં અને દિવાળી સુશોભનની બજારમાં સંચાર નોંધપાત્ર છે.

કોરોનાના કારણે બજારો છેલ્લા છ મહિનાથી મૃત:પ્રાય જેવી સ્થિતિમાં છે. કોરોનાની અસર ખાસ્સી ઘટી છે છતાં પૈસો ફરતો ન હોવાથી વેપારી વર્ગમાં ચિંતા હતી. જો કે, દિવાળી નજીક આવતાં જ ખરીદીનો સંચાર થઈ રહ્યાના અણસાર આપતી ભીડ રવિવારે જોવા મળી હતી. ભદ્ર પાથરણાંબજાર વિસ્તારમાં તો સોશિયલ ડીસ્ટન્સ જળવાય નહીં તે રીતે લોકો ખરીદી માટે ઉમટયા હતા.

જો કે, એક વાત નિશ્ચિત છે કે લોકો કોરોનાનો ડર ખંખેરીને નવા વર્ષના વધામણં કરવા સજજ બની રહ્યાં છે. શહેરના રસ્તા પર ખરીદી માટે આવતાં-જતાં લોકોનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. તો, ખરીદી માટેની ભીડ જોતાં બજારમાં આવી દિવાળી...ને શુકનવંતા ખબર વહેતાં થયાં છે. આ શુભમંગલ સાથે છ મહિનાથી સર્જાયેલા મંદીના વાદળ દૂર થવાની આશા વેપારી વર્ગ સેવે છે.

ગ્રાહકોને ડબલ ફાયદો: ઓનલાઈન ખરીદીમાં પણ અનેક સ્કીમ

ઈ-માર્કેટિંગના જમાનામાં ગ્રાહકોને બેવડો ફાયદો થઈ રહ્યો છે. ઓનલાઈન માર્કેટમાં પણ ગ્રાહકોને અવનવી લાભ કરતી સ્કીમો ઓફર કરવામાં આવી રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ પર ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, દિવાળીને લગતી અવનવી વેરાયટી વેચવામાં આવી રહી છે.

વેબસાઈટ્સ પર ગમતી વસ્તુની પસંદગી કરીને ઈ-પેમેન્ટ કરતાં જ ઘરબેઠાં વસ્તુ પહોંચતી કરવામાં આવે છે. કોરોના કાળમાં અનેક પરિવારો એવા છે કે જેઓ ઈ કોમર્સ વેબસાઈટનો ઉપયોગ કરીેને દિવાળીની ખરીદી કરી રહ્યાં છે. 

એક વર્ગ એવો છે કે જે બજારમાં રૂબરૂ ખરીદીનો આનંદ મેળવવા તત્પર બને છે અને તેની ભીડ બજારમાં જોવા મળે છે. ઈ કોમર્સ અને લોકલ બજાર વચ્ચેની હરિફાઈનો સીધો જ લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. વેબસાઈટ્સની માફક જ શો-રૂમ અને દુકાનોની બહાર ગ્રાહકોને ભાવઘટાડાની ઓફર કરતાં બેનર્સ જોવા મળે છે. દિવાળીના પખવાડિયા પહેલાં બજારમાં ખરીદીની ચમક જોવા મળતાં વેપાર-ધંધામા આશા જાગી છે.

કોરોના સામે સ્વયંજાગૃતિ: મોટાભાગના લોકો માસ્ક પહેરીને નીકળ્યા

કોરોના સામે સ્વયંજાગૃતિ જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના પરાં વિસ્તારના બજારોમાં ખરીદી માટે નીકળેલાં લોકો મોટાભાગે માસ્ક પહેરેલાં જ જોવા મળતાં હતાં. જો કે શહેરના કોટ વિસ્તારમાં ખરીદી માટે જામેલી ભીડમાં હજુ અનેક નાગરિકો માસ્ક પહેરવા બાબતે ઉદાસિન જોવ મળતાં હતાં.

કારંજ પોલીસે લોકો માસ્ક પહેરે તે માટે જનજાગૃતિ કેળવવા પ્રયાસો હાથ ધર્યાં છે. આમ છતાં, પાંચેક ટકા નાગરિકો એવા જોવા મળ્યાં હતાં કે ખરીદી પાછળ એવા ઘેલાં બન્યાં હતાં કે માસ્ક સાથે લઈને નીકળ્યાં હોવા છતાં પહેરી રાખતા નહોતાં. નાગરિકોની ફરિયાદ એવી છે કે, ભીડમાં અને બપોરના સમયે ગરમીના કારણે માસ્ક હટાવવો પડે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/381GgXB

0 Response to "દિવાળી આવી : બજારમાં ખરીદી માટે અને રસ્તા પર ટ્રાફિક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel