યુવતીએ પ્રેમી સાથે મળી પિતાનાં મકાનમાંથી 7.50 લાખની ચોરી કરાવી

યુવતીએ પ્રેમી સાથે મળી પિતાનાં મકાનમાંથી 7.50 લાખની ચોરી કરાવી


રાજકોટ, તા.30 નવેમ્બર 2020, સોમવાર

જેની સાથે લિવ ઈન રીલેશનશીપમાં રહેતી હતી તે યુવક પાસેથી યુવતીએ ખુદ પોતાના પિતાના મકાનમાંથી ચોરી કરાવી હતી. જો કે ક્રાઈમ બ્રાંચની તપાસમાં બંનેનો ભાંડો ફૂટી જતાં ધરપકડ કરવામાં આવી હતી.  બંનેએ પાર્ટનરશીપમાં જોબ પ્લેસમેન્ટ એજન્સી ખોલવા માટે ચોરી કર્યાનું બહાર આવ્યું છે.

રેલનગરના રામેશ્વર પાર્ક શેરી નં.૨ અને બ્લોક નં.૫૭/બીમાં રહેતા ફ્રાન્સિસભાઈ લલિતસેન ક્રિશ્ચીયન રેલવેમાં લોકોમોટીવ પાયલોટ એટલે કે એન્જિન ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, તેના પુત્રના સસરા દિલ્હી રહે છે. જેમણે દિલ્હીમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તરફથી બોલાવાતા ફ્રાન્સિસભાઈએ દિલ્હી જવાનું નક્કી કર્યું હતું. 

ગઈ તા.૨૪ના રોજ રાત્રે પત્ની, પુત્ર અને પુત્રી રીયાંશી સાથે ટ્રેનમાં દિલ્હી જવા રવાના થયા હતા. મકાનની ચાવી પોતાની ભાણેજ નીલોફરને સોંપી હતી. ગઈકાલે દિલ્હીથી પરત આવીને જોયું તો મકાનના મુખ્ય દરવાજાના ઈન્ટર લોકને ડુપ્લીકેટ ચાવીની મદદથી ખોલી, અંદર જઈ કબાટમાં સ્થિત લોકરમાંથી રૂા.૧.૬૦ લાખ રોકડા, સોનાના બે બિસ્કીટ અને સોનાના ચેઈન સહિત રૂા.૭.૩૪ લાખની ચોરી થયાનું માલુમ પડતા પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. જેથી પ્ર.નગર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ડુપ્લીકેટ ચાવીથી તાળું ખોલાયું હોવાનું બહાર આવતા પોલીસે પરિવારજનોને જ શંકાના પરિઘમાં રાખી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. 

આ દરમિયાન ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એમ. વી. રબારીને માહિતી મળતા રીયાંશી સાથે લિવ ઈન રીલેશનશીપમાં રહેતા પાર્થ નવનીતભાઈ ભટ્ટ (ઉ.વ.૨૮, રહે. સરીતાવિહાર સોસાયટી, ક્વાર્ટર નં.૧૩૨, યુનિ. રોડ)ની અટકાયત કરતા તેણે વટાણા વેરી નાખ્યા હતા. 

તેણે પોલીસને એવી માહિતી આપી કે, તે હાલ વાહન લે-વેચનો ધંધો કરે છે, અગાઉ રીયાંશીના પાડોશમાં દ્વારકેશ પાર્કમાં રહેતો હતો. જેને કારણે રીયાંશી સાથે પરિચય થતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. દોઢેક વર્ષ પહેલાં બંનેએ લિવ ઈન રીલેશનશીપ કરાર કરી લીધા હતા. ત્રણેક મહિના બંને સાથે રહ્યા હતા. આ દરમિયાન બંને પરિવારો એકબીજાના ઘરે અવર-જવર પણ કરતા હતા. 

જો કે બાદમાં તેના ભાઈ અને પિતાને આ સંબંધ સામે વાંધો હોવાથી તે રીયાંશીથી ત્રણેક માસ પહેલાં છૂટો પડી ગયો હતો. બાદમાં બંને પોતપોતાના ઘરે રહેવા લાગ્યા હતા. જો કે સોશિયલ મીડિયાથી બંને એકબીજાના સંપર્કમાં હતા. રીયાંશીને માતા-પિતા સાથે જામતું ન હતું. આ વાત તેને ખબર પડી હતી. 

આખરે બંનેએ પાર્ટનરશીપમાં જોબ પ્લેસમેન્ટ એજન્સી શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જેથી બંને દરરોજ એકબીજા સાથે રહી શકે. આ માટે પૈસાની જરૂરિયાત હોવાથી રીયાંશીએ પોતાના મકાનમાંથી જ ચોરી કરવાની યોજના બનાવી તેના ભાગરૂપે ગઈ તા.૨૫મીએ જ્યારે તેના પરિવારના સભ્યો દિલ્હી ગયા, તે દિવસે બપોરે તેને મળી હતી અને મકાનની ચાવી આપી હતી. જે ચાવી લઈ તેના આધારે તેને સાધુવાસવાણી રોડ ઉપરથી ડુપ્લીકેટ ચાવી બનાવડાવી ઓરિજિનલ ચાવી રીયાંશીને પરત આપી દીધી હતી. 

ત્યારબાદ તે રાત્રે રીયાંશી પરિવારના સભ્યો સાથે દિલ્હી જતી રહ્યા બાદ, બીજા દિવસે એટલે કે તા.૨૫મીએ સાંજે ૪ વાગ્યે તેણે તેના ઘરે જઈ ડુપ્લીકેટ ચાવીથી બારણું ખોલી, અંદર જઈ રીયાંશીએ જ્યાં મુદ્દામાલ પડયો હતો તે કબાટ વિશે અગાઉથી જાણ કરી દીધી હોવાથી તેને ખોલી તેમાંથી ચોરી કરી હતી. બાદમાં ચોરી કર્યાની જાણ રીયાંશીને પણ કરી હતી. 

રોકડ ચોરી કેટલી, 40 હજાર કે પછી 1.60 લાખ ?

દિલ્હી જતી રીયાંશીને પ્રેમી પાર્થે પોતાનું એટીએમ કાર્ડ આપી દીધું

એટીએમ કાર્ડમાં રીયાંશીના મકાનમાંથી ચોરી કરતા મળેલા રૂા.40 હજાર જમા કરાવ્યા, પરંતુ માત્ર રૂા.8 હજાર જમા થયા

૨૨ વર્ષની રીયાંશી પોતાના મકાનની ચાવી આપવા માટે ગઈ તા.૨૪ના રોજ પ્રેમી પાર્થને મળી હતી ત્યારે પાર્થે તેને દિલ્હીમાં ખર્ચ કરવા માટે પોતાનું એટીએમ કાર્ડ આપી દીધું હતું. ત્યારબાદ પાર્થે ૨૫મીએ તેના મકાનમાંથી ચોરી કર્યા બાદ તેમાં મળેલા રૂપિયા ૪૦ હજાર પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જો કે તેમાંથી માત્ર ૮ હજાર રૂપિયા જમા થયા હતા. બાકીના ૩૨ હજાર જમા નહીં થતાં તેણે રીફન્ડ માટે બેંકમાં અરજી કરી હતી. જે ૮ હજાર જમા થયા હતા તે રીયાંશીએ દિલ્હીમાં ખર્ચ કરી નાખ્યા હતા. પાર્થે સોનાના બે બિસ્કીટ હાલ પોતાની પાસે રાખી દીધા હતા. જ્યારે સોનાનો જે ચેઈન હતો તે મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુકી ૪૭,૫૦૦ લઈ લીધા હતા. આ રકમ ઉપરાંત સોનાના રૂા.૫.૪૯ લાખની કિંમતના બે બિસ્કીટ અને ગુનામાં વપરાયેલું તેનું જ્યુપીટર હાલ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યું છે. 

ફરિયાદી ફ્રાન્સીસભાઈએ પોલીસને પોતાના મકાનમાંથી રૂા.૧.૬૦ લાખની રોકડ ચોરી થયાનું જણાવ્યું હતું. જો કે પાર્થ તેણે માત્ર ૪૦ હજારની જ ચોરી કર્યાનું રટણ કર્યું છે. આ સંજોગોમાં બંને પક્ષમાંથી કોણ સાચું તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પાર્થે પોલીસને કહ્યું કે, તેને ચોરી દરમિયાન મળેલા રૂા.૪૦ હજાર તેણે પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. જેમાંથી રીયાંશીએ આઠેક હજાર રૂપિયા ખર્ચ કરી નાખ્યા હતા. બાકીની રકમ વિશે તે કાંઈ જાણતો નથી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36oohsV

0 Response to "યુવતીએ પ્રેમી સાથે મળી પિતાનાં મકાનમાંથી 7.50 લાખની ચોરી કરાવી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel