
અમદાવાદમાં વધુ 156 નાગરિકો કોરોનામાં પટકાયા, બે દર્દીનાં મૃત્યુ
સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,739 થઈ
અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર
અમદાવાદમાં કોરોનાનું જોર થોડું ઘટયું છે. એક્ટિવ કેસો અને મૃત્યુ ઘટયા છે. આમ છતાં લોકોએ એ બાબત સતત યાદ રાખવા જેવી છે કે, કોરોના હજુ ગયો નથી જ. તે ફરી ગમે ત્યારે વધુ આક્રમક થઈને ઘણા બધાંને ઝપેટમાં લઈ શકે તેમ છે. જરા સરખી પણ બેદરકારી કોરોનાને ઘેર લઈ આવવા પૂરતી છે અને પછી કુટુંબના મોટાભાગના સભ્યો લપેટાઈ છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ 156 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે સારવાર લેવાનું ચાલુ કર્યું છે.
જ્યારે સારવાર દરમ્યાન બે દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાને માત આપીને સાજા થઈ ગયેલાં 99 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે અત્યાર સુધી મ્યુનિ.ની હદમાં નોંધાયેલાં કુલ દર્દીઓનો આંકડો 44986ને આંબી ગયો છે. જેમાંથી 1856 દર્દીઓએ તેમની મહામૂલી જિંદગી ગુમાવી છે. તેમજ 35216 લોકો સાજા થઈ ગયા છે.
દરમ્યાનમાં સારવાર હેઠળના દર્દીઓના એક્ટિવ કેસો ઘટીને 2739 થઈ ગયા છે. જેમાં નવાપશ્ચિમ ઝોનના સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, વેજલપુર, મકતમપુરા, સરખેજના 857 અને પશ્ચિમઝોનના 449 કેસ છે. જ્યારે પૂર્વપટ્ટાના દક્ષિણઝોન, પૂર્વઝોન, ઉત્તર ઝોન, મધ્યઝોનના એક્ટિવ કેસો 1415 છે. ખાનગી હોસ્પિટલોની 2056માંથી 963 પ્રાઇવેટ બેડ હાલ ખાલી છે.જોકે 177 આઇસીયુના બેડમાં દર્દીઓ છે, તેમજ 84 વેન્ટીલેટર ઉપર છે.
બીજી તરફ નિષ્ણાંતોના મતે ભારતમાં કોરોના નબળો પડયો છે, પણ એક કરતાં તેના વધુ પીક આવી શકે છે. બીજી તરફ તહેવારોની બજારમાં ભીડ થઈ રહી છે, તેમાં ડિસ્ટન્સ અને માસ્કની અવગણના રહી છે. બીજી તરફ મ્યુનિ. અને પોલીસ તંત્ર તહેવારો હોવાથી ઢીલાશથી વર્તી રહ્યું છે. આવી જ રીતે ગ્રામવિસ્તારોમાં પેટાચૂંટણીના કારણે ભીડ થાય છે. આ બાબતોનું પરિણામ શું આવશે તે તો આવનારો સમય જ કહેશે. દિવાળી પર ફટાકડાની છૂટ મળે છે કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે.
મ્યુનિ.ની કચેરીમાં કોરોનાનો ભરડો યથાવત
નવા પશ્ચિમઝોનની ઓફિસે 100 રેપિડ ટેસ્ટ કરાતા 3 પોઝિટિવ
ડે. કમિશનરના ડ્રાઇવર, સોલિડવેસ્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ચીફ ઓડિટરના કર્મચારી ઝપેટમાં
અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર
નવાપશ્ચિમ વિસ્તારના ઉત્તર પશ્ચિમઝોન અને દક્ષિણપશ્ચિમઝોનની કચેરીએ આજે કર્મચારીઓ, અધિકારીઓ અને કામે આવેલા નાગરિકોના સામુહિક રીતે 100 જેટલા રેપિડ-એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. જેમાં ડે.કમિશનર સી.આર. ખરસાણના ડ્રાયવર અને કામ લઈને આવેલાં બે નાગરિકો કોરોનાગ્રસ્ત હોવાનું જણાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈમારતમાં અગાઉ ટેક્સના 3 કર્મચારીઓ સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. ડે.કમિશનર ખરસાણનો કાયમી ડ્રાયવર રજા ઉપર હોવાથી નવો ડ્રાયવર તેની બદલીમાં આવ્યો હતો, જેને કોરોના થયો છે. આ ઉપરાંત ઉત્તરઝોનના સોલીડવેસ્ટ ખાતાના આસી.ડાયરેક્ટર અને ચીફ ઓડિટ ખાતાના વધુ એક કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાનું જાણવા મળે છે.
મ્યુનિ.ની દાણાપીઠ ખાતાની કચેરીમાં પાંચમાં અને છઠ્ઠા માળે વધુ કર્મચારીઓ - અધિકારીઓ કોરોનામાં સપડાતાં હાલ પ્લાનીંગ ખાતાની ઓફિસ બંધ કરી દઈને તેને નવરંગપુરા સ્ટેન્ડ પાસેના નવા બિલ્ડીંગમાં શીફ્ટ કરાયેલ છે. જ્યારે ચીફ ઓડિટ ખાતાની ઓફિસ બંધ કરી ઉસ્માનપુરાની ઓફિસમાં ફેરવી નાખી છે. જ્યારે ચીફ ઓડિટર હાલ ક્વોરન્ટાઈનમાં છે. આ બન્ને ઓફિસો એક પ્રકારે કન્ટેન્મેન્ટ થઈ ગઈ કહેવાય.
આ ઉપરાંત તમામ કચેરીઓ 50 ટકા સ્ટાફ સાથે ચલાવવાના આદેશ કમિશનરે આપ્યા છે. મ્યુનિ. કચેરીઓમાં પણ માસ્ક પહેર્યા વગર ઘણા બેઠાં હોય છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાતું નથી. કચેરીમાં કામ સિવાય નાગરિકોને નહીં આવવા જણાવાયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/326PtK6
0 Response to "અમદાવાદમાં વધુ 156 નાગરિકો કોરોનામાં પટકાયા, બે દર્દીનાં મૃત્યુ"
Post a Comment