
સ્ટાફને પચાસ ટકા રોટેશનમાં બોલાવવા મ્યુનિ. કમિશનરનો આદેશ
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ વિસ્તારમાં આવેલી મુખ્ય કચેરીમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના સંક્રમિત કર્મચારીઓની સંખ્યામાં રોકેટગતિએ વધારો નોંધાતા મ્યુનિસપલ કમિશનર મુકેશકુમારે ખાસ પરિપત્ર કરીને તમામ ખાતાઓના ઉપરી અધિકારીઓને કડક તાકીદ કરતા જયાં સુધી મુખ્ય કચેરીમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી માત્ર પચાસ ટકા સ્ટાફને રોટેશનમાં બોલાવવા આદેશ કર્યો છે.
ઉપરાંત જરૂર ન હોય તેવા કીસ્સામાં ઈ-મેઈલ અથવા મોબાઈલથી કામગીરી કરવા કહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં વિવિધ ખાતાઓ અને ઝોનની ઓફીસ આવેલી છે.
છેલ્લા ત્રણ દિવસમાં પ્લાનિંગ,ઓડીટ વિભાગ,સેન્ટ્રલ ઓફીસ સહીતની અન્ય ઓફીસના મળી દસથી પણ વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા છઠ્ઠા માળ પર આવેલી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં સંક્રમિત થવાનો ભય જોવા મળી રહ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે મુખ્ય કચેરીમાં વધેલા કોરોના સંક્રમણને રોકવા ખાસ આદેશ કરતા પરીપત્ર દ્વારા તમામ વિભાગના વડા અધિકારીઓને એવી સુચના પણ આપી છે કે,શકય હોય ત્યાં સુધી મ્યુનિ.ની મુખ્ય કચેરીમાં રૂબરૂ આવવાનું ટાળવું.
વર્ગ-ત્રણ અને વર્ગ-ચારના કર્મચારીઓને પચાસ ટકા રોટેશન મુજબ બોલાવવા.જે વિભાગની શહેરના અન્ય વિસ્તારમાં ઓફીસ આવેલી હોય તે વિભાગે શકય હોય ત્યાં સુધી તે સ્થળેથી જ કામગીરી કરવી.ઈ-મેઈલ અને મોબાઈલનો મહત્તમ ઉપયોગ કરવો.કોવિડ-19ની અગાઉ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવો.
ગુરૂવારે વધુ પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા
મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ વિસ્તારમાં આવેલી મુખ્ય કચેરીમાં ગુરૂવારે વધુ પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે.જેમાં ઓડીટ વિભાગના એક,પ્લાનિંગ વિભાગના બે અને અન્ય વિભાગના બે કર્મચારીઓનો સમાવેશ થાય છે.ઉપરાંત મ્યુનિ.પ્રાંગણમાં રેપીડ ટેસ્ટ માટે રાખવામાં આવેલા કીઓસ્કમાં 80 થી વધુ લોકોના ટેસ્ટ કરાતા પંદર જેટલા મુલાકાતીઓ પણ કોરોના પોઝિટિવ થયા હોવાની વિગત ખુલવા પામી છે.
કંપાઉન્ડમાં કેન્ટીન પણ બંધ કરાવાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીના પ્રાંગણમાં ચાલતી કેન્ટિન પણ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે.કેન્ટિનની આગળના ભાગમાં લોકો બિનજરૂરી એકઠા થતા હોવાપરાંત માસ્ક પણ ન પહેરવામાં આવતા હોવાના કારણસર કેન્ટીન બંધ કરાવાઈ હોવાનું સત્તાવારસુત્રોમાંથી જાણવા મળ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kGTyMA
0 Response to "સ્ટાફને પચાસ ટકા રોટેશનમાં બોલાવવા મ્યુનિ. કમિશનરનો આદેશ"
Post a Comment