ધ્રોલ પાસે બાઈક સ્લીપ થતાં બે બહેનની નજર સામે ભાઈનું મોત

ધ્રોલ પાસે બાઈક સ્લીપ થતાં બે બહેનની નજર સામે ભાઈનું મોત


જામનગર, તા.27 ઓક્ટોબર 2020, મંગળવાર

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં તેમજ જામજોધપુર પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતો સર્જાયા છે, અને બંને વાહન અકસ્માતમાં બે વ્યક્તિ કાળનો કોળિયો બની છે. ધ્રોલ-ફલ્લા ધોરીમાર્ગ પર એક મોટરસાઇકલ સ્લીપ થઇ જતા મોટરસાયકલનાં ચાલક ધ્રોલના યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે પાછળ બેઠેલી બે બહેનો ની નજર સમક્ષ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજયું છે. બીજી બાજુ જામજોધપુર તાલુકાના જામવાડી નજીક છકડા  રિક્ષા અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં છકડાના ચાલકનું મૃત્યુ નિપજયુ છે.

ધ્રોલમાં રહેતો મુકેશ ઉર્ફે લાલો મહેન્દ્ર ભાઈ પરમાર નામનો ૨૨ વર્ષ નો યુવાન જામનગરમાં  સંબંધીને ત્યાં સગાઈનો પ્રસંગ હોવાથી બાઈક પર પાછળ બે નાની બહેનોને બેસાડીને જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન  ફલ્લા નજીક માર્ગમાં એક ગાય આડી ઉતરતા અકસ્માતે મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું.  જે અકસ્માતમાં બાઈકચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી પાછળ બેઠેલી બે બહેનો ની નજર સામે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું. જયારે બંને બહેનોને નાની-મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઈ છે. 

જામજોધપુર પંથકમાં બનેલા અકસ્માતમાં મૂળ ભાણવડનો વતની ઇશ્વરભાઇ ઉર્ફે કિશન પુનાભાઈ રાઠોડ નામનો ૨૮ વર્ષનો મારવાડી યુવાન ગુજરી બજારમાં બંગડી વેચવાનો વ્યવસાય કરે છે, અને સમગ્ર પરિવાર તેમાં જોડાયેલો છે. જે ગઈકાલે બપોરે સાડા ચારેક વાગ્યાના  અરસામાં બંગડીનો વેપાર કરીને  છકડામાં બેસીને જામજોધપુરથી ભાણવડ તરફ જઈ રહ્યા હતા. જેમાં ઇશ્વરભાઇ રીક્ષા છકડો ચલાવતો હતો, જ્યારે તેના પત્ની અને બાળકો છકડા માં બેઠા હતા. જે છકડો જામવાડી ગામ પાસે પહોંચતા પાછળથી પુરપાટ વેગે આવી રહેલા ડમ્પરના ચાલકે છકડાને ટક્કર મારી હતી.   જે અકસ્માતમાં રિક્ષા છકડાના ચાલકનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું. જયારે છકડામાં બેઠેલા પત્ની અને બાળકો વગેરેને નાની-મોટી ઇજા થઇ હતી. પરિવારની નજર સમક્ષ જ મૃત્યુ નિપજતા ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3owYhmj

0 Response to "ધ્રોલ પાસે બાઈક સ્લીપ થતાં બે બહેનની નજર સામે ભાઈનું મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel