
ગાંધી જયંતિની સાથે વર્લ્ડ સ્માઇલ ડેની વડોદરાના પરિવાર દ્વારા અનોખી ઉજવણી
- વડોદરાના ડેન્ટિસ્ટ યોગેશ ચંદારાણા એ ગાંધીજી સહિતના વિશ્વના નેતાઓના હસમુખા ચહેરા સહિતની સ્માઈલ વિશેની બહાર પડેલી ટિકિટોનો સંગ્રહનો વિડિયો લોકોની જાણકારી માટે સોશિયલ મીડિયા પર મૂકી ઉજવણી કરી
વડોદરા, તા. 3 ઓક્ટોબર 2020, શનિવાર
ગાંધી જયંતિની સાથે વર્લ્ડ સ્માઇલ ડેની ઉજવણી વડોદરાના પરિવારે અનોખી રીતે કરી હતી. વડોદરાના ડોક્ટર પરિવારે ગાંધીજીના હસમુખ ચહેરા સહિત વિશ્વના અગ્રણીઓ અને સ્માઈલ વિશે બહાર પડેલી ટપાલ ટિકિટોનો કરેલો સંગ્રહનો 1 વિડીયો તૈયાર કરી સોશિયલ મીડિયા પર મૂકી લોકોને જાણકારી આપી હતી.
દર વર્ષે ઓક્ટોબર મહિનાના પ્રથમ શુક્રવારે વર્લ્ડ સ્માઇલ ડેની ઉજવણી થાય છે ત્યારે આ વર્ષે જેણે શાંતિ સ્વતંત્રતા અને અહિંસાનો સ્મિત લોકોને આપ્યું છે તેવા મહાત્મા ગાંધીની પણ ગઈકાલે જન્મ જયંતી હતી.
1963માં કોમર્શિયલ આર્ટિસ્ટ હાર્વે બોલે જગતમાં ખૂબ જાણીતી સમાઈલીનું સર્જન કર્યું હતું જે આજે સ્મિતનું પ્રતિક બની ગયું છે. તેના સર્જનની યાદમાં હાર્વે બોલ ફાઉન્ડેશન દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે.
વડોદરામાં જાણીતા દંત ચિકિત્સક ડૉ.યોગેશ ચંદારાણા દ્વારા સ્થાપિત ચંદારાણા ડેન્ટલ મ્યુઝીયમ દ્વારા ગાંધી જયંતી અનેવિશ્વ સ્મિત દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ડૉ. યોગેશ ચંદારાણા કહે છે કે આપણા બાપુ મહાત્મા ગાંધીએ જગતને સત્ય, સ્વતંત્રતા અને શાંતિના સ્મિતની અદભૂત ભેટ આપી હતી. જોગાનુજોગ ઓકટોબરના પ્રથમ શુક્રવારે આ વર્ષે ગાંધી જયંતિ છે. આ એક અદ્ભુત સંયોગ ગણાય.
તેમણે ઉમેર્યું હતું કે સ્માઈલની કોઈ ભાષા નથી, સ્માઈલની કોઈ કિંમત નથી પરંતુ તે અમૂલ્ય છે. મોનાલીસાનું રહસ્યમય સ્મિત વિશ્વમાં પ્રસિદ્ધ છે જેનું રહસ્ય હજુ કોઈ કળી શકતું નથી. બાળક જન્મે છે ત્યારે રડે છે. એનું પ્રથમ રુદન માતા-પિતા, પરિવારજનો, ડોકટર અને નર્સના ચહેરા પર સ્મિત પ્રગટાવે છે. આમ જીવનનો પ્રારંભ સ્મિતનું નિમિત્ત બને છે.
હાર્વે સર્જિત સમાઇલીને જગતના દેશોએ ટપાલ ટિકિટ પર અંકિત કર્યું છે. રાજ પુરુષો, પ્રખ્યાત કલાકારો, રાજ કુમારો અને કુંવરીઓ, બાળકો, મહિલાઓના સ્મિતથી અંકિત અસંખ્ય ટપાલ ટિકિટો જગતના દેશોએ પ્રસિદ્ધ કરી છે.
હાર્વે બોલે જે સમાઈલીનું સર્જન કર્યું હતું તેનો હેતુ પણ નસ્લ, જાતી કે ભૂગોળના ભેદ વગર જગતને સ્નેહ અને આનંદથી જોડવાનો હતો.અને એક આડ વાત. ચહેરા પર દાંત અને મોઢાના સ્નાયુઓના ખેંચાણથી વિવિધ પ્રકારના સ્મિત પ્રગટે છે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્વના દેશોએ સ્માઈલ વિશે બહાર પાડેલી ટિકિટોનો સંગ્રહ મ્યુઝિયમમાં છે. આ ટપાલ ટિકિટોમાં વિશ્વના નેતાઓના હસમુખા ચહેરા સહિતની ટિકિટોનો એક વિડીયો લોકોની જાણકારી માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ncX4zL
0 Response to "ગાંધી જયંતિની સાથે વર્લ્ડ સ્માઇલ ડેની વડોદરાના પરિવાર દ્વારા અનોખી ઉજવણી"
Post a Comment