
કોરોનાની દહેશત વચ્ચે દશેરાએ ફાફડા-જલેબીનું વેચાણ વધ્યું
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર
કોરોનાની મહામારીને લીધે લોકો મિઠાઇ ખાવાનું ટાળી રહ્યાં છે જેના કારણે અત્યાર સુધી સ્વિટમાર્ટ પર ગ્રાહકો ડોકાતાં જ ન હતાં. પણ હવે જયારે કોરોના કાબુમાં આવી રહ્યો છે ત્યારે લોકોમાં થોડોક ડર ઓછો થયો છે જેથી લોકો હવે તહેવારની ઉજવણી કરતાં ય થયાં છે. કોરોનાની દહેશત વચ્ચે દશેરાની ઉજવણી થઇ હતી.
ખાસ કરીને અમદાવાદીઓ મન મૂકીને ફાફડા જલેબીનો સ્વાદ માણ્યો હતો જેના કારણે સ્વિટમાર્ટના સંચાલકોની ધારણા કરતાં ફાફડા જલેબીનુ વેચાણ વધ્યુ હતું. કોરોનાને લીધે નવરાત્રી-દશેરાની ઉજવણી પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકયો છે પણ લોકોએ દશેરાના દિવસે ફાફડા જલેબીનો સ્વાદ માણવાની તક છોડી ન હતી.
સવારથી જ શહેરના વિવિધ વિસ્તારમાં સ્વિટમાર્ટ પર ફાફડા - જલેબી ખરીદવા લાઇનો લાગી હતી. કોરોનાના કારણે સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસટન્સ સાથે લોકો લાઇનમાં ઉભા રહ્યાં હતાં. ખાસ કરીને પેક કરીને ફાફડા જલેબીનુ ેવચાણ કરાયુ હતું. સરકારની ખાસ સૂચનાને કારણે સ્વિટમાર્ટ પર ફાફડા જલેબી ગ્રાહક ખાય નહી તેનુ ધ્યાન રખાયુ હતું.
સ્વિટમાર્ટ સંચાલકોને એવી ધારણા હતીકે, કોરોનાને લીધે આ વર્ષે ફાફડા જલેબીનુ વેચાણ માત્ર 40-50 ટકા જ રહેશે. ઓછી ઘરાકી રહેશે તેવુ માની સ્વિટમાર્ટના સંચાલકોએ પણ ફાફડા જલેબી પ્રમાણસર જ બનાવ્યા હતાં જેથી નુકશાન ન જાય પણ આ ધારણા ખોટી પડી હતી.
સ્વિટમાર્ટના સંચાલકોનુ કહેવુ છેકે, ફાફડાના કિલોના ભાવ રૂા.400થી માંડીને 500 સુધી રહ્યા હતાં જયારે ઘીની જલેબીના કિલોના ભાવ રૂા.500થી રૂા.600 સુધી હતાં. આખોય દિવસ ઘરાકી રહી હતી જેના કારણે 60-65 ટકા સુધી ઘરાકી રહી હતી. દશેરા દિવસે ઘરાકી જોઇ સ્વિટમાર્ટ સંચાલકોને આશા જાગી છેકે, દિવાળી પર મિઠાઇનુ વેચાણ વધશે. લોકડાઉન બાદ ગ્રાહકો ડોકાતાં સ્વિટમાર્ટ સંચાલકોને થોડીક રાહત થઇ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35wDqqx
0 Response to "કોરોનાની દહેશત વચ્ચે દશેરાએ ફાફડા-જલેબીનું વેચાણ વધ્યું"
Post a Comment