
કોરોના કાળમાં લગ્નના ખર્ચમાં ભાવિ દંપતિ કરકસર કરતા થયા
ભુજ, તા. 20 ઓક્ટોબર 2020, મંગળવાર
વર્ષાઋતુ પુરી થતાં જ તહેવારો અને લગ્નની મોસમ શરૂ થઈ જાય છે. દેવ દિવાળીએ તુલસીવિવાહ થયા બાદ અનેક લગ્નવાચ્છુંકો લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે. જોકે આ લગ્નની તૈયારી તો મહિનાઓ અગાઉ શરૂ થઈ જતી હોય છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે મોંઘવારી વધી છે આવી સ્થિતીમાં લગ્નપ્રસંગ પાછળ લખલુટ ખર્ચ કરવો પરવડે નહિ આથી જ હાલમાં મોટાભાગના પરિવાર ખોટા દેખાડા પાછળ પૈસા વેડફવાના બદલે વાસ્તવવાદી અભિગમ અપનાવતા થયા છે. પ્રવર્તમાન સંજોગોમાં લગ્નની તૈયારી શરૂ કરતા પુર્વ જ બજેટ નક્કી કરવામાં આવે છે. કરકસર અને થોડી બાંધછોડ કરીને લગ્નના ખર્ચને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કન્યા અને વરપક્ષ બંન્ને કરતા થયા છે.
આ બાબતે ડિઝાઈનરોના કહેવા મુજબ આધુનિક નવોઢા લગ્નના દિવસે પહેરવા સ્ટાઈલીશ છતા હળવા બ્રાઈડલ પ્રિન્ટની માંગ વધી રહી છે. વળી નવવધુઓ માત્ર લગ્નને નહિ પણ ભાવિ જીવનને ધ્યાનમાં રાખીને જવેલરી પણ પસંદ કરે છે. ઉપરાંત લગ્નના લહેંગાનો ઉપયોગ પછી કરી શકાય એ રીતે ખરીદી કરે છે. ઉપરાંત લગ્ન માટે ખરીદેલી ભારે સાડીમાંથી પછી સલવાર સુટ કે ચુડીદાર બનાવી શકાય તેવો પણ વિચાર કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે સમાજમાં વટ પડે એવા દેખાવ હેતુ ભારે ભરખમ દાગીનાથી દુલ્હનને લાદી દેવામાં આવતી. જોકે લગ્નબાદ આ દાગીના માત્ર ને માત્ર લોકરમાં મુકી દેવા પડતા પરંતુ આધુનિક સમયમાં વજનમાં હળવા મોડર્ન ડિઝાઈનના અને ક્રિસ્ટલ કે અર્ધ કિર્તિ રત્નો જડેલા આભુષણો કન્યા પસંદ કરતી હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે. ઉપરાંત હાલમાં સોનાના ભાવ આભને આંબી ગયા હોઈ અમેરીકન ડાયમન્ડની કે ચાંદી પર સોનાનો ઢોળ ચડાવેલી હોય તેવી જવેલરીની પણ માંગ વધી છે.
આગામી દેવ દિવાળી બાદ લગ્નની સીઝનમાં લગ્ન કરનારા કેટલાક યુવા કપલના કહેવા મુજબ અત્યારથી જ લગ્નના ખર્ચ બાબતે આયોજન કરી દેવાયું છે. સોનાના ભારે સેટના બદલે હળવી અને નાજુક ડિઝાઈનની જવેલરી પસંદ કરી છે. કારણ કે નાજુક જવેલરી લગ્ન બાદ પણ નાના-મોટા પ્રસંગો કે પાર્ટીમાં પહેરવાના ઉપયોગમાં આવી શકે.
ઉપરાંત લગ્નના લહેંગા સહિતની લ્ગનસરાની સાડી ખરીદીમાં ભારે ભરખમના બદલે હળવા કપડા પહેરવાનું પસંદ કરે છે. આમ લોકડાઉન બાદ યુવાવર્ગ લગ્નપ્રસંગો પાછળ ખોટા દેખાડા કરી રૂપિયાનો ધુમાડો કરવાના બદલે ભાવિ આયોજન મુજબ જ દાગીના, કપડા જેવી વસ્તુઓ ખરીદતા થયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TanHaL
0 Response to "કોરોના કાળમાં લગ્નના ખર્ચમાં ભાવિ દંપતિ કરકસર કરતા થયા"
Post a Comment