ખેડા જિલ્લાના બે અનાથ આશ્રમમાં વિશેષ કાળજીથી બાળકોથી કોરોના દૂર રહ્યો

ખેડા જિલ્લાના બે અનાથ આશ્રમમાં વિશેષ કાળજીથી બાળકોથી કોરોના દૂર રહ્યો


- નડિયાદમાં આવેલા ૧૦૦ વર્ષ જુના હિન્દુ અનાથ આશ્રમ અને ૪૦ વર્ષ જુના માતૃછાયા અનાથ આશ્રમમાં ૬૫ જેટલા બાળકો રહે છે

નડિયાદ

ખેડા જિલ્લામાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી છે, ત્યાર નવા સ્ટ્રેઈને તો બાળકોને પણ છોડયાં નથી. તેમાં જિલ્લાનાં અગણિત બાળકો પણ સંક્રમિત થયા છે, ત્યારે રામ રાખે તેને કોણ ચાખેના ન્યાયે જિલ્લાનાં અનાથાશ્રમનાં બાળકો કોરોનાથી સંપૂર્ણ મુક્ત રહ્યાં છે. એક તરફ ઝુપડપટ્ટીથી લઈ મોટા બંગલાઓના બાળકો ગમેતેટલું સાચવે તો પણ કોરોનામાં સપડાઈ રહ્યાં છે, તો બીજી તરફ અનાથ આશ્રમોમાં રહેતા બાળકો હજી સુધી સંપૂર્ણ સુરક્ષિત છે. જિલ્લાના બે મુખ્ય અનાથઆશ્રમોમાં અત્યાર સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ અનાથાશ્રમો તેમનાં બાળકોની વિશેષ કાળજી લેતાં જોવા મળી રહ્યાં છે. ખેડા જિલ્લામાં આવેલા બે અનાથાશ્રમોમાં કોરોના સામે બાળકોની રક્ષા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તેમના હેલ્થ ચેકઅપમાં વધારો કરવા સાથે પ્રવૃત્તિઓમાં પણ પરિવર્તન લાવવામાં આવ્યું છે.

 નડિયાદમાં આશરે ૧૦૦ વર્ષ જૂનું હિન્દુ અનાથ આશ્રમ અને ૪૦ વર્ષ જૂનું માતૃછાયા અનાથ આશ્રમ આવેલું છે. બન્ને આશ્રમો બારે માસ બાળકો માટેની અનેકવિધ પ્રવૃત્તિથી ધમધમતા હોય છે, પણ છેલ્લાં એક વરસથી ચાલી રહેલી કોરોના મહામારીને પગલે બન્ને આશ્રમોની પ્રવૃત્તિઓ બંધ છે. જોકે આ કપરા સમયમાં બાળકોની વિશેષ કાળજી લેવા માટેનાં વિવિધ ઉપક્રમો યોજાતા જોવા મળી રહ્યા છે.

ખેડા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના જણાવ્યા પ્રમાણે બન્ને સ્થાને મળીને આશરે ૬૫ જેટલાં બાળકો હાલ આશ્રમમાં છે. કોરોના કાળમાં  નવાં બાળકો તાત્કાલિક લેવાની સ્થિતિ આવે છે ત્યારે  પહેલાં તેમનો પૂરો મેડિકલ ચેકઅપ અને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત થોડા થોડા સમયાંતરે આશ્રમનાં બાળકોના મેડિકલ ચેકઅપ નિયમિત થઈ રહ્યા છે. દરેક બાળકનું ટેમ્પરેચર નિયમિત ચેક કરવામાં આવી રહ્યું છે. દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બાળકોને ધીમેધીમે સોશિયલ ડિસ્ટન્સિંગ શીખવવામાં આવી રહ્યું છે. બાળકોના ન્યુટ્રિશનને ધ્યાનમાં રાખીને તેમનો ખોરાક તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોરોનાની સ્થિતિને લીધે હાલમાં તમામ પ્રકારની આઉટડોર એક્ટિવિટી બંધ કરવામાં આવી છે.

આશ્રમ બહારના નાગરિકો માટે હાલ આશ્રમમાં બાળકોને મળવાની કે અન્ય કાર્યક્રમો કરવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. બાળકોને આશ્રમની અંદર જ શિક્ષણ અને મનોરંજન માટે  જે  પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

બાળકોના મનોરંજન માટે ઇન્ડોર એક્ટિવિટી વધારાઈ : સંચાલક

માતૃછાયા અનાથઆશ્રમના સંચાલક સંદીપભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે અત્યારના કપરા સમયમાં આશ્રમનો ૨૬ વ્યક્તિનો સ્ટાફ ખૂબ મહેનત કરી રહ્યો છે. બાળકોની કાળજી લેવા માટે કેરટેકર અત્યારે આશ્રમમાં જ રહે છે. ૭-૭ના ગુ્રપમાં તેઓ  ચાર અને ત્રણ દિવસ આશ્રમમાં રહે છે. બાકી દિવસ ઘરે જઈ ત્યાં પણ આપેલી ગાઈડલાઈન મુજબ વર્તી બહાર નીકળતાં નથી. બાળકોના મનોરંજન માટે ઈનડોર એક્ટિવિટી વધારવામાં આવી છે. નૃત્ય-સંગીત અને ગમ્મત સાથે જ્ઞાાન પીરસવાના ઉપક્રમ હાલમાં ચાલી રહ્યા છે.

બાળકોનું નિયમિતરૂપે ચેકઅપ કરવામાં આવે છે : સેક્રેટરી

હિન્દુ અનાથ આશ્રમના સેક્રેટરી વાસુદેવભાઈ દેસાઈએ જણાવ્યા મુજબ હાલમાં આશ્રમમાં ૪૫ બાળકો છે, જે તમામ કોરોનામુક્ત છે. નિયમિત રીતે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યું છે. કોઈને સહેજ પણ તકલીફ લાગેતો તાત્કાલિક કન્સલ્ટેશન લેવામાં આવી છે. તેમને ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે. ઉપરાંત બાળકોને સતત માસ્ક અને સેનિટાઈઝેશનની ગાઈડલાઈન પાળવાનું સમજાવવામાં આવી રહ્યું છે અને તેઓ ખૂબ સારી રીતે તે પાળી પણ રહ્યા છે. સરકારી સૂચના પ્રમાણે તો બાળકોને ઘરે મોકલવા જણાવેલું પણ અમે એકે બાળકને ઘરે મોકલ્યા નથી. હાલમાં તો બાળકોની ઘર કરતાં પણ વધારે કાળજી અહીં લેવામાં આવી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QRJ8QH

0 Response to "ખેડા જિલ્લાના બે અનાથ આશ્રમમાં વિશેષ કાળજીથી બાળકોથી કોરોના દૂર રહ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel