સિવિલમાંથી કયા દર્દીના નામે ઇન્જેકશન મેળવ્યા ? તેની તપાસ: સાંઇ દીપ હોસ્પિટલના એડમીન, સ્વીપરે 18 રેમડેસિવિરના કાળાબજાર કર્યાની કબૂલાત
જે દર્દીના નામે ઇન્જેકશન મેળવાયા તેમના સબંધીનું પોલીસને નિવેદન આપવા આનાકાનીઃ ડોક્ટરોનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરાશે
સુરત
કોરોના સક્રમિત દર્દીઓના પ્રિસ્પીક્રશનના આધારે રેમડેસિવિર ઇન્જેકશન મેળવી કાળાબજાર કરવાના પ્રકરણમાં ભેસ્તાનની સાંઇ દીપ હોસ્પિટલના એડમીને 18 ઇન્જેકશનના કાળાબજાર કર્યાની કબૂલાત કરી છે. જેને પગલે નવી સિવિલ હોસ્પિટલમાંથી કયા-કયા દર્દીના નામે ઇન્જેકશન મેળવ્યા અને દર્દીને કેટલા ઇન્જેકશનનો ડોઝ આપવામાં આવ્યો તે અંગેની માહિતી મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.
ખટોદરા પોલીસે ડમી ગ્રાહકની મદદથી રેમડેસિવિર ઇન્જેકશન ખરીદવાના બહાને છટકું ગોઠવી કાળાબજાર કરનાર વેસુની સંજીવની હોસ્પિટલના વોચમેન સુભાષ શ્રીરામસુમીરન યાદવ (ઉ.વ. 21 રહે. કીરાભાઇ પટેલના મકાનમાં, ન્યુ ભાવીદર્શન સોસાયટી, મગદલ્લા અને મૂળ. સહીજના, તા. ગુડ, જિ. રીવા, મધ્યપ્રદેશ), ભેસ્તાનની સાંઇ દીપ હોસ્પિટલમાં સ્વીપર વિશાલ રાજુભાઇ ઉગલે (ઉ.વ. 19 રહે. એ 106, સુમનધારા સોસાયટી, મગદલ્લા અને મૂળ. તાલવન, તા. બીડ, જિ. ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) અને હોસ્પિટલના એડમીન સૈયદ અઝમત અર્સનલ (રહે. રાહત સોસાયટી, ઉન પાટીયા) ને ઝડપી પાડી 8 ઇન્જેકશન કબ્જે લીધા હતા. ત્રણેયની પુછપરછ અંતર્ગત એડમીન સૈયદ અઝમલ અને સ્વીપર વિશાલ ઉગલેએ અત્યાર સુધી 18 ઇન્જેકશનના કાળાબજાર કર્યાની કબૂલાત કરી છે. જેથી નવી સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેકશનની વહેંચણી શરૂ થઇ ત્યારથી ગત રોજ સુધી સાંઇ દીપ હોસ્પિટલ દ્વારા કયા-કયા દર્દીના નામે પ્રિસ્પ્રીક્રશનના આઘારે કેટલા ઇન્જેકશન મેળવ્યા છે તે અંગેની માહિતી એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.
ઉપરાંત દર્દીઓના નામે ઇન્જેકશન મેળવ્યા બાદ કેટલા ઇન્જેકશનનો ડોઝ આપવામાં આવ્યો છે તે અંગેની પણ તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસે જે દર્દીઓને ઇન્જેકશન આપવામાં આવ્યા છે તેઓનો પણ સંર્પક શરૂ કર્યો છે. પરંતુ દર્દીના સબંધીઓ દ્વારા પોલીસને નિવેદન આપવામાં માટે આનાકાની કરવામાં આવી રહી છે. આ માહિતી મળ્યા બાદ પોલીસ દ્વારા સાંઇ દીપ હોસ્પિટલના ડોક્ટરની પુછપરછ કરવામાં આવશે.
કબ્જે લેવાયેલા રેમડેસિવિર ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાં આપવા કોર્ટનો હુકમ
સિવિલ હોસ્પિટલમાંથી દર્દી માટે મેળવેલા ઇન્જેકશનના કાળાબજાર કરનાર ભેસ્તાનની સાંઇ દીપ હોસ્પિટલના એડમીન અને સ્વીપર પાસેથી કબ્જે લેવામાં આવેલા 8 ઇન્જેકશન કોરોનાના દર્દીઓને મળી રહે તે માટે ખટોદરા પોલીસે માનવીય અભિગમ દાખવી તુરંત જ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ઇન્જેકશન ફાળવવા માટેનો હુકમ કર્યો છે. પરંતુ જે ઇન્જેકશન દર્દીઓને આપવામાં આવ્યા છે તેના નામ-સરનામા સહિતની માહિતીનો રીપોર્ટ આગામી 10 દિવસમાં પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33cqCVw
0 Response to "સિવિલમાંથી કયા દર્દીના નામે ઇન્જેકશન મેળવ્યા ? તેની તપાસ: સાંઇ દીપ હોસ્પિટલના એડમીન, સ્વીપરે 18 રેમડેસિવિરના કાળાબજાર કર્યાની કબૂલાત"
Post a Comment