
વરાછા એ.સી.સી બિલ્ડીંગના બે CA નું કારસ્તાન: કારખાનેદારના ડોક્યુમેન્ટ્સનો દુરપયોગ કરી રૂ. 20 કરોડની ક્રેડિટ મેળવી લીધી
અંકલેશ્વરમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવતા બિલ્ડરે ઇચ્છાપોરમાં ટેક્સટાઇલ યુનિટ શરૂ કરી જીએસટી નંબર મેળવવા ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા
સુરત
ઇચ્છાપોરના ટેક્સટાઇલના કારખાનેદારના નામે બોગસ પેઢીનો જીએસટી નંબર મેળવી 20 કરોડનું ટ્રાન્જ્કેશન કરી તેની જીએસટીની ઇનપુટ ક્રેડિટ મેળવી લઇ તેની સમગ્ર જવાબદારી કારખાનેદાર પર નાંખી દેનાર બે ભેજાબાજ સી.એ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ નોંધાય છે.
પાલ ગ્રીન સીટી રોડ સ્થિત પ્રથમ ગણેશા એપાર્ટમેન્ટમાં રહેતો કૃણાલ માધવજી વાઘાણી (ઉ.વ. 31 મૂળ રહે. હડમતાળા, તા. ઉમરાળા, જિ. ભાવનગર) અંકલેશ્વર ખાતે ભાગીદારીમાં બ્રહ્માણી ડેવલોપર્સ નામે કોર્મશીયલ કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે. કૃણાલે સ્વતંત્ર માલિક તરીકે ઇચ્છાપોરના આર.જે.ડી ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ પાર્કમાં ડિજીટલ ક્રીએટીવ નામે ટેક્સટાઇલનું કારખાનું શરૂ કર્યુ હતું અને મે 2018માં વરાછા પોદ્દાર આર્કેડની બાજુમાં આવેલી એ.સી.સી બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા સી.એ ભરત રૂપારેલીયા અને નરેનદ્ર ભાથાણી હસ્તક જીએસટી નંબર મેળવ્યો હતો. કૃણાલે ધંધાના ડેવલોપમેન્ટ માટે ડિજીટલ ક્રીએટીવ નામે વરાછાની સારસ્વત બેંકમાંથી 80 લાખની લોન લીધી હતી અને વર્ષ ડિસેમ્બર 2020માં લોન ભરપાઇ કરી કારખાનું બંધ કરી દીધું હતું. દરમિયાનમાં કૃણાલે ચાર મહિના અગાઉ વર્ષ 2020-21નું રીટર્ન ફાઇલ કરવા ભાવનગર ખાતે પોતાના સી.એ ને ડિજીટલ ક્રીએટીવનો જીએસટી નંબર અને બિલ સહિતના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા.
પરંતુ જીએસટીનું 26 એએ ફોર્મ મેળવતા તેમાં 20 કરોડનું ટ્રાન્જ્કેશન સહયોગ એન્ટરપ્રાઇઝના નામે હોવાનું જણાતા કૃણાલ ચોંકી ગયો હતો. કૃણાલે વકીલ હસ્તક જીએસટી નંબર બંધ કરવાની કાર્યવાહી અને પોલીસમાં અરજી કરી હતી. જેને પગલે સી.એ ભરત અને નરેન્દ્ર દોડતા થઇ ગયા હતા અને ડિજીટલ ક્રીએટીવનો જીએસટી નંબર બંધ કરાવ્યો છે અને સહયોગ એન્ટરપ્રાઇઝ નામે નવો નંબર મેળવ્યો છે એમ કહી લેટર પેડ અને સહી-સિક્કા લઇને કૃણાલને ઓફિસે મળવા બોલાવાનો પ્રયાસ કર્યો હતો.
બિલ્ડરના ઘરનું બોગસ લાઇટ બિલ બનાવી જીએસટી નંબર મેળવ્યો
કૃણાલે વાઘાણીએ ડિજીટલ ક્રીએટીવ નામે જીએસટી નંબર મેળવવા સી.એ ભરત રૂપારેલીયા અને નરેન્દ્ર ભાથાણીને ફોટો, પાનકાર્ડ, આધારકાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, કારખાનાનું લાઇટ બીલ આપ્યું હતું. પરંતુ કૃણાલે પોતાના ઘરનું લાઇટ બીલ આપ્યું ન હતું. પરંતુ બંને સી.એ દ્વારા કૃણાલના ઘરનું બોગસ લાઇટ બીલ બનાવી સમગ્ર ખેલ કરવામાં આવ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mw8v5E
0 Response to "વરાછા એ.સી.સી બિલ્ડીંગના બે CA નું કારસ્તાન: કારખાનેદારના ડોક્યુમેન્ટ્સનો દુરપયોગ કરી રૂ. 20 કરોડની ક્રેડિટ મેળવી લીધી"
Post a Comment