
સરોગસીથી સંતાન પ્રાપ્તિ માટે દબાણ થતાં ડેન્ટીસ્ટની આત્મહત્યા
રાજકોટ : રાજકોટ નજીકના કુવાડવા ગામમાં રહેતી ડેન્ટીસ્ટે સરોગસીથી સંતાન પ્રાપ્તી કરવાનો ઈનકાર કરતા આ મુદ્દે ડેન્ટીસ્ટ પતિ દ્વારા અવાર-નવાર ઝઘડા કરી અપાતા ત્રાસથી કંટાળીને આખરે ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કુવાડવા પોલીસે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી તપાસ જારી રાખી છે.
આપઘાત કરનાર ડેન્ટીસ્ટ સૈયાઝપરવીન (ઉ.વ.૩૦) મૂળ અંકલેશ્વરની વતની હતી. ૨૦૧૬ની સાલમાં તેના મૂળ મોરબીના અને હાલ કુવાડવા ગામમાં બાલાજી કોમ્પ્લેક્સમાં રહેતા ડેન્ટીસ્ટ મહમદહુશેન બાબુભાઈ જુનાણી સાથે લગ્ન થયા હતા. ગઈકાલે રાત્રે સૈયાઝ પરવીને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જાણ થતાં તેની માતા સહિતના પરિવારના સભ્યો રાજકોટ દોડી આવ્યા હતા. તેમણે પતિના ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધાનું પોલીસને જણાવી ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરમાં કપડાની દુકાન ધરાવતા સૈયાઝપરવીનના માતા શબીનાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેની પુત્રીને જમાઈ છેલ્લા ૨ વર્ષથી નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ત્રાસ આપતો હતો. તેની પુત્રીને સંતાન થતું ન હતું. જે મુદ્દે પણ જમાઈ મેણાં-ટોણાં મારી હેરાન-પરેશાન કરતો હતો.
એકાદ વર્ષ પહેલાં તેની પુત્રીનું આઈવીએફ કરાવ્યું હતું. જેને કારણે તેની પુત્રીને છ મહિના સુધી પેટમાં દુ:ખાવો રહ્યો હતો. જેને કારણે આખરે બાળક કાઢવું પડયું હતું. જેના અઢી માસ બાદ ફરીવાર તેની દીકરી પર આઈવીએફ કરાવાયું હતું. તે બાળક પણ ત્રણ મહિને મીસકેરેજ થઈ ગયું હતું.
આ રીતે તેની પુત્રીને સંતાન થતું ન હોવાથી જમાઈએ ખૂબ જ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેની પુત્રીને સરોગસીથી સંતાન પ્રાપ્તી માટે દબાણ કરતો હતો, પરંતુ આ માટે તેની પુત્રી સહમત નહીં થતાં જમાઈએ તેને ખૂબ જ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જે અંગે તેની પુત્રીએ તેને જાણ કરી હતી. આ જ કારણથી તેની પુત્રીએ ગઈકાલે રાત્રે આત્મહત્યા કરી લીધી હતી.
કુવાડવાના પીએસઆઈ મેઘલાતરે આરોપી પતિ સામે આઈપીસી કલમ ૩૦૬, ૪૯૮(ક) હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો હતો. પોલીસે જણાવ્યું કે, આ દંપતિ કુવાડવા ગામમાં સર્વોદય નામની હોસ્પિટલમાં ડેન્ટીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PNgyzd
0 Response to "સરોગસીથી સંતાન પ્રાપ્તિ માટે દબાણ થતાં ડેન્ટીસ્ટની આત્મહત્યા"
Post a Comment