મોખા ટોલ નાકા ઉપર બન્ને સાઈડ વાહનો ખડકી વિરોધ દર્શાવાયો
ભુજ
નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા દરેક વાહનોના ટોલ ટેક્સમાં ગત મોડી રાતથી ભાવ વધારાની જાહેરાત કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ખખડધજ બની ગયેલા રસ્તાઓ અને ફાસ્ટેગ હોવા છતાં વાહનના ખડકલા લાગતા હોવાની અસુવિધા વચ્ચે ભાવ વધારો માથાના દુખાવા સમાન લાગ્યો છે. કચ્છના છ જેટલા ટોલનાકા ઉપર ૪થી પ ટકા જેટલો ભાવ વધારો લાદી દેવાામાં આવ્યો છે. લોકોમાં રોષ ભભૂકી ઉઠતા મોખા ટોલનાકાથી મોખા ગામની આંટી સુધી અંદાજીત ચાર કિ.મી. સુધી વાહનોની લાઈન લાગી હતી.
એન.એચ.ઓ.આઈ દ્વારા પરિપત્ર પાઠવી અચાનક ભાવ વધારો અમલી બનાવતા જિલ્લામાં ચોમેર વિરોધનો વંટોળ ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કચ્છના મોટા ભાગના વાહનો ગત ચોમાસામાં શ્રીકાર વરસાદ બાદ બિસ્માર બની ગયા છે. આ રસ્તાની હાલત નથી સુધરતી અને ટોલ ટેક્સ મસમોટા વસુલી લેવામાં આવે છે. અવારનવાર ટોલ પ્લાઝા પર વાહનોના ખડકલા લાગતા હોય છે. ત્યારે અસુવિધા વચ્ચે ટોલના ભાવમાં વધારો કરાતા વિરોધ થઈ રહ્યો છે.
છેવાડાના કચ્છના સુરજબારી, માખેલ, સામખિયાળી, મોખા, લાખોંદ અને દેશલપર ટોલ પ્લાઝા પર ભાવ વધારો થતા વાહન ચાલકોમાં નારાજગી પ્રસરી છે. ફોર વ્હીલર કારને નેશનલ હાઈવેના સુરજબારી, માખેલ, સામખિયાળી ટોલા પ્લાઝા પર રૂપિયા ચૂકવવા પડે છે. ત્યારે ટ્રાન્સપોર્ટ પ્લાઝાને તમામ ટોલ પ્લાઝા પર નાણા ચૂકવવા પડે છે.
ભાવ વધારાના વિરોધમાં મોખા ટોલનાકે અનેક ચાલકોને પોતાના વાહનો થંભાવી દેતા બન્ને બાજુએ વાહનોની લાંબાી લાઈન લાગી ગઈ હતી અને તાત્કાલિક અસરથી બંદરીય વેપાર સાથે સંકડાયેલા પરિવહનકારોએ નાકા પર ધસી જઈ હાઈવે ઓથોરીટીના સક્ષમ અધિકારીઓ સાથે વાટા ઘાટનો દોર આરંભ્યો હતો. જાણકારોના કહેવા મુજબ ખાસ કરીને હાઈવે ઓથોરીટીના મનસ્વી વલણ થકી મુંદરા પોર્ટ સાથે સંકળાયેલા ભારે વાહનો મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા છે. જો કે રાહત અંગે યોજાયેલી બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39FQrko
0 Response to "મોખા ટોલ નાકા ઉપર બન્ને સાઈડ વાહનો ખડકી વિરોધ દર્શાવાયો"
Post a Comment