
મહાશિવરાત્રિ પર્વની ઉમંગ અને આસ્થાભરી ઉજવણી : ભક્તો શિવમય થઇ ધન્ય બન્યા
સુરેન્દ્રનગર, થાન : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ દેવોના દેવ એવા મહાદેવનો તહેવાર એટલે કે મહાશિવરાત્રીની ભક્તીભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમ ખાતે આવેલ ધોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે યોજાતો પરંપરાગત લોકમેળો મોકુફ રાખવામાં આવ્યો હતો પરંતુ મંદિરમાં સાદગીપૂર્ણ રીતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં મહાશિવરાત્રીની ઉજવણી હાથધરવામાં આવી હતી જેમાં શહેરના ધોળીધજા ડેમ ખાતે ધોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો કોરોના મહામારીના કારણે મોકુફ રાખવામાં આવ્યો હતો. જ્યારે મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે દર્શનની વ્યવસ્થા શરૂ રાખવામાં આવી હતી જેમાં કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું તેમજ મંદિરમાં શિવપુજા, આરતી, ભાંગ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં જેનો મોટીસંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે શહેરી વિસ્તારોમાં આવે હાટકેશ્વર મહાદેવ, અણઘટનાથ, નિલકંઠ, કામનાથ, રામેશ્વર, કોઠારીયા રોડ પર આવેલ સ્ફટીક મહાદેવ, ઝરીયા મહાદેવ સહિતના શિવ મંદિરોમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતાં આમ ઝાલાવાડમાં મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે જીલ્લાના થાન તાલુકામાં પણ મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં થાન પંથકના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને આરતી, મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતાં. જ્યારે લખતર શહેર અને તાલુકામાં આવેલ તમામ શિવાલયોમાં પણ દર્શનાર્થીઓની ભીડ જામી હતી જેમાં નિલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, બહુચરેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં બપોરે ૧૨-૦૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આરતી બાદ ભક્તજનોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરાયું હતું. જ્યારે નિલકંઠ મહાદેવ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી તેમજ સદાદ ગામની સીમમાં આવેલ ઉંટેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.
0 Response to "મહાશિવરાત્રિ પર્વની ઉમંગ અને આસ્થાભરી ઉજવણી : ભક્તો શિવમય થઇ ધન્ય બન્યા"
Post a Comment