ડીસાના રાજપુર લોધવાસ વિસ્તારના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર
ડીસા, તા.04 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પરંતુ ડીસાના અમુક વોર્ડમાં વિકાસના કામો ના થતાં સ્થાનિક લોકો આગામી સમયમાં યોજવા જઇ રહેલ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે જે પણ કોર્પોરેટરો મતની માંગણી કરવા આવશે તે કોર્પોરેટરોએ પહેલા સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે તો જ આ વિસ્તારના મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગી ગયા છે. અને આગામી ૨૮ તારીખે ચૂંટણી યોજાનારી છે. ત્યારે ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત નગરપાલિકાની પાંચની ટર્મમાં ડીસા નગરપાલિકામાં ભાજપની બોડીએ સુકાન સંભાળ્યું હતું. જેમાં ડીસામાં ભાજપ પાર્ટીમાં આ પાંચ વર્ષના સાશનકાળ દરમ્યાન અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક વિખવાદના કારણે સ્થાનિક લોકોએ પાંચ વર્ષ સુધી અનેક સમસ્યાઓથી હેરાન પરેશાન થવું પડયું હતું. ત્યારે વાત કરવામાં આવે તો ડીસાના રાજપુર વિસ્તારમાં આવેલ લોધાવાસમાં છેલ્લા ઘણા સમયથી રોડ, ગટર તેમજ પાણીની સમસ્યાનું પાંચ વર્ષ સુધી કોઈ જ નિરાકરણ ન આવતાં સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આ વિસ્તારમાં આજદિન સુધી કોઈ જ પ્રકારના વિકાસના કામ કરવામાં આવ્યા નથી. જેના કારણે આજેપણ આ વિસ્તારમાં ચારેબાજુ ગંદકી અને પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ વિસ્તારના લોકો બહિષ્કાર કરી રહ્યા છે.
ડીસા નગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક વિકાસના મુદ્દાઓને લઇ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, ડીસાના વોર્ડ નંબર-૯માં સ્થાનિક ઉમેદવાર હોવા છતાં આજદિન સુધી આ વિસ્તારની મુલાકાત લીધી નથી. આ વિસ્તારમાં ગંદકી પાણી અને રસ્તા બનાવવા બાબતે ચૂંટાયેલા ઉમેદવારોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી આ વિસ્તારમાં કોઇ પણ વિકાસના કામ કરવામાં આવ્યા નથી.
ડીસા પાલિકા પાંચ વર્ષમાં અનેક વિવાદોમાં રહી
બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિવાદોમાં રહી છે અને આ વિવાદના કારણે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં સ્થાનિક લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવાનુંએ રહ્યું કે, આગામી સમયમાં ફરી ભાજપ સત્તા પર આવે છે કે અનેક વિવાદોના કારણે કોંગ્રેસ બાજી મારી જાય છે. તે તો આવનારા સમયમાં નગરપાલિકાના પરિણામો આવ્યા બાદ જ જાણવા મળશે.
ચાલુ ટર્મમાં 500 વખત પાણીની ફરિયાદો કરી
આ વિસ્તારમાં આજે પણ એવા કેટલાય શ્રમજીવી પરિવારો રહે છે કે, તેમણે પાંચ વર્ષમાં પોતાના વિસ્તારમાં ગટર કે રોડની વ્યવસ્થા મળી નથી. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે માત્ર એક જ પાણીની ચકલી હોવાથી પાણી ભરવા માટે મહિલાઓને હેરાન પરેશાન થવું પડે છે. જ્યારે આ બાબતે અનેકવાર નગરપાલિકા તેમજ સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ જ પ્રકારના કામો ન કરવામાં આવતા આખરે આ વિસ્તારના લોકો આગામી સમયમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં રોષ ઠાલવી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oRsfQK



0 Response to "ડીસાના રાજપુર લોધવાસ વિસ્તારના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર"
Post a Comment