આણંદની છ પાલિકાની ચૂટણીમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો : પક્ષો મૂંઝવણમાં

આણંદની છ પાલિકાની ચૂટણીમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો : પક્ષો મૂંઝવણમાં


- કેટલાક જૂનાજોગીઓ દ્વારા ભાજપ સમર્પિત વોર્ડમાં મળતિયાઓને ગોઠવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું

આણંદ,તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરુવારી


આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ૬ નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી તા.૨૮ ફેબુ્રઆરીના રોજ યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોને લઈ નવી પોલીસીની જાહેરાત કરાતા કેટલાક જુનાજોગીઓ દ્વારા ભાજપ સમર્પિત વોર્ડમાં પોતાના સગા કે મિત્ર મંડળમાં ટિકિટની ફાળવણી કરવામાં આવે તે માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. હાલ તો રાજકીય પક્ષો સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા મથામણ કરી રહ્યા છે.

આગામી તા.૨૮મી ફેબુ્રઆરીના રોજ યોજાનાર સ્થાનિક  સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ૪૨, તાલુકા પંચાયતની ૧૯૬ અને છ નગરપાલિકાની ૨૫૦ બેઠકો ઉપર ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત કોંગ્રેસ તેમજ ભાજપ પક્ષ દ્વારા સંભવિત દાવેદારોની યાદી તૈયાર કરી દેવાઈ છે. કોંગ્રેસ દ્વારા રાજકીય આગેવાનો અને તાલુકા પ્રમુખ સાથે વાત કરી ઉમેદવારની પસંદગી અંગે કામગીરી હાથ ધરાઈ છે જ્યારે ભાજપ દ્વારા યાદી તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવામાં આવી છે. જો કે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકાઓની બેઠક ઉપર સંભવિત યાદી પણ જાહેર કરવામાં ન આવતા નગરજનોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કોની સાથે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. 

જેને લઈ ભાજપ તેમજ કોંગ્રેસના ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો પણ અસમંજસમાં જોવા મળી રહ્યા છે.

આણંદ, ઉમરેઠ, પેટલાદ, ખંભાત, બોરસદ અને સોજિત્રા નગરપાલિકાની ચૂંટણીમાં દરેક વોર્ડની ચાર બેઠકો માટે દાવેદારોનો રાફટો ફાટયો છે અને પક્ષના કાર્યકર્તાઓ પણ પોતાને ટીકીટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે ભાજપ દ્વારા નવી પોલીસી અંતર્ગત છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા તેમજ ૬૦ વર્ષથી ઉપરના અને સંગઠનમાં હોદ્દો ધરાવતા કાર્યકર્તાને સગાને ટિકિટ નહી આપવા નિર્ણયને લઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની બેઠક ઉપર નવા ઉમેદવારો મેદાનમાં જોવા મળવાની શક્યતાને લઈ યુવા કાર્યકરોમાં અનેકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાજપ માટે કેટલાક વોર્ડમાં ઉમેદવારોની પસંદગી કરવી મુશ્કેલ

આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧,૨,૩,૪, ૫ અને ૬માં તેમજ વોર્ડ નં.૧૨ અને ૧૩માં કોંગ્રેસ તેમજ અપક્ષોનું પ્રભુત્વ હોઈ ભાજપ દ્વારા આ વખતે નવા ઉમેદવારોમાં કોની પસંદગી થાય છે તે તરફ સૌની મીટ મંડાઈ છે. આણંદ શહેરના મધ્ય ઝોનમાં ભાજપનું વર્ચસ્વ હોઈ આ વિસ્તારમાં યુવા કાર્યકરને ટિકિટ અપાય તો પણ કોઈ તકલીફ પડશે નહી પરંતુ લઘુમતી મતોનું મહત્વ ધરાવતા વોર્ડોમાં સક્ષમ ઉમેદવાર ક્યાંથી લાવવા તે પ્રશ્ન હાલ તો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા કેટલાક ભાજપી ઉમેદવારોને નવી પોલીસને લઈ ટિકિટ મળવાની સંભાવના ઓછી છે ત્યારે આ વિસ્તારમાં બેઠક જાળવી રાખવા માટે સંગઠન દ્વારા યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ગડમથલ કરવામાં આવી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jfYW9y

0 Response to "આણંદની છ પાલિકાની ચૂટણીમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો : પક્ષો મૂંઝવણમાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel