પંચાયતોની ચૂંટણીમાં 'મનપા વાળી' તો નહીં થાય ને?: ભાજપમાં દોડધામ
અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પેજ સમિતીની ફોર્મ્યુલા સદંતર ફેઇલ થઇ છે. મહાનગરપાલિકાની ચૂંટણીનું મંગળવારે પરિણામ છે ત્યારે હવે પંચાયતોની ચૂંટણીમાં ય મનપાવાળી ન થાય તેવા ભયથી ભાજપના નેતાઓ અત્યારથી ગામડાઓ ખૂંદવા માંડયા છે.
એટલું જ નહીં, પંચાયતોની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ભાજપે નવી સ્ટ્રેટેજી ઘડવી પડી છે. પેજ પ્રમુખ- પેજ સમિતીઓના જોરે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિધાનસભાની 182 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ પેજ સમિતીની ફોર્મ્યુલાનો ફુગ્ગો ફુટી ગયો હતો.
અમદાવાદ શહેરમાં તો એટલું કંગાળ મતદાન રહ્યુ હતું કે,પેજ પ્રમુખો કયાંય ડોકાયાં ન હતાં. કંગાળ મતદાનને પગલે ખુદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મેદાને ઉતરવુ પડયુ હતું અને ભાજપના નેતાઓને ફોન કરીને સૂચના આપવી હતી જેથી છેલ્લા બે કલાકમાં મતદાનની ટકાવારી સુધરી હતી.
ઓછા મતદાને ભાજપના નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે. હવે ગામડાઓમાં પણ મતદાન ઓછુ થવાની દહેશત ભાજપને સતાવી રહી છે. શહેરોમાં તો ભાજપનો મતદારો પર પ્રભુત્વ છે પણ હજુય ગામડાઓમાં મતદારો ભાજપથી ખુશ નથી.
તે જોતાં ગામડાઓમાં હવે મતદાન વધુ થાય તે માટે ભાજપે ધારાસભ્યો અને સાંસદોને જવાબદારી સોંપી છે. એટલું જ નહીં, પેજ સમિતીના આયોજનને વધુ સુદઢ બનાવ્યુ છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓછા મતદાનની સીધી અસર પાલિકા-પંચાયતોની ચૂંટણી પર પડી શકે છે.
જોકે,ભાજપના નેતાઓને એવો વિશ્વાસ છેકે, મહાનગરપાલિકામા પ્રચંડ વિજય થયાં ગામડાઓમાં તેની હકારાત્મક અસર પડશે. બીજી તરફ, પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ગત વખતની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારી ઘટે તેવી શક્યતા જોવાઇ રહી છે જેથી અત્યારથી જ ભાજપના નેતાઓ ગામડે ગામડે ફરતાં થયાં છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NRk8H4
0 Response to "પંચાયતોની ચૂંટણીમાં 'મનપા વાળી' તો નહીં થાય ને?: ભાજપમાં દોડધામ"
Post a Comment