સામખિયાળીમાં ડિઝલ ચોરીનો વીડીયો વાયરલ થતાં જ તંત્ર હરકતમાં

સામખિયાળીમાં ડિઝલ ચોરીનો વીડીયો વાયરલ થતાં જ તંત્ર હરકતમાં

- વીડીયો ઉતારનાર પંજાબી ટ્રક ડ્રાઈવરને ઉતારવો હોય એટલો વીડીયો ઉતારવા ચોરોનું આહ્વાન



ગાંધીધામ, તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

કચ્છમાં પ્રવેશતા સામખિયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે હાઈવે હોટલોમાં ઉભા રહેતા ટ્રક ડ્રાઈવરોની ગાડીઓમાંથી ડિઝલ ચોરી કરવાનું કારસ્તાન છેલ્લા લાંબા સમયથી ચાલ્યું આવે છે. આવી જ એક ઘટનાનો એક હરિયાણવી-પંજાબી ડ્રાઈવર દ્વારા વીડીયો ઉતારી લઈ તે વાયરલ કરવામાં આવતાં તંત્ર હરકતમાં તો આવ્યું છે પરંતુ ડિઝલ ચોરોના સ્પષ્ટ દેખાતા ચહેરા પછી પણ કોઈની અટકાયત થઈ નથી. નવાઈની વાત એ છે કે, આ ડિઝલ ચોરો સ્થાનિકના જ હોવા છતાં તેમાન વિરુધ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

ગત ર૪ કલાકથી વાયરલ થયેલા વીડીયો અનુસાર, ઉત્તર ભારતમાંથી માલ-સામાન ભરીને કચ્છ આવતી ટ્રકો પૈકી એક ચોક્કસ હોટલ કે જેનું નામ વીડીયોમાં ચારેક વખત દર્શાવવા-બોલવામાં આવ્યું છે ત્યાં ઉભી રહેતાં, અમુક ચોક્કસ સ્થાનિકો દ્વારા ૩પ લીટરના એકથી વધુ કેરબાઓમાં ડિઝલ ટાંકીમાંથી ચોરી કરાતી નજરે ચડે છે.

હદ તો એ છે કે, ટ્રકના ક્લીનર દ્વારા મોબાઈલ મારફતે વીડીયો ઉતારવામાં આવતો હોવા છતાં આ ચોરોને જાણે કોઈ ભય ન હોય એમ તેઓ કચ્છ ભાષામાં કહેતા સંભળાય છે કે, ઉતાર-ઉતાર, આ તો રોજનું છે, અમને કોણ રોકશે આ બધું કરતાં. આમ, આ ડિઝલ ચોરોને જાણે કોઈનો ભય જ ન હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે આ વાયરલ થયેલા વીડીયોમાં. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આવતી અને બહાર જતી ટ્રકોમાંથી માલસામાન, બેટરી, ટાયર વગેરેની ચોરી થવી આ માર્ગ પર રોજીંદી ઘટનાઓ છે અને છતાં પોલીસ દ્વારા આ સબંધે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.

હાઈવે હોટલો આ બધી કારસ્તાની માટે સોફ્ટ ટાર્ગેટ હોવા છતાં પોલીસનું નબળું અને નિર્માલ્ય પેટ્રોલીંગ આવા તત્વોને જાણે અગમ્ય રીતે બળ પુરું પાડે છે. એવું નથી કે પોલીસ આ તત્વો વિષે જાણકારી ધરાવતી નથી પરંતુ ગમે તે કારણોસર પોલીસનું મૌન આવા તત્વોને પોરષાવે છે તે પણ એક કડવી હકિકત છે. વીડીયોમાં ડિઝલ ચોરોના ચહેરાઓ તથા ડિઝલથી ખરડાયેલા હાથ સ્પષ્ટ દેખાતા હોવાથી હવે આ વિરુધ્ધ પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OMu4lR

0 Response to "સામખિયાળીમાં ડિઝલ ચોરીનો વીડીયો વાયરલ થતાં જ તંત્ર હરકતમાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel