
મહેસાણા: પ્રદૂષણપરાની સમસ્યાનો અંત ક્યારે? રોડ, પાણીની સુવિધા જ નથી
મહેસાણા,તા.07 ફેબ્રુઆરી 2021, રવિવાર
મહેસાણા નગર પાલિકાના વોર્ડ નં.૧૧માં પ્રદૂષણ પરૃ આવેલું છે. આ પરામાં ગરીબ અને મજુરવર્ગવાળા પરિવારો વસવાટ કરે છે. આ પરિવારો છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી અહી વસવાટ કરે છે. છતાં પાલિકા દ્વારા અપાતી પ્રાથમિક સુવિધાથી આજે પણ વંચિત રહેવા પામ્યા છે. અહીં છાપરામાં વસવાટ કરતા ૩૦૦થી વધુ છાપરામાં વિજળી તો છે પણ નળ કનેક્શન નથી અને જેના મકાનમાં નળ છે ત્યાં આ રહીશોએ પાણી ભરવા જવું પડે છે. ચુંટણી ટાણે નેતાઓ વોટ માંગવા અહી આવી પ્રદૂષણપરાને સુવિધાસભર બનાવવાની વાતો કરે છે. પણ ચુંટણી પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં એકપણ નેતા પાંચ વર્ષ સુધી ડોકાતો નથી.
મહેસાણાના પરા વિસ્તારથી સાંઈબાબા મંદિર તરફ જતા માર્ગ પર પ્રદૂષણ પરૃ આવેલું છે. અહી ઠાકોર, દેવિપૂજક સહિત તમામ સમાજમાં લોકો વસવાટ કરે છે. અહીં વસતા લોકો મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અહીં ભુગર્ભગટર નથી, સ્ટ્રીટલાઈટ નથી, ૨૦૦થી વધુ છપરામાં પાણીના નળ કનેક્શન નથી, રોડ નથી જેથી પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠલ નળ કનેક્શનો આપ્યા છે પરંતુ મહેસાણાના પ્રદૂષણ પરામાં આજેપણ કેટલાય છાપરામાં નળ કનેક્શન નથી અને જે એક કનેક્શન હતું તે પણ બે માસથી બંધ છે. જેથી રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ ઉપરાંત ખારી નદીને અડીને આવેલો વિસ્તાર હોઈ ચોમાસામાં પરા તળાવનું ઓવરફ્લો થયેલ પાણી પ્રદૂષણ પરામાં ફરી રહેતા ૨૦૦થી વધુ છાપરામાં પાણી ઘુસી જતા હોય છે. જેથી આ ગરીબ પરિવારોને અન્ય જગ્યાએ ચોમાસામાં આશરો લેવાની ફરજ પડતી હોય છે.
પીવાના પાણી માટે વલખા મારવા પડે છેઃ રહીશ
આ અંગે પ્રદૂષણ પરામાં રહેતા પ્રેમાભાઈ ફકીરભાઈ દેવિપૂજકે જણાવ્યું હતું કે છેલ્લા ૩૦થી વધુ વર્ષથી અહી વસવાટ કરીએ છીએ. છતાં આજદિન સુધી અમારા છાપરામાં નળનું કનેક્શનની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી નથી કે અન્ય કોઈ સુવિધા પણ નથી કરવામાં આવી. ચુંટણી સમયે નેતાઓ અમને પાણી, રોડ, સ્ટ્રીટલાઈટના માત્ર ઠાલા વચનો જ આપતા આવ્યા છે. જે આજદિન સુધી વચનો પુરા થયા નથી.
ચોમાસામાં કમર સુધી પાણી ભરાઈ જાય છે
આ અંગે સ્થાનીક રહીશ શ્રધ્ધાબેન ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષોથી અહીં ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાથી રહીશો પિડીત છે અને ચોમાસામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડે એટલે અહી કેડ સમા પાણી ભરાઈ જતા હોય છે. જેથી રહીશોને બેથી ત્રણ દિવસ પાણી ન ઉતરે ત્યાં સુધી છાપરામાં પુરાઈ રહેવાની ફરજ પડતી હોય છે. પાલિકા દ્વારા આજદિન સુધી અમારી આ વિસ્તારની સમસ્યાનું સમાધાન લાવવામાં નથી આવ્યું.
ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા
વોર્ડ નં.11માં કેટલીક જગ્યાએ આંતરે દાડે ભુગર્ભગટર ઉભરાવાની સમસ્યાથી પણ સ્થાનીક રહીશો તો રસ્તા પરથી નીકળતા વાહન ચાલકો પરેશાન બનતા હોય છે. પાલિકામાં આ અંગે રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નથી આવ્યું. જેને લઈ રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે.
સાંઈબાબા વિસ્તારની ૩૦થી વધુ સોસાયટીમાં નર્મદાનું પાણી નથી મળતું
આ મામલે સ્થાનીક રહીશના જણાવ્યા મુજબ મહેસાણા પાલિકાના અન્ય વિસ્તારો અને વોર્ડમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે તે પણ આજદિન સુધી વોર્ડ નં.૧૧ના સાંઈબાબા મંદિર વિસ્તારની ૩૦થી વધુ સોસાયટીઓ નર્મદાના પાણીથી વંચિત રહેવા પામી છે. રહીશો ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36RahHU
0 Response to "મહેસાણા: પ્રદૂષણપરાની સમસ્યાનો અંત ક્યારે? રોડ, પાણીની સુવિધા જ નથી"
Post a Comment