વોર્ડ નં. 3ની આગવી ઓળખ બનવાને બદલે અન્ડર બ્રીજ બની રહ્યો છે 'સ્લીપબ્રીજ'
- 40 સોસાયટીઓના રહેવાસીઓ માટે માથાના દુઃખાવારૂપ બની રહેલા અન્ડર બ્રીજને કારણે અનેક વાહનો સ્લીપ થાય છે, લોકોના હાડકા ભાંગે છે છતાં પ્રશ્ન યથાવત
- વોર્ડમાં વિકાસ કામોની દરખાસ્ત કરવામાં આવે તો તેને હમેંશા રાજકીય ચશ્માથી જોવામાં આવતી હોવાનો રહિશોનો આક્ષેપ
- જંકશન મેઈન બજારમાં ટ્રાફિકનો પ્રશ્ન રોજીંદો, આજી નદીનાં કાંઠાની સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ કાયમી સમસ્યા
- પાયાની સુવિધાથી નાગરીકો વંચિત રહ્યા હોવા છતાં નવા વિસ્તારો ઉમેરાતા રાજકોટના સૌથી મોટા વોર્ડ ગણાતા વિસ્તારની હાલત બનશે વધુ જટીલ

રાજકોટ, તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
રાજકોટ શહેરનો સોૈથી વધુ મતદારો ધરાવતો અને ભોૈગોલિક વિસ્તારની દષ્ટીએ પણ મોટો વિસ્તાર ધરાવતો વોર્ડ - નં ૩ સતત રાજકીય હુંસાતુસીનો ભોગ બનતો આવ્યો છે પરિણામે આ સોૈથી મોટા વોર્ડનાં લોકોને સમસ્યાઓથી પીડાઈ રહયા છે. જયાં માનવી ત્યાં વિકાસ આવા રુપાળા સૂત્રો સભાઓમાં જોરશોરથી પોકારવામાં આવે છે પણ આ વોર્ડમાં ગ્રાઉન્ડ રિયાલીટી કઈંક અલગ જ જોવા મળે છે. આ વોર્ડમાં રોડ, રસ્તા, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓથી પણ લોકો વંચિત છે.
રૈયા નાકા ટાવરથી માંડી માધાપર - મનહપુર ગામ સુધીનો વિસ્તાર હવે વોર્ડ નં - ૩ માં આવરી લેવામાં આવ્યો છે. ગત ચૂંટણી વખતે પણ નવા સિમાંકનને કારણે કેટલોક નવો વિસ્તાર ભળ્યો હતો અને આ વર્ષે પણ માધાપર સહિતનાં ગામો ભળતા ૧પ નવા બુથ એટલે કે ૧પ હજાર જેટલા નવા મતદારોનો સમાવેશ થતા કુલ મતદારો ૭૬૯૪૧ થયા છે. રાજકોટનો સોૈથી વધુ મતદારો ધરાવતો આ વોર્ડ છે. આ વોર્ડની તાસીર એવી છે કે કોઈ એક જ્ઞાાતિનું પ્રભુત્વ નથી પણ લોહાણા, ઓબીસી, સિંધી, ક્ષત્રિયો, વાલ્મીકી સહિતનાં લોકોની વસતી વધારે છે.
વોર્ડ નં ૩ એ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. આ વખતે આ ગઢનાં કાંગરા ખરશે કે કોંગ્રેસ ગઢ જાળવી શકશે તે તો પરિણામનાં દિવસે જ ખબર પડશે પરંતુ ગત ટર્મમાં આ વોર્ડમાંથી ચારેય કોર્પોરેટર કોંગ્રસનાં ચૂંટાયા હતા. રાજકોટ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હતુ. સ્થાનિક વોર્ડનાં કેટલાક લોકો સાથે વાત કરતા એવું જાણવા મળ્યુ હતું કે આ વોર્ડમાં રોડ, રસ્તા કે અન્ય કોઈ પણ વિકાસ કામોની દરખાસ્ત કરવામાં આવે તો તેને હમેંશા રાજકીય ચશ્માથી જોવામાં આવતી હતી. કોર્પોરેશનનાં સતાધિશો કામોમાં કિન્નાખોરી રાખતા હોવાની ફરિયાદો સાંભળવા મળી હતી.
રેલનગરનો અન્ડર બ્રીજ આ વિસ્તારની સોૈથી મોટી સમસ્યા છે. આશરે ૪૦ જેટલી સોસાયટીઓનાં લોકો માટે અવર - જવર માટે આ બ્રીજ એક જ માર્ગ છે. રેલવે અને કોર્પોરેશન વચ્ચે સંકલનનાં અભાવથી વર્ષો સુધી આ બ્રીજનાં કામમાં વિલંબ થયો એટલુ જ નહી આશરે રપ કરોડનાંખર્ચે બનાવાયેલા આ બ્રીજ સ્લીપ બ્રીજ તરીકે જાણીતો બન્યો છે. પાંચેક વર્ષ પહેલા તૈયાર થયેલા આ અન્ડર બ્રીજમાં છ થી સાત મહિના સુધી પાણી ભરાયેલા રહયા છે. રોજ વાહન ચાલકો સ્લીપ થાય છે અને હાથ - પગ ભાંગે છે છતાં રેલવે કે કોર્પોરેશને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવતુ ન હોવાનું આ બ્રીજ નજીક આવેલી સોસાયટીઓનાં રહિશોએ જણાંવ્યુ હતુ.
આવી જ હાલત પોપટપરા નાલાની છે. ચોમાસામાં આ નાલુ ભરાઈ જવુ એ સામાન્ય બની ગયુ છે. હજારો લોકો વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહયા છે છતાં તે પ્રશ્ન ઉકેલાતો નથી. નરસંગપરા , જુની કલેકટર કચેરીથી માંડીને રુખડીયા પરા અને પોપટપરા તરફની આજી નદીનાં કાંઠે આવેલી સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ એક મોટી સમસ્યા છે. હજારો લોકોનાં આરોગ્યને સ્પર્શતો આ પ્રશ્ન વર્ષોથી અધ્ધર તાલ છે. સાફ સફાઈ પણ નિયમીત થતી નથી.
જંકશન પ્લોટ મેઈન રોડ અને શાક માર્કેટમાં ટ્રાફિક સમસ્યા એ રોજીંદી બની છે. આ વિસ્તારનાં વેપારીઓએ જણાંવ્યુ હતું કે સાંજના સમયે તો બજારમાંથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે. આ વિસ્તારની મુલાકાત લેતા કેટલીક મહિલાઓએ એવો આક્રોશ વ્યકત કર્યો હતો કે શાક માર્કેટમાં ટ્રાફિક ઉપરાંત ચોરીની ઘટનાઓ પણ વારંવાર બને છે. છેડતીનાં બનાવો પણ બની રહયા હોવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O0ye9d



0 Response to "વોર્ડ નં. 3ની આગવી ઓળખ બનવાને બદલે અન્ડર બ્રીજ બની રહ્યો છે 'સ્લીપબ્રીજ'"
Post a Comment