રાજકોટમાં ભાજપે નિયમોની ધજ્જીયા ઉડાડવામાં મેળવી જીત!

રાજકોટમાં ભાજપે નિયમોની ધજ્જીયા ઉડાડવામાં મેળવી જીત!

- ખુદ ભાજપ સરકારના નિયમો તેના જ પક્ષના નેતાઓ બનાવે મજાકરૂપઃ બહુમાળી ભવને રસ્તો રોક્યો, ડિસ્ટન્સનો ભંગ,ફોર્મ ભરવા ટોળાશાહી 


રાજકોટ,તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

કોરોના હજુ ગયો નથી તેથી દવાઈ ભી અને કડાઈ ભી એવું આમ લોકો નહીં, વડાપ્રધાન કહે છે અને સરકારના ઉચ્ચ અમલદારો કોરોના સંક્રમણ રોકવા નિયમોની હારમાળા સર્જીને જાહેરનામા જારી કરે છે, પાંચ-સાત જણા ભેગા થાય તોય ડિસ્ટન્સના ભંગનો ગુનો પણ નોંધાય છે તે સ્થિતિમાં આજે રાજકોટમાં ખુદ ભાજપના જ નેતાઓએ મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા બહુમાળી  ભવન ખાતે એકઠાં થઈને ખુલ્લેઆમ કોરોના નિયમોના ધજ્જીયા ઉડાડયા હતા. ચૂંટણી પહેલા જ સૌથી વધુ નિયમો તોડનાર તરીકે ભાજપ જીત મેળવી છે! ભાજપના પગલે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો અને સરકારી કચેરીઓ તથા નાગરિકોમાં પણ નિયમભંગ સામાન્ય  બનવા લાગ્યો છે.

ભાજપના ૭૨ ઉમેદવારોને ચૂંટણીમાં ઝંપલાવવા દરખાસ્ત મુકનાર, ટેકો આપનાર સહિત કૂલ ૨૧૬ લોકોની જ જરૂર નિયમો અનુસાર છે. આ ૨૧૬ની સંખ્યા પણ છ જુદી જુદી કચેરીએ રાખેલા સ્થળોએ હોવી જોઈએ પરંતુ, ટોળાશાહી દર્શાવીને  'લોકો જુઓ અમે એવા તાકાતવાળા છીએ કે ગમે તેવા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીએ અને પોલીસ,પ્રશાસન તમાશો જોવા સિવાય કાંઈ કરે નહીં' આવો મેસેજ લોકોને આપવો હોય તેમ આજે બહુમાળી ભવન ખાતે અને  શિસ્તના  આગ્રહી સરદાર પટેલની પ્રતિમા પાસે જ નિયમો નેવે મુક્યા હતા.

ભાજપે નિવાર્ય છતાં તોડેલા નિયમોમાં (૧) રેસકોર્સ રીંગરોડ પરનો આ ધમધમતો ચોકમાં જ મંડપો નાંખીને વાહન વ્યવહાર માટે બે સાઈડના રીંગરોડનો એક ભાગ સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. વાહનચાલકોને હાલાકી થઈ હતી. પોલીસના ચોપડે કોઈ પણ માર્ગ પર આવાગમન અટકાવવું તે નિયમભંગ છે. ભાજપ તેના બદલે આ જ ચોકની બાજુમાં રેસકોર્સ મેદાનમાં ડિસ્ટન્સ રાખીને ભેગા થઈ શક્યા હોત. 

(૨) તા.૧-૨-૨૦૨૧થી તા.૨૮-૨-૨૦૨૧ સુધી શહેરમાં ૪ કે ૪થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર તેમજ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેવા કોઈ પણ પ્રકારના આયોજન પર પોલીસ કમિશનરે ભારત સરકાર અને ગુજરાત સરકારના હૂકમ અન્વયે પ્રતિબંધ લાદેલા છે જે આજે તા.૫-૨-૨૦૨૧ના અમલી છે  તે જાણવા સમજવા છતાં તેનું ચૂસ્ત પાલન કરવા પ્રયાસ થયો નથી. (માત્ર ઉમેદવાર દીઠ ત્રણ વ્યક્તિ અને માર્ગદર્શન માટે અન્ય ૨ રાખીએ તોય પાંચ વ્યક્તિઓ ફોર્મ ભરી શકતા હતા)

(૩) નાક-મોં ઢંકાય તે રીતે જાહેરમાં માસ્ક નહીં પહેરનારને રૂ।.૧૦૦૦ના દંડનું પ્રાવધાન છે, તો ડિસ્ટન્સ ન જળવાય તો પોલીસ અટકાયત કરે છે પરંતુ, આજે અનેકના ચહેરા પર માસ્ક નાક ખુલ્લુ રહે તેમ હતા તો ડિસ્ટન્સનો ભંગ છતાં એકેય સામે ગુનો નોંધી અટક કરવાનું (જેમ ખેડૂત આંદોલન વખતે સાત ભેગા થયા અને ગુનો નોંધાયો તે રીતે!) તો દૂર  પોલીસે ભાજપ કે કોંગ્રેસ કે અન્ય કોઈને પણ અટકાવ્યા નથી. 

(૪)રાત્રિકર્ફ્યુનો લોકો પહેલેથી વિરોધ કરતા રહ્યા છતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેને ખૂબ જરૂરી ગણાવીને આજે પણ રાત્રે ૧૧ પછી કર્ફ્યુ છે, છતાં રાત્રિના ૧૧ પછી ભાજપ કાર્યાલયે ખુલ્લેઆમ માણસો દેખાયા હતા. (ફોર્મ ભરવાનું કામ હોય તો તે વહેલી યાદી બહાર પાડી વહેલું પૂરું કરી શકાયું હોત)

(૫) ડી.જે.નું કર્ણફાડ ઘોંઘાટિયુ મ્યુઝીક ઢોલ વગાડીને દેખાડો કર્યો. (આ રીતે ઉત્સાહવ્યક્ત કરવો હોય જીતવા સુધી રાહ જોઈ શક્યા હોત)

જો આ નિયમો ભાજપના નેતાઓને જ અયોગ્ય અને બીનજરૂરી લાગતા હોય તો તેમની જ સરકાર છે, નિયમો રદ કેમ કરાવાતા નથી? નિયમો કોરોનાનું સંક્રમણ રોકવા બનાવાય છે કે તેને તોડવા માટે બનાવાય છે? કે માત્ર આમ લોકોને ડરાવવા માટે? લોકોએ તો કોઈ નિયમોની માંગ કરી નથી, સરકારનો સ્વવિવેક જનહિતનો નિર્ણય છે અને તેનું શાસક પક્ષ જ અમલ નથી કરતો. 

ભાજપ સહિતના પક્ષો ટોળા ભેગા કર્યા વગર રહી શકતા નથી,સરકારી કચેરીમાં અમલ નથી તો સરકાર આ નિયમો કોને દેખાડવા લોકો પર ઝીંકે છે?



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oPbZQx

0 Response to "રાજકોટમાં ભાજપે નિયમોની ધજ્જીયા ઉડાડવામાં મેળવી જીત!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel