
મોઢેરા સૂર્યમંદિરના બગીચામાં પાંચ કાગડાના શંકાસ્પદ મોતથી ફફડાટ
મહેસાણા, તા.07 જાન્યુઆરી 2021, ગુરૂવાર
મહેસાણા જિલ્લામાં દબાતા પગે બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ રહી હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેના ઓથાર વચ્ચે બુધવારે મોઢેરા ખાતે આવેલા ઐતિહાસિક સૂર્યમંદિરના ગાર્ડનમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલા પાંચ કાગડાઓ મળી આવતા પશુપાલન અને ફોરેસ્ટ તંત્ર દોડતું થયું હતું. તપાસનીશ ટીમે મૃત કાડાઓના નમૂના લીધા હતા અને પરીક્ષણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લામાં બર્ડ ફ્લોની આશંકાના પગલે પશુપાલન સહિત વહિવટી તંત્રને સતર્ક કરાયું છે. ડીડીઓ એમ.વાય. દક્ષિણીએ ૧૦ તાલુકાના પશુ ચિકિત્સકોને તાકીદ કરીને કોઈપણ સ્થળે પંખીઓના સામુહિક મોત થાય તો તત્કાલ તેનો રિપોર્ટ જિલ્લા કક્ષો કરવા જ્યારે પંખીઓના સર્વેની કામગીરી કરીને એલર્ટ રહેવા જણાવ્યું છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા બર્ડ ફ્લુના રોગ બાદ ગુજરાતમાં પણ તકેદારીના પગલા શરૃ કરવામાં આવ્યા છે. બર્ડ ફ્લુના ભય વચ્ચે મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરાના સૂર્યમંદિરના ગાર્ડનમાંથી રાત્રીના સુમારે શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા પાંચ કાગડાઓ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મૃત કાગડાઓના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલી દેવાયા છે. જોકે પ્રાથમિક તારણમાં કાગડાઓના મોત કુદરતી થયા હોવાનું બહાર આવ્યું છે. જોકે પાંચ કાગડાઓના એકસાથે મોત થતાં ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. વળી આ સ્થળે રાત્રે જ પશુ ચિકિત્સકોની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃત કાગડાઓના સેમ્પલ મેળવી પરીક્ષણ માટે ભોપાલ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
થોળ પક્ષી અભ્યારણના 54 પંખીઓના સેમ્પલ લેવાયા
કડી તાલુકાના થોળ તળાવમાં શિયાળાની ઋતુમાં દર વર્ષે વિદેશથી સંખ્યાબંધ દુર્લભ પક્ષીઓ આવતા હોય છે. જેથી હાલ પ્રવર્તી રહેલા બર્ડ ફ્લુના ભયને પગલે પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધી થોળ પક્ષી અભ્યારણમાં આશ્રય લઈ રહેલા ૫૪ જેટલા પંખીઓના પરીક્ષણ લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલાયા હોવાનું જાણવા મળે છે.
એલર્ટ રહેવા પશુ ચિકિત્સકોને તાકીદઃ પશુપાલન અધિકારી
મોઢેરા સૂર્યમંદિરના ગાર્ડનમાં મૃત હાલતમાં મળી આવેલા પાંચ કાગડાઓ અંગે મહેસાણા જિલ્લાના પશુપાલન અધિકારી ડો. દેસાઈએ જણાવ્યુ ંહતુ ંકે હાલના તબક્કે કાગડાઓના મોતની ઘટના સામાન્ય છે, પરંતુ તકેદારીના ભાગરૃપે નમુના લઈ પરીક્ષણ માટે ભોપાલ મોકાા છે. જ્યારે જિલ્લામાં પશુ ચિકિત્સકોને બર્ડ ફ્લુ સંદર્ભે સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.
કેટલાક સ્થળોએ કાગડાઓમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો
સુત્રોમાંથી મળેલી વિગતો અનુસાર કેટલાક સ્થળોએ કાગડાઓમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો મળ્યા છે. જે ઘણો ચેપી હોવાથી પંખીઓમાં ઝડપથી ફેલાતો હોય છે. જેના પગલે મોઢેરા સૂર્યમંદિરના ગાર્ડનમાંથી પાંચ કાગડાોના મોતની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રએ તકેદારીના પગલા ભરવાનું શરૃ કર્યું છે.
જિલ્લામાં એક વર્ષના સમયગાળામાં 258 સેમ્પલ લેવાયા
મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વકરેલા બર્ડ ફ્લુના રોગને પગલે મહેસાણા જિલ્લામાં પશુપાલન તંત્ર સાબદું બન્યું છે. છેલ્લા એક વર્ષના સમયગાળામાં તંત્ર દ્વારા જુદા જુદા સ્થળોએથી ૨૫૪ પંખીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે તેનો એક પણ રિપોર્ટ ચિંતાજનક આવ્યો ન હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/396iHf2
0 Response to "મોઢેરા સૂર્યમંદિરના બગીચામાં પાંચ કાગડાના શંકાસ્પદ મોતથી ફફડાટ"
Post a Comment