બનાસકાંઠામાં બટાટા નીકળવાની શરૃઆત સાથે જ ભાવ ગગડયા

બનાસકાંઠામાં બટાટા નીકળવાની શરૃઆત સાથે જ ભાવ ગગડયા

ડીસા તા.23 જાન્યુઆરી 2021, શનિવાર

બનાસકાંઠામાં બટાટા નીકળવાની શરૃઆત સાથે જ ભાવ ગગડી ગયા છે અને એક જ અઠવાડિયાની અંદર બટાટાનો ભાવ ૫૦ ટકા જેટલો ગગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં ફરી એકવાર બટાટાનો ભાવ ૫૦ ટકા જેટલો ગગડી ગયો છે. અત્યારે બટાટા નીકળવાની શરૃઆત થઈ ગઈ છે. પરંતુ માર્કેટમાં બટાટા આવવાની શરૃઆતમાં જ ભાવ તળિયે પહોંચી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ૬૯ હજાર હેકટર જમીનમાં બટાટાનું વાવેતર થયું છે. જે ગત વખત કરતા ચાર ટકા જેટલો ઓછુ છે. ગત વર્ષે બટાકાનો ઐતિહાસિક ભાવ રહ્યો હતો. જેના કારણે બટાટાનું બિયારણ પણ ખૂબ જ ઊંચા ભાવે ખેડૂતોએ ખરીદ્યું હતું અને આ વર્ષે પણ સારો ભાવ રહેશે તેવી આશા સાથે ખેડૂતોએ ઊંચા ભાવે બિયારણ અને ખાતર લાવી બટાટાનું વાવેતર કર્યું હતું. જોકે આ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં દસ દિવસ અગાઉ જ બટાટાની હરાજી શરૃ થઈ હતી અને તે સમયે બટાટાનો ભાવ ૨૦૦ રૃપિયા પ્રતિ મણ રહ્યો હતો. પરંતુ એક જ અઠવાડિયાની અંદર બટાટાનો ભાવ ૫૦ ટકા જેટલો ઘટી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

અત્યારે ડીસા માર્કેટયાર્ડની અંદર દરરોજ ૪ થી ૫ હજાર બટાટાની બોરીની આવક થઈ રહી છે. જેમાં પુખરાજ જાતના બટાટા સૌથી વધુ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે. જોકે આ બટાટા તરત જ ખરાબ થઈ જતા હોવાથી ખેડૂતો તેને નીકાળીને તરત જ માર્કેટમાં વેચી દે છે, અને જો આ બટાટાનો સંગ્રહ કરવામાં આવે તો તે જલ્દી ખરાબ થઈ જતા હોવાથી માર્કેટમાં લાવ્યા બાદ ખેડૂતો ઓછા ભાવે પણ બટાટા વેચતા હોય છે. વેપારીનું માનીએ તો આ પુખરાજ જાતના બટાટામાં સ્ક્રેપ નામનો રોગ આવ્યો હોવાના કારણે અને છેલ્લા એક અઠવાડિયાથી અન્ય રાજ્યોમાંથી પણ બટાટાની આવક શરૃ થઇ જતા ડીસાના બટાટાની માંગ ઘટી છે અને તેના કારણે ભાવ ઘટયા છે. જોકે આગામી સમયમાં બટાટાનો ભાવ કેવો રહેશે તે હજુ કોઈ ચોક્કસ કહી શકાય તેમ નથી.કોરોના મહામારીના સમયમાં ખેડૂતોની હાલત સૌથી વધુ કફોડી બની હતી ત્યારે હવે બટાટા નીકળવાની શરૃઆત સાથે જ પોષણક્ષમ ભાવ ન મળતાં બટાટાની ખેતી કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે અને જો આ જ સ્થિતિ રહેશે તો આગામી સમયમાં બટાટાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાશે.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ppu3l2

0 Response to "બનાસકાંઠામાં બટાટા નીકળવાની શરૃઆત સાથે જ ભાવ ગગડયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel