
રાજકોટમાં દોરીથી ગળું કપાઈ જતાં ઈજનેરી છાત્રનું મોત
'મમ્પી પપ્પાને બાસુંદી બહુ ભાવે છે, હું હમણાં જ લઈને આવું છું'
રાજકોટ, તા. 15 જાન્યુઆરી 2021, શુક્રવાર
મકરસંક્રાંતિના દિવસે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે એક્ટિવા પર જતાં અને કમ્પ્યુટર એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ઉત્સવ ચેતનભાઈ વ્યાસ નામના ૨૧ વર્ષના આશાસ્પદ યુવાનનું ગળું દોરીથી કપાઈ જતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજતા પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્સવ અને તેના પરિવારના સભ્યો અગાઉ મુંબઈના મીરા રોડ ઉપર રહેતા હતા. લોકડાઉનને કારણે છ માસ પહેલાં જ રાજકોટ રહેવા આવી ગયા હતા. ઉત્સવ મુંબઈના કાંદીવલીની ઠાકુર કોલેજમાં અભ્યાસ કરતો હતો. રાજકોટ આવી ગયા બાદ તેણે ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખ્યો હતો.
ગઈકાલે બપોરે એકાદ વાગ્યે તે એક્ટિવા લઈને જતો હતો ત્યારે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અચાનક તેના ગળામાં દોરી વીંટાઈ જતાં લોહીના ફુવારા ઉડયા હતા. તે સાથે જ તે એક્ટિવા પરથી નીચે પટકાઈ ગયો હતો. સ્થળ પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા. આ અકસ્માત જોઈ સ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા. તત્કાળ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ મૃત્યુ નીપજ્યું હતું.
જાણ થતાં ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. ઉત્સવ બે ભાઈમાં મોટો હતો, તેના નાનાભાઈનું નામ દેવ છે. તેના પિતા કુવાડવા રોડપરની બેસન ફેક્ટરીમાં નોકરી કરે છે. તેના ગળામાં દોરીને કારણે એક આંગળી જેટલો કાપો પડી ગયો હતો, સંભવત: તેને કારણે શ્વાસનળી કપાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આશાસ્પદ પુત્રના મોતથી વિપ્ર પરિવાર આઘાતથી સ્તબ્ધ બની ગયો હતો.
ગાંધીગ્રામ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દોરી જોતા તે ચાઈનીઝ નહીં, પરંતુ સાદી દોરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં મકરસંક્રાંતિ પહેલાં પણ એક મિસ્ત્રી યુવાનનું ગળામાં દોરી વીંટળાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. શહેરમાં આ રીતે દોરીએ બે-બે યુવાનોના ભોગ લીધા છે.
શહેરમાં ગઈકાલે મકરસંક્રાંતિએ દોરાથી ઈજા, દોરા વાહનમાં ફસાતા પડી જવાને કારણે, અગાસીથી પડી જવાના કારણે, સવારથી લઈ સાંજ સુધી કુલ ૩૨ જણાં ઘવાયા હતા. આ તમામને સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. ધાબા પરથી પડી જતાં એક બાળકી પણ ઘવાઈ હતી.
બાસુંદીને બદલે પુત્રની લાશ આવતા પરિવાર હતપ્રભ ઉત્સવના ગળામાં દોરી વીંટાઈ જતાં પતંગબાજે જોરથી દોરી ખેંચવાનું ચાલુ રાખતા ગળું કપાતું ગયું
પરિવારના સભ્યોએ જણાવ્યું કે, સ્થળ પર હાજર લોકોએ તેમને કહ્યું કે, જે દોરીથી ઉત્સવનું ગળું કપાયું તે પતંગબાજ નજીકના કોઈ ધાબામાંથી જ પતંગ ઉડતો હતો. દોરો ઉત્સવના ગળામાં ફસાઈ જતાં તેનાથી અજાણ પતંગબાજે જોરથી દોરો ખેંચવાનું ચાલુ રાખતા ઉત્સવનું ગળું કપાતું ગયું હતું અને તેમાંથી લોહીની ધારો વહેવા લાગી હતી. આખરે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ihu3B2
0 Response to "રાજકોટમાં દોરીથી ગળું કપાઈ જતાં ઈજનેરી છાત્રનું મોત"
Post a Comment