કઠલાલ પાલિકા રૂા. 3.65 કરોડના બાકી વેરાની વસૂલાત માટે લાલ આંખ કરશે

કઠલાલ પાલિકા રૂા. 3.65 કરોડના બાકી વેરાની વસૂલાત માટે લાલ આંખ કરશે


- તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ ફટકારી ચેતવણી આપી વેરો નહીં ભરનારના નળ અને ગટરના જોડાણો કટ કરાશે

કઠલાલ, તા. 7 જાન્યુઆરી 2021, ગુરુવાર


કઠલાલ પાલિકામાં કરોડોની વેરા વસૂલી બાકી છે. તાલુકાની ઘણી સરકારી કચેરીઓએ પણ પાલિકાને વેરો ચૂકવ્યો નથી. આ ઉપરાંત સ્કૂલો, કોલેજો અને માર્કેટ યાર્ડ જેવી જાહેર સંસ્થાઓએ પણ પાલિકાના ટેક્સની રકમ ભરી નથી. આથી કઠલાલ પાલિકાએ ટેક્સ બાકીદારો સામે લાલ આંખ કરીને અસંખ્ય નોટિસો ફટકારી છે.

કઠલાલ નગરપાલિકામાં રહેણાક અને વેપારી મિલકતો તેમ જ ઘણી સરકારી કચેરીઓના લાખો રૂપિયાના ટેક્સની વસૂલાત બાકી બોલે છે. પાલિકામાં બાકી વેરાની કુલ રકમ ૩ કરોડ  ૬૫ લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. તંત્ર હવે હરકતમાં આવ્યું હોવાથી બાકીદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત થઈ શકે છે.

ઓગસ્ટ ૨૦૦૫માં કઠલાલ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં રૂપાંતરિત થયું. ત્યારબાદ શહેરીજનોને રસ્તા, પાણી,ગટરલાઈન અનેવીજળી વગેરેની સારી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ સુવિધાઓ પૂરી પાડવા સાથે પાણીવેરો, વીજળીવેરો, સફાઈવેરો, મિલકતવેરો વગેરે વેરા વાર્ષિક ધોરણે વસૂલ કરવામાં આવે છે. જોકે નગરપાલિકાનાં આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેટલાક મોટા કોમ્પલેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, માર્કેટ યાર્ડ જેવી સંસ્થાઓ દ્વારા કેટલાય સમયથી વેરા ભરવામાં આવ્યા નથી. આ બાકી વેરાની માઠી અસર નગરપાલિકાનાં વિકાસકાર્યો પર થઈ છે. કેટલાક ખાનગી  મિલકતધારકોએ પણ વરસોથી પાલિકામાં વેરા ભર્યા નથી. આ કારણે  લોકભાગીદારીથી થતાં વિકાસકાર્યો  પણ અટવાયેલાં પડયાં છે. પાલિકાના જવાબદાર ચીફ ઓફિસર દ્વારા આ બાકીદારો સામે કડક હાથે કામ પાર પાડવામાં આવે અને વહેલીતકે બધો વેરો વસૂલો વિકાસકાર્યો આગળ ધપાવવામાં આવે તેવી માગ જાગ્રત નાગરીકો કરી રહ્યા છે. અત્યાર સુધી પાલિકા દ્વારા કુલ વેરાના ૧૫ ટકા જેટલી રકમ જ વસૂલી શકાઈ છે, જ્યારે ૮૫ ટકા જેટલી મોટી રકમ બાકી બોલે છે.

બાકીદારો દિવસ ૭માં વેરો નહીં ભરે તો પગલાં : તંત્ર

પાલિકાએ વસૂલવાના બાકી વેરા વિશે પાલિકાનાં ચીફ ઓફિસર નિલમ રોયનો સંપર્ક કરતા તેઓએ તમામ બાકીદારોને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જણાવ્યું છે. પાલિકાએ તમામને બાકી વેરાની નોટિસ મોકલી આપી છે અને એમાં તાત્કાલિક વેરા ભરવાનું જણાવ્યું છે. જો દિન-૭માં આ વેરા ભરવામાં નહીં આવે તો તેમના પાણી તથા ગટરલાઈનના કનેક્શન કાપી નાખવામાં આવશે તેમ જ બાકીદારોનાં નામ જાહેર નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવશે.

૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ પાલિકાના બાકી વેરાની યાદી

મિલકત વેરો - રૂ. ૨,૦૪,૫૦,૯૭૩

સામાન્ય પાણી વેરો - રૂ. ૮,૯૪,૩૨૦

ખાસ પાણી વેરો - રૂ. ૧૦, ૭૩૯,૫૫૩

વીજળી વેરો - રૂ. ૬,૫૦,૦૮૬

સફાઈ વેરો - રૂ. ૨૦,૫૬,૪૩૨

શિક્ષણ વેરો - રૂ. ૧૭,૮૮,૬૭૩

કુલ - રૂ. ૩,૬૫,૮૦,૦૩૭



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38tqcxH

0 Response to "કઠલાલ પાલિકા રૂા. 3.65 કરોડના બાકી વેરાની વસૂલાત માટે લાલ આંખ કરશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel