
મહેસાણાના વીજ વાયરોમાં ફસાયેલી 10 કિલો પતંગની દોરીનો નિકાલ
મહેસાણા,તા.17 જાન્યુઆરી 2021, રવિવાર
મહેસાણા-૧ અને ૨માં આજે સવારે ૮ થી ૪ વાગ્યા સુધી ૧૫૦ વીજ કર્મીઓ દ્વારા ઓપરેશન ચાલુ કર્યું હતું. જેમાં ૧૦ કિલો જેટલી વાયરોમાં ફસાયેલી પતંગોની દોરીનો નિકાલ કરાયો હતો. ઉપરાંત ૨૦૦ ઝાડની ડાળીઓ કાપી ૨૯૭ પતંગની સળીયો સળગાવી દેવાઈ હતી. હજુ આવતીકાલે અમુક વિસ્તારોમાં પણ આ પતંગની દોરીના નિકાલનું કામ ચાલુ રહેશે.
ઉત્તરાયણ બાદ મહેસાણાના વીજ વાયરોમાં ઘણી બધી પતંગો જોવા મળી રહી હતી જેના લીધે વારંવાર વીજફોલ્ટ થતા હતા. મહેસાણા-૧ની વાત કરીએ તો બે દિવસમાં ૩૦૦ જેટલી વીજ ફોલ્ટની ફરિયાદો નોંધાઈ હતી. આ ફરિયાદોનો નિકાલ કરવા માટે વીજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ રવિવારે રજાના દિવસે ઓપરેશન પાર પાડયું હતું. જેમાં મહેસાણા-૧ અને ૨ના મોટાભાગના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ કરી દોરી નિકાલની કામગીરી શરૃ કરાઈ હતી. સાંજ સુધીમાં ૧૦ કિલો જેટલી પતંગની કાતિલ દોરીઓનો નિકાલ કરાયો હતો. આ તમામ દોરીઓના લીધે વારંવાર વીજપુરવઠો ખોરવાતો હતો ઉપરાંત વીજશોર્ટનો પણ ડર લાગી રહ્યો હતો. આ અંગે માહિતી આપતા વીજ અધિકારીએ જણાવ્યું હતું કે સવારથી જ ૧૫૦ માણસોનો સ્ટાફ આ કામગીરીમાં લાગી ગયો હતો. ગત વર્ષ કરતા આ વર્ષે વધુ પતંગની દોરીઓ મળી હતી. ૧૦ કિલો પતંગની દોરીઓની સાથે પતંગના સળીયા પણ વીજવાયરોમાંથી કાઢી સળગાવી દેવામાં આવ્યા હતા. તેમજ ૨૦૦ જેટલી ડાળીઓ વીજવાયરને અડતી હોવાથી તેનો પણ નિકાલ કરાયો હતો. આવતીકાલે સોમવારે ગાંધીનગર લીંક રોડ ઉપરની અમુક સોસાયટીઓમાં આ ઓપરેશન ચાલુ રહેશે.
વીજ થાંભલામાં ૩૭૯ કંપોઝીટ પીનો બદલી
મહેસાણા-૧ વિસ્તારના ઈજનેર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વીજ થાંભલામાંથી ૩૭૯ કંપોઝીટ પીનો બદલાવાઈ હતી. આ પીનોના લીધે વારંવાર વીજ ફોલ્ટ સર્જાતા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oU7Hbm
0 Response to "મહેસાણાના વીજ વાયરોમાં ફસાયેલી 10 કિલો પતંગની દોરીનો નિકાલ"
Post a Comment